આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
ગુજરાતનો હરિજનફાળો, લખનૌ કૉંગ્રેસ અને પ્રાંતિક
ધારાસભાઓની ચૂંટણીની તૈયારીઓ

સને ૧૯૩૩-૩૪ની ગાંધીજીની હરિજનયાત્રા દરમ્યાન ગુજરાતમાં જે હરિજનફાળો થયો હતો તે ખર્ચાઈ ગયો હતો અને કામ તો સુંદર ચાલતું હતું. તેને માટે શ્રી પરીક્ષિતલાલ ગાંધીજીને લખ્યા કરતા હતા. તે ઉપરથી ’૩૬ના જાન્યુઆરીની શરૂઆતમાં હરિજનફાળો કરવા માટે ગાંધીજીએ ગુજરાતમાં આવવાનું નક્કી કર્યું. સરદાર મુંબઈથી અમદાવાદ આવી પહોંચ્યા. ગાંધીજી વર્ધાથી સીધા અમદાવાદ આવવાના હતા. પણ આગલે દિવસે મહાદેવભાઈનો સરદાર ઉપર તાર આવ્યો કે બાપુનું બ્લડ પ્રેશર (લોહીનું દબાણ) બહુ વધી ગયું છે એટલે ડૉક્ટર તેમને પ્રવાસ કરવાની મના કરે છે. સરદારે તરત જ ગાંધીજીને જવાબ આપ્યો કે તમે હરિજનફાળાની ચિંતા કરશો નહીં. હવે તે માટે તમારે ગુજરાતમાં આવવાની જરૂર નથી અને પરીક્ષિતલાલને જેટલા રૂપિયા જોઈતા હશે તેટલા કરી આપી હું બેત્રણ દિવસમાં જ વર્ધા આવું છું. પરીક્ષિતલાલને એક વરસના ખર્ચનો અંદાજ ત્રીસેક હજાર રૂપિયાનો હતો. સરદારે એટલી રકમ અમદાવાદમાંથી બે દિવસમાં કરવા ધારી હતી. મુંબઈના કેટલાક મિત્રોએ પણ મદદ કરી અને બે દિવસમાં ઓગણપચાસ હજાર રૂપિયા ભરાઈ ગયા. તેમાંથી થોડીઘણા વસૂલ કરવાના બાકી રહ્યા હશે તેની યાદી ભાઈ પરીક્ષિતલાલને સોંપી સરદાર વર્ધા જવા ઊપડી ગયા. ગાંધીજીનું બ્લડ પ્રેશર સહેજ ઓછું થયું એટલે તેમને મુંબઈ લઈ આવ્યા. ત્યાં ડૉક્ટરો પાસે ગાંધીજીની પૂરેપૂરી તપાસ કરાવી અને આરામ માટે તેમને તા. ૨૨મી જાન્યુઆરીએ અમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠમાં લાવ્યા. સરદાર પણ તેમની સાથે જ વિદ્યાપીઠમાં રહ્યા અને તેમને પૂરેપૂરો આરામ મળે તે માટે તેમના ચોકીદાર બન્યા. બરાબર એક મહિનો વિદ્યાપીઠમાં રહી ગાંધીજીનું બ્લડ પ્રેશર ૧૫૦/૯૦ થયું અને તેમનું વજન સાધારણ રહે છે તેટલું એટલે કે ૧૧ર થયું એટલે તા. ૧૯મી ફેબ્રુઆરીએ ગાંધીજીને વર્ધા જવા દીધા. પણ વર્ધાની લાંબી મુસાફરી સામટી ન કરાવવાના હેતુથી ગાંધીજીને ત્રણ દિવસ બારડોલીમાં રોક્યા. પહેલાં એવી યોજના હતી કે ગાંધીજી ગુજરાતમાં આવે ત્યારે તેઓ ગુજરાતના તમામ કાર્યકર્તાઓને મળી શકે

૨૦૨