આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૮
સરદાર વલ્લભભાઈ

કાળજી રાખતા. તેમણે અને મારા બીજા સાથીઓએ સંતલસ કરી મૂકી હતી કે મને કશું કામ કરવા ન દેવું. હું આશા રાખું છું કે સરકાર મારી વાત માનશે કે જ્યારે જ્યારે અમે રાજદ્વારી પ્રશ્નની ચર્ચા કરતા ત્યારે ત્યારે સરકારી મુશ્કેલીઓનો બરાબર ખ્યાલ તેમને રહેતો. બારડોલી અને ખેડાના ખેડૂતોની તેઓ જે ચિંતા કરતા તે હું કદી ભૂલી શકીશ નહીં.”

૧૦
ગાંધીજીથી છૂટા પડયા પછી યરવડા તથા નાશિક જેલમાં

સરદાર યરવડા જેલમાં નાકની પીડાથી બહુ હેરાન થતા હતા. સળેખમની ફરિયાદ તો એમની જૂની હતી. '૩૨ના જાન્યુઆરીમાં તેઓ પકડાયા તેને આગલે જ દિવસે તેમણે નાકમાં કોટેરીઝેશન (વીજળીથી વધારાના ભાગને બાળી નાખવાની ક્રિયા) કરાવ્યું હતું. એવી સ્થિતિમાં મુંબઈથી પૂના જાન્યુઆરીની ટાઢમાં કાચની બારીઓ વિનાની મોટરમાં મુસાફરી કરવી પડી, તેની પણ અસર થઈ હશે. એટલે જેલમાં તેમને વારંવાર નાકમાંથી પાણી ગળ્યાં જ કરતું. કેટલીક વાર નસકોરાં બંધ પણ થઈ જતાં. ત્યારે તો રાત્રે જાગતા બેસી રહેવું પડતું. જેલના ડૉકટરો જે સારવાર આપે અને સાવચેતી માટે પોતે જે પગલાં લે તેથી બાપુજી હતા ત્યાં સુધી ચલાવ્યું. ગાંધીજીએ એકવીસ દિવસના ઉપવાસ શરૂ કર્યા તે જ દિવસે તા. ૮-૫-'૩૩ના રોજ સાંજે તેમને છોડી મુકવામાં આવ્યા. મહાદેવભાઈ પણ તેમની સજાની મુદત પૂરી થતાં તા. ૧૯-૫-'૩૩ના રાજ છૂટી ગયા. એટલે સરદાર અને છગનલાલ જોષી યરવડા જેલમાં એકલા રહ્યા.

બાપુજીના ઉપવાસ તા. ૨૯-૫-'૩૩ના રોજ પૂરા થયા. તે દિવસે સરદારે યરવડામાંથી બાપુજીને, મહાદેવભાઈને તથા દેવદાસભાઈને નીચે પ્રમાણે કાગળો લખ્યા :

" પૂજ્ય બાપુ,

"આખરે ઈશ્વરે આપની ટેક રાખી. આ પુણ્ય પ્રસંગે અમે બેઉ *[૧] આપના આશીર્વાદ માંગીએ છીએ.

" પ્રભુની આપના ઉપર અપાર દયા થઈ છે. પણ હવે અમારા ઉપર પણ આપ થોડી દયા રાખજો. બીજું હવે પછી વખત આવ્યે.

લિ. સેવક
વલ્લભભાઈના દંડવત્ પ્રણામ”
 




  1. *સરદાર તથા શ્રી છગનલાલ જોષી.