આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
સરદાર વલ્લભભાઈ

તા. ર૪-૪-’૩૩: આંબેડકરની સૂચના *[૧] વિષે બરાબર સવાલ જવાબ સાથે તૈયાર થઈ રહેવાનું બાપુએ વલ્લભભાઈને કહ્યું હતું. સાંજે વલ્લભભાઈની સાથે સવાલ જવાબ ચાલ્યા.

બાપુ: “બોલો તમે શું ધારો છો ?”

વલ્લભભાઈ : “આ તો હિંદુઓના મત સિવાય ચલાવી લેવાની પેરવી છે. ૪૦ ટકા મત ઓછામાં ઓછા ઠરાવવામાં આવે તો પણ એ માણસ દલિત વર્ગના બધા જ મત ખેંચી જવાનો પ્રયત્ન કરે. અને બીજાને ભાગે મત રહે જ નહી.”

બાપુ: “પણ પેલો ચાલીસને બદલે પચાસ મેળવે, સાઠ મેળવે, બીજાને બાકીના તો મળી જ રહે ના ?”

વલ્લભભાઈ : “પણ એ તો એ જ મેળવવાના.”

બાપુ: “આંબેડકરને દૂર રાખો. તમારી પાસે કોઈ વકીલ તરીકે સલાહ લેવા આવે અને એમ કહે કે હિંદુઓના મત અમારે જોઈતા જ નથી અથવા એના મત લીધા વિના અમારે જવું છે, તે માટે તમે કઈ તરકીબ બતાવો. તો તમે આંબેડકરે કહેલી તરકીબ બતાવોને ?”

વલ્લભભાઈ : “હા.”

બાપુ: “વારુ, પછી એ પૂછે કે કેટલા ટકા ઓછામાં ઓછા રાખવા? તો તમે શું કહો ?”

વલ્લભભાઈ : “એ તો વધારેમાં વધારે માગું.”

બાપુ : “પણ કેટલા?”

વલ્લભભાઈ : “હું તો જેટલું તણાય તેટલું તાણું.”

બાપુ: “તમારા મત પ્રમાણે ૧૦ ટકા હોય તો ચાલે.”

વલ્લભભાઈ : “એને રાજી કરવા ૧૦ ટકા આપું. એથી આગળ ન જાઉં.”

મેં કહ્યું : “ચોટડૂક દલીલ તો તમે આંબેડકર આગળ કરી ચૂક્યા છો, કે ૨૪ ટકા અસ્પૃશ્યોના મત મળે અને હિંદુઓના વધારેમાં વધારે મળે એ માણસ ઊડી જાય, અને ૨૫ ટકા અસ્પૃશ્યો મળે પણ હિંદુઓના ઓછામાં ઓછા મળે તોપણ એ માણસ ચૂંટાય. આ દલીલ સંપૂર્ણ છે. એને હું આખા યરવડા કરારના મૂળને છેદનારી વસ્તુ માનું છું.”

બાપુ : “હું એટલે બધે દરજ્જે એમાંથી અનુમાન નથી કાઢતો. મને તો માત્ર એ વાત બેહૂદી લાગે છે. પણ હવે હું વિચારી જોઈશ.”

તા. ૨૬-૪-’૩૩ : નીલા નાગિની અને એના દીકરાની ખાવાની બાપુ કાળજી રાખે, કપડાંની કાળજી રાખે, છોકરાની ધોતી પોતાની ધોતીમાંથી કાપીને


  1. * યરવડા કરાર પ્રમાણે હરિજન ઉમેદવાર માટે જે એક બેઠક હોય તો પ્રથમ ચાર ઉમેદવારોને હરિજન મતદારો પ્રાથમિક ચૂંટણીથી ચૂંટે. અને પછી સામાન્ય મતદાર મંડળ એ ચારમાંથી એકને ચૂંટે એવું ઠરાવવામાં આવ્યું હતું. ડૉ. આંબેડકરે એવી સૂચના કરી હતી કે હરિજનોને બેવડી ચૂંટણીનું ખર્ચ વેઠવું પડે છે, તેને બદલે સામાન્ય ચૂંટણીમાં જ હરિજન ઉમેદવારને હરિજન મતદારોના અમુક ટકા મત મળવા જ જોઈએ, એવું ઠરાવીએ તો કેમ ?