આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
સરદાર વલ્લભભાઈ

એવી પોતાની ભાટાઈ કરી. એટલેથી પણ સંતોષ ન માનતાં કૉંગ્રેસે આ વરસે કરેલા કામને ઉતારી પાડવા માટે એ યાદીમાં લખ્યું કે,

“પ્લેગ નાબૂદ કરવા માટે ખાનગી વ્યક્તિઓના પ્રયત્નો કારગત થવાનો સંભવ નથી. આવા પ્રયત્નો શાસ્ત્રીચ ઢબના હોવા જોઈએ અને તેને લાંબા અનુભવોનો આધાર હોવો જોઈએ. એ અનુભવ કેવળ સરકારના આરોગ્યખાતા પાસે જ છે. એટલે પ્લેગ જેવા ગંભીર અને ભારે નુકસાન કરનારા ઉપદ્રવની સામે લડવા માટે સરકાર જોકે સૌનો સહકાર ઇચ્છે છે તોપણ આ ક્ષેત્રમાં કામ કરવા ઇચ્છનારને સલાહ આપે છે કે તેમણે સરકારના આરોગ્યખાતા સાથે સહકાર કરીને કામ કરવું જોઈએ, જેથી સારાં પરિણામ આવી શકે.”

સરદારની રાહબરી નીચે કૉંગ્રેસના સ્વયંસેવકોએ પોતાના જાનના જોખમે જે સુંદર કામ કર્યું હતું તેની કદરનો એક શબ્દ પણ ઉચ્ચારવાને બદલે તેમના કામને ઉતારી પાડવાનો આ બેહૂદો પ્રયત્ન હતો. એટલે, આ ચાર વરસમાં સરકારે કેટલી બેદરકારી બતાવી હતી અને આ વરસે પણ કૉંગ્રેસે કામ શરૂ કર્યા પછી સરકારે જે અમલદારોને તાલુકામાં મૂક્યા હતા તેઓએ બરાબર કામ નહોતું કર્યું તથા કૉંગ્રેસ કાર્યકર્તાઓનો સહકાર મેળવવાને બદલે તેમનાથી દૂર ને દૂર રહ્યા હતા, એ બધું દાખલા સાથે બતાવીને સરદારે આ યાદીનો લાંબો જવાબ આપ્યો. એટલે વળી સરકારે બીજી યાદી બહાર પાડી. તેનો પણ સરદારે બરાબર જવાબ આપ્યો. એટલે સરકારે ત્રીજી યાદી બહાર પાડી. તેમાં તો કૉંગ્રેસના કામ ઉપર સીધા આક્ષેપો કર્યા. એટલે તા. ૩–૭–’૩૫ના રોજ સરદારે મુંબઈ સરકારને કાગળ લખીને જણાવ્યું કે સરકારે કુલ ત્રણ યાદી બહાર પાડી છે. તેમાં અમારા કામ ઉપર જે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે એ વિશે મને ધારાશાસ્ત્રીઓ એવી સલાહ આપે છે કે તેમાંના કેટલાક આક્ષેપો કાયદાની નજરે બદનક્ષી કરનારા છે. વળી ડૉ. ભાસ્કર પટેલ જેણે વિના વેતને અમને રાતદિવસ સેવા આપી છે તેની કુશળતા અને આબરુનો સવાલ પણ આમાં ઊભો થાય છે. અમે કદી સરકારનો આ બાબતમાં સહકાર લેવાની ના પાડી જ નથી, છતાં આવા બિનપાયાદાર આક્ષેપો અમારા કામ ઉપર કર્યા છે, તેથી સરકારે કાં તો એ આક્ષેપ પાછા ખેંચી લેવા જોઈએ અથવા તો કુશળ દાક્તરો અને પુરાવાની ચકાસણી કરી શકે એવા માણસોની એક સ્વતંત્ર કમિટી નીમવી જોઈએ. સરકારે જવાબ આપ્યો કે આવું કશું કરવાની અમને જરૂર જણાતી નથી. તે ઉપરથી સરદારે મુંબઈના ઍડવોકેટ બહાદુરજી, બે પ્રખ્યાત ડૉક્ટરો, ડૉ. ગિલ્ડર તથા ડૉ. ભરૂચા અને કમિટીના સેક્રેટરી તરીકે શ્રી વૈકુંઠભાઈ મહેતા એમ ચાર સજ્જનોની કમિટી નીમીને તેમને બધી તપાસ કરવા વિનંતી કરી. કમિટીના બે દાક્તર સભ્યોને એવી પણ વિનંતી