આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
સરદાર વલ્લભભાઈ
એ જ થાય કે અમદાવાદ શહેર સમાજવાદી વિચારનું થયેલું હોવું જોઈએ. આવો મોટો ફેરફાર મારી અઢી વરસની ગેરહાજરીમાં થાય એ મને એક ચમત્કાર જેવું કે સ્વપ્ના જેવું લાગેલું. લોકો સમાજવાદી થઈ ગયા હોય તો મારે એ પ્રવાહમાં ગડમથલ કરવી જ નથી. પ્રામાણિક મતભેદ ન હોય એમ ન કહેવાય. પ્રામાણિક મતભેદને હું પસંદ કરું છું. પણ પાખંડનો હું કટ્ટર શત્રુ છું. એનો અર્થ એ નથી કે સમાજવાદી પક્ષમાં પાખંડ વધારે છે. દરેક પક્ષમાં પાખડી માણસો હોય છે. તેમાં પક્ષનો દોષ નથી હોતો. પણ પક્ષ બાંધનારા ખરાખોટાનો વિચાર ભૂલી જઈ પક્ષનું જ સમર્થન કરે છે એ અનુભવસિદ્ધ વાત છે.
“સમાજવાદીઓ સમાજવાદની વ્યાખ્યા વિષે એકમત નથી. જુદા જુદા માણસો જુદા જુદા અર્થ કરે છે. બ્રાહ્મણમાં ચોર્યાશી ન્યાતો છે, જ્યારે સમાજવાદી પંચાશી જાતના જણાય છે. એટલે એવા સમાજવાદ વિષે અભિપ્રાય આપવો કઠણ છે. મારે સમાજવાદીઓ સાથે કજિયામાં ઊતરવું નથી. ભવિષ્યમાં હિંદુસ્તાનનું રાજતંત્ર અને સમાજવ્યવસ્થા કેવી થવી જોઈએ એના કજિયામાં પડી આજના કામનો ધર્મ હું છોડવા ઇચ્છતો નથી. જો આજનો ધર્મ પાળીશું તો કાલનું કોકડું આપોઆપ ઊકલી જશે. પરંતુ આવતી કાલે જે કરવાનું છે તેનો નિર્ણય કરવામાં કજિયો કરી આજનો ધર્મ છોડી દઈશું તો કોઈ પક્ષનું કલ્યાણ થવાનું નથી.
“હું સમાજવાદી કે મૂડીવાદી કે કોઈ પણ વાદી સાથે કામ કરી શકું છું, માત્ર એક જ શરતે કે મને કોઈ વટાવી ન ખાય. મને કોઈ વટાવી ખાવા આવે અથવા મને એ ભય લાગે તો હું ત્યાંથી દુર ખસી જાઉંં. ગુજરાતમાં સમાજવાદી પક્ષમાં કોણ કોણ છે તે હું જાણતો નથી. કેટલાક માત્ર વાતોડિયાઓ છે, જેમને ચર્ચા કરવાનો ખૂબ શોખ છે. તેમની સાથે મારો મેળ કોઈ દિવસ ખાય તેમ નથી. ગુજરાત બહારના સમાજવાદીઓમાં કેટલાક તો ભારે ત્યાગી અને સેવાભાવી મિત્રો છે. એમને વિષે મને ઘણું માન છે. એટલે તમે સમજી શકશો કે મને સમાજવાદીઓની સૂગ નથી. પણ સમાજવાદીઓ કૉંગ્રેસમાં જે પ્રકારે કામ લઈ રહેલા છે તેની સામે મારો કડક વિરોધ છે. એ વાત મેં તેમનાથી છુપાવી નથી. ગુજરાતના સમાજવાદીઓ વિષે મેં કશો મત બાંધ્યો નથી, કારણ હજી હું એમને મળ્યો નથી, તેમ એમનું કામ મેં જોયું નથી. એટલે તમારે એ વિષે નિર્ભય રહેવાનું છે. ત્યાં આવીશ ત્યારે મને જે લાગશે તે કહેતાં કાંઈ સંકોચ નહી રાખું.”

ઉપરના બધા કાગળમાં સમાજવાદીઓ વિષે સરદારે જે વલણ બતાવ્યું છે. લગભગ તેવું જ વલણ તેમનું આખર સુધી હતું.

ગુજરાતમાં બધે ફરીને ખેડૂતોને મળવા સરદાર ખૂબ જ ઈન્તેજાર હતા. પણ ગુજરાતનો પ્રવાસ તેઓ છેક ’૩પના જાન્યુઆરીમાં કરી શક્યા. વલસાડથી શરૂ કરી લગભગ દસેક દિવસમાં ઉત્તર ગુજરાત સુધી બધે ફરી વળ્યા. વલસાડના ખેડૂતોની સભામાં તેમણે કહ્યું કે તમારાં વીતકો અને યાતનાઓની વાત રૂબરૂ સાંભળવાને, તમારાં દુઃખમાં મારી સહાનુભૂતિ