આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૯
ગાંધીજીથી છૂટા પડ્યા પછી યરવડા તથા નાશિક જેલમાં

“પ્રિય ભાઈ મહાદેવ,

“ આખરે પ્રભુએ લાજ રાખી. આ દેશનાં પાપ ઘણાં છે, છતાં કઈક પાપ કરતાં પાછું જોયું હશે એટલે સૌનાં માં ઊજળાં રહ્યાં. પ્રેમલીલાબહેનની અપાર સેવાનો બદલો ઈશ્વરે આપ્યો. એમને તો યશ મળ્યો. ખરેખર ઈશ્વરની અપાર દયા છે. બાકી આપણે લાયક તો નથી જ. આજે સૌને હર્ષનાં આંસુ આવે છે. પ્રભુનો પાડ માનીએ છીએ. સાંજના કાગળની રાહ જોશું.

લિ.
વલ્લભભાઈના વંદેમાતરમ ”
 

"ચિ. દેવદાસ,

“ ભગવાને આખરે લાજ રાખી. અમારે અહીં બેઠાં પ્રભુની અપાર દયાને માટે પાડ માનવો જ રહ્યો. બીજું શું કરીએ ? તમે બધાએ ખૂબ કરી. ઘણાને ભય હતો કે જેલમાં જે સંભાળ રાખી શકાશે તે બહાર નહીં રાખી શકાય, અને બાપુની માવજત બરાબર નહીં થઈ શકે. લોકોનાં ટોળાં આવશે તેને રોકી નહીં શકાય અને કશી વ્યવસ્થા નહી રાખી શકાય. આ બધું તમે બધાંયે ખોટું પાડી દીધું અને જે સુંદર વ્યવસ્થા કરી તેને માટે તમને સૌને મુબારકબાદી જ આપવી રહી. એ કામ બહુ ભારે થયું છે અને એ માટે તમારે બધાંએ મગરૂબ થવા જેવું છે. શ્રી પ્રેમલીલાબહેનને યશ મળ્યો એ કેટલું બધું સુંદર ! એમની સેવા અમૂલ્ય ગણાય. બાને અમારા પ્રણામ કહેજે અને અમને આશીર્વાદ આપવા કહેજે. અમે તો અહીં બેઠા કશા કામમાં આવી શક્યા નથી. અને હજી પણ કઈ કરી શકતા નથી.

"તારી તબિયત સારી થઈ ગઈ હશે.

"બાપુને પારણાં વખતે મારી બે લીટીની ચિઠ્ઠી વાંચી બતાવવી યોગ્ય લાગે તો જોજે.

"રાજાજીને હવે જીવમાં જીવ આવ્યો હશે. બિચારા બહુ જ દુ:ખી થયા છે.

"રામદાસ હમણાં તો અહીં રહેશે જ ને ? એની તબિયત સંભાળવા જેવી છે.

લિ. શુભેચ્છક
વલ્લભભાઈના આશીર્વાદ”
 

ત્યાર પછી બાપુજીને તથા મહાદેવભાઈને લખેલા પત્રો નીચે આપ્યા છે :

“યરવડા મંદિર,
તા. ૩૦–૬–'૩૩
 

“પ્રિય ભાઈ મહાદેવ,

" તારો કાગળ મળ્યો. જવાહરલાલની પેલી ચોપડીનું શું કરવું છે? એને પાછી જ મોકલવી હોય તે અહીંથી જ મોકલી દઉંં. નહીં તો તને મોકલી આપું.

“ જમનાલાલજી એકલા આવ્યા છે કે જાનકીબહેનને સાથે લઈને આવ્યા છે ? એમની તબિયત હવે કેમ છે ?

" પેલા પરચૂરે શાસ્ત્રીનું શું છે ? કેમ આશ્રમ છોડવા માગે છે ? શું વાંધો પડયો છે?

“ બાપુ જરા બોલતા બેસતા થાય કે તરત જ આશ્રમના કોયડાઓ અને કજિયાઓનો મારો ચલાવવો છે કે શું ?