આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૬
સરદાર વલ્લભભાઈ

આ કામ કરાવવાને આપ આગ્રહ ન કરશો. આ સંબંધમાં સરકારમાં આપ કશું જ ન લખો અગર બહાર કશું જ આંદોલન ન થાય એવી મારી ખાસ વિનંતી છે. હું જેલમાં માદો રહું છું એવું બહાર આવે એથી મને ભારે શરમ લાગે અને મારી એવી નાલેશી તો આપ નહીં જ થવા દો. સરકારને જ્યાં સુધી એના ડૉક્ટરો એવી સલાહ નહીં આપે કે ઓપરેશન કર્યા સિવાય છૂટકો નથી, ત્યાં સુધી એ કોઈનું નહીં માને અને જિંદગીને જ્યારે જોખમ જેવું લાગશે ત્યારે તો એના જ ડૉક્ટરો અને આઈ. જી. પી. પણ જરૂર એવી સલાહ આપશે. પણ એવો વખત આવવાનો જ નથી. એટલે માત્ર પીડા વેઠવાથી જ કંટાળીને ધમપછાડા શા માટે કરવા જોઈએ ? મેં ડૉક્ટરને બોલાવવાની માગણી કરી છે. તે સ્વીકારાશે તો તેમને મળી, બધી હકીકતની તેની સાથે ચર્ચા કરી, કયા ડૉકટર પાસે ઓપરેશન કરાવવું અને તે માટે શી સવગડ જોઈએ એ બધું જાણી લઈ, સરકારને છેવટનો જવાબ હું આપીશ અને તેની આપને ખબર આપીશ. આપ જરાય ચિંતા ન કરશો.

લિ.
વલ્લભભાઈના પ્રણામ
 


સરદારના નાકના ઓપરેશનની કહાણી એવી છે કે એમને યરવડામાં નાકની બહુ હેરાનગતિ થતી હતી, એટલે સરકાર તરફથી પૂનાની સાસૂન હોસ્પિટલના નાકના ખાસ ડોક્ટર પાસે એમને તપાસરાવ્યા. એણે અને સિવિલ સર્જને એવો અભિપ્રાય આપ્યો કે ઑપરેશન કરાવવામાં આવે તો ફાયદો થવા સંભવ છે. એટલે સરદારે પોતાના ડોક્ટર દેશમુખને બોલાવરાવી તેમની પાસે પોતાની તબિયત તપાસડાવી. 'ડીફ્લેક્ટેડ નેઝલ સેપ્ટમ ' માટે ઑપરેશન કરાવવાની તેમણે પણ સલાહ આપી. સાથે એવો અભિપ્રાય આપ્યો કે ઑપરેશન મુંબઈમાં કરાવવામાં આવે તો સારું. તે ઉપરથી આઈ.જી . પી. એ સરદારને પુછાવ્યું કે તમે ઑપરેશન જલદી કરાવવા ઈચ્છો છો કે કેમ ? સરદારે હા પાડી. પણ તેઓ તો હિંદી સરકારના કેદી હતા. એટલે હિંદી સરકારનો હુકમ મેળવવો જોઈએ. હિંદી સરકારે તા. ૨૦-૬-'૩૩ના રોજ જણાવ્યું કે પૂનાની સાસૂન હૉસ્પિટલમાં ઓપરેશન કરાવવાની સરદારની ઈચ્છા હોય તો ત્યાં ઑપરેશનની સગવડ કરી આપવામાં આવશે. પણ બીજી કોઈ ઇસ્પિતાલમાં અથવા પૂનાની બહાર ઑપરેશન માટે તેમને લઈ જવામાં આવશે નહી. વળી તા. ૨૧મી એપ્રિલે સાસુન હોસ્પિટલના સિવિલ સર્જન તથા નાકના દરદના ખાસ ડોકટર મંડલિકે તેમને તપાસીને એવો અભિપ્રાય આપેલ છે કે ઑપરેશન એકદમ કરવું જ જોઈએ એ જરૂરનું નથી. એટલે જે મિ. પટેલને પોતાના ડૉક્ટર પાસે ઓપરેશન કરાવવું હશે તો તેને અંગે જે ખર્ચ થશે તે તેમને જે ભથ્થાની રકમ