આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૯
ગુજરાતનો હરિજનફાળો, લખનૌ કૉંગ્રેસ

કરવાનો હતો. એ કાયદાને કૉંગ્રેસે અનેક કારણોસર વખોડી કાઢ્યો હતો, છતાં એ કાયદા મુજબ થનારી ચૂંટણીઓમાં દરેક પ્રાંતે ભાગ લેવો એવું ઠરાવ્યું હતું. હોદ્દા સ્વીકારવા કે નહીં તે બાબતમાં જ્યાં સુધી ચૂંટણીનું પરિણામ જણાય નહીં ત્યાં સુધી કશો નિર્ણય ન કરવાનું કૉંગ્રેસે યોગ્ય ધાર્યું. બીજો મોટો પ્રશ્ન આપણા ખેડૂતો અને કિસાનો માટે નીતિ નક્કી કરવાનો અને કાર્યક્રમ ઘડવાનો હતો. ચૂંટણીઓમાં ભાગ લેવો હોય તો કૉંગ્રેસે એ બાબતમાં પોતાની નીતિનું જાહેરનામું બહાર પાડવું જોઈએ. એ જાહેરનામું તૈયાર કરવાનું તથા ખેડૂતો માટેનો કાર્યક્રમ ઘડવાનું કામ લખનૌ કૉંગ્રેસે મહાસમિતિને સોંપ્યું.

આ બધો વખત સરદારની તબિયત સારી રહેતી ન હતી. માર્ચના બીજા અઠવાડિયામાં તેઓ કાંગડી ગુરુકુલ (હરદ્વાર)ના પદવીદાન સમારંભમાં ગયા. ત્યાંથી મોટરમાં દેહરાદૂન કન્યા ગુરુકુલમાં ગયા. ત્યાંથી દિલ્હી આવ્યા. પદવીદાન સમારંભમાં જ વરસાદ પડ્યો અને કંઠે પવન લાગ્યો એટલે તેમને સખત શરદી અને ખાંસી થઈ. તા. ૨૨મી માર્ચે સખત તાવ આવ્યો અને ન્યૂમોનિયાથી બે ફેફસાં ઝલાઈ ગયાં એટલે ડૉ. અનસારીની સલાહથી હરિજન કૉલોનીમાંથી તેમને બિરલા હાઉસમાં ખસેડવામાં આવ્યા. લગભગ એક પખવાડિયું પથારીવશ રહ્યા. પૂરી શક્તિ પણ આવી નહોતી એવી સ્થિતિમાં ત્યાંથી જ એમને લખનૌની કૉંગ્રેસમાં જવાનું થયું અને ત્યાં તેમની તબિયત વિશેષ લથડી. એટલે એમને લાંબા વખત આરામ લેવાની જરૂર ઊભી થઈ હતી. છતાં કામનો બોજો એવો હતો કે તેઓ એકદમ તો આરામ લેવા જઈ શક્યા નહીં. છેવટે ગાંધીજીએ બહુ આગ્રહ કર્યો અને પોતે પણ સાથે આવવા તૈયાર થયા એટલે મે મહિનામાં તેમની સાથે બૅંગ્લોરની પાસે નંદીદુર્ગ ઉપર આરામ લેવા ગયા અને ત્યાં પૂરો એક મહિના રહ્યા.

’૩૭ માં ધારાસભાની ચૂંટણી થવાની હતી તેની તૈયારી માટે ચૂંટણીનું જાહેરનામું તૈયાર કરવાનું હતું. પંડિત જવાહરલાલજીએ બહુ સુંદર જાહેરનામું ઘડી આપ્યું અને મહાસંમતિએ તેને મંજૂરી આપી. હોદ્દાસ્વીકાર વિષે જ્યાં સુધી નિર્ણય થયો ન હતો ત્યાં સુધી પ્રધાનમંડળ રચીને અમે અમુક અમુક કામ કરીશું એમ તો કૉંગ્રેસથી કહી શકાય એમ ન હતું. છતાં અમુક નિશ્ચિત કાર્યક્રમ તો આપવો જ જોઈએ, એટલે કરાંચી કૉંગ્રેસમાં પસાર થયેલા મૂળભૂત હક્કોના ઠરાવને અનુસરીને જાહેરનામું ઘડવામાં આવ્યું હતું. ખેડૂતોની દશા સુધારવા માટે મહેસૂલ તથા ગણોતના કાયદાઓમાં સુધારા કરાવીને જે જમીન ખેડૂતો જાતે ખેડતા હોય તે જમીન ઉપર તેમને