આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૧
વત્સલ હૃદય
રીતે ટેકો થાય તે કરવાનો આપણો ધર્મ છે. એથી વધારે કરવા જતાં મૂંઝવણ આવી પડે એવું ન કરવું.”

મણિબહેન ફરી જેલ ગયાં તેમાં વડીલોની સેવા કરવાનો ધર્મ પોતે ચૂક્યા એવું એમને લાગતું હતું. એટલે એમને તા. ૧–૨–’૩૫ના રોજ લખ્યું :

“બાપુ લખે છે કે મણિને લખજો કે, ‘વડીલોની સેવા સાન્નિધ્યમાં રહીને જ કરાય એવું નથી. જે વડીલોનું કામ કરે છે તે તેની સેવા જ કરે છે. સાનિધ્યમાં રહેવાનો લોભ ભલે હોય. એ સ્વાભાવિક છે. પણ સેવા અને સાન્નિધ્યને અનિવાર્ય સંબંધ નથી.” બાપુ લખે છે તે તદ્દન સાચું છે. જોને, બાને આટલી ઉંમરે પણ બાપુની સેવામાં રહેવાનું બહુ મન હોવા છતાં બાપુનું કાર્ય કરવા તેમનો સાથ છોડી ગયાંને ? તેમ તમને મારી સાથે રહેવાનો અને સેવા કરવાનો લોભ થાય એ સ્વાભાવિક છે. પણ એ લોભને ખાતર ધર્મ તો ન જ છોડાય. એટલે તમે જે કરો છો તે કઠણ છે છતાં એમાં જ ખરી સેવા રહેલી છે. મારી સેવા કરવા જેવું અત્યારે તો કશું જ નથી. મને બધી સગવડો મળી રહે છે. માણસો પણ છે. એટલે મારી જરાય ચિંતા ન કરશો.”

ડાહ્યાભાઈને તા. ૧–૭–’૩૪ના રોજ કુટુંબની સેવા વિષે લખે છે :

“…ના કાગળ ઉપરથી જણાય છે કે એ બહુ જ દુઃખી છે. એના બાપના મરણનો ડાઘ ચોંટી ગયો છે. ઘેર રહેવાનું કહ્યું તે એને ગમ્યું નથી. એને ભય છે કે એમ કરવામાં વખતે એનું પણ એના બાપના જેવું જ થાય. છોકરો બાળક અને બિનઅનુભવી છે. દયા આવે એવું છે. એને વહેમ પડ્યો છે કે બધા એની વિરુદ્ધ છે. તમને પણ વખતે કોઈએ એની સામે ભંભેર્યા છે. શનિવારે આવી શકાય તો આવવાને મેં આજે એને કાગળ લખ્યો છે. મુંબઈ આવે તો એને જરા શાંત પાડજો. આવવાનો હશે તે મને ખબર આપશે. પણ તમને ખબર આપે તો ઠીક થશે. ખબર આપે તો એને સ્ટેશન પરથી લઈ આવો. અને અહીં કેવી રીતે આવવું એ સમજાવજો. બપોરે ૧૦ થી ૧ વાગ્યા સુધીમાં ગમે ત્યારે જેલ ઉપર આવે તે મળી શકશે. અને રાત્રે અથડાવાની જરૂર નથી. પાછા ફરતાં તમારે ત્યાં જ આવે એવી એને સમજ પાડજો. સાંજે એને સ્ટેશન પર લેવા જજો. અજાણ્યો છે. એને દુઃખ બહુ જ લાગ્યું હોય એમ એના કાગળ ઉપરથી જોઈ શકાય છે.”

તા. ૧૬–૪–’૩૪ના રોજ મણિબહેનને લખેલો કાગળ મહત્વનો છે.

“તમે સ્વસ્થ થઈ ગયાં તેથી ડાહ્યાભાઈને પણ શાંતિ થઈ. છાપામાંથી બાપુના ધડાકા*[૧] વિષે વાંચ્યું હશે. આ વખતને નિર્ણય જરા અટપટો અને ગૂંચવાડાભરેલો છે. ઝટ સમજાય તેવું નથી. પણ આપણે અંદર પડેલાને એવા કોયડાઓનો વિચાર કરવાનો ન હોય. બહારવાળાને જે સૂઝે તે કરે, આપણે તો બહારની દુનિયામાં શું બને છે તે જાણવા-સમજવાનો બિલકુલ પ્રયત્ન ન કરવો. બહાર હોઈએ ત્યારે બધો રસ લઈએ. અંદર પેઠા પછી જવાબદારીમાંથી મુક્તિ.
  1. * સવિનય ભંગની લડત પોતાના પૂરતી જ મર્યાદિત કરી નાખવાના ગાંધીજીએ કરેલા નિર્ણયનો આ ઉલ્લેખ છે.