આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨
સરદાર વલ્લભભાઈ

પણ આવી બાબતોમાં સરદાર બહુ કડક રીતે તટસ્થ રહ્યા, અને તેથી તેમને ઘણા માણસોની સારી પેઠે નારાજી વહોરવી પડી. એ એક બાબતોમાં તેમના ઉપર અંગત આક્ષેપો પણ થયા એ આપણે આગળ જોઈશું. પણ એકંદરે તેમના ન્યાયીપણાની અને તટસ્થતાની એવી ધાક બેસી ગઈ કે ચૂંટણીઓનું આખું કામ કોંગ્રેસના ઉચ્ચ સિદ્ધાંતોને શોભે એવી રીતે પાર ઊતર્યું. ચૂંટણીઓની આ તૈયારીઓ ચાલતી હતી તેવામાં જ ફૈઝપુર કૉંગ્રેસનું અધિવેશન આવી રહ્યું.

૧૭
ફૈઝપુર કૉંગ્રેસ

ફૈઝપુરની કૉંગ્રેસના પ્રમુખ કોને ચૂંટવા એ તે વખતે મોટો પ્રશ્ન થઈ પડ્યો હતો. લખનૌ કૉંગ્રેસના પ્રમુખ થયા પછી જવાહરલાલે આખા દેશમાં ભ્રમણ કરી બહુ સુંદર કામ કર્યું હતું અને ફૈઝપુરની કૉંગ્રેસ આઠ જ મહિના પછી મળતી હોઈ જવાહરલાલજીને ફરી પ્રમુખ નીમવા એવો ઘણાનો વિચાર હતો. એમનું નામ બોલાવા માંડ્યું કે તરત જ એમણે નિવેદન બહાર પાડીને જણાવ્યું કે હું સમાજવાદી સિદ્ધાંતો અને કાર્યક્રમમાં માનતો હોઈ પ્રજાએ મને પ્રમુખ નીમતાં પહેલાં એ વાત બરાબર ધ્યાનમાં રાખવી જોઈએ. કેટલેક સ્થળેથી પ્રમુખ તરીકે સરદારના નામની સૂચના પણ આવી હતી. પ્રમુખપદ માટે હરીફાઈ થાય અને સામસામે મતો લેવાય અને તેમાં વળી પોતે નિમિત્ત બને એ સરદારને કદી પસંદ જ ન હતું. એટલે પ્રમુખપદ માટેનું પોતાનું નામ તેમણે તરત જ ખેંચી લીધું અને જવાહરલાલજીને જ પ્રમુખ ચૂંટવાની પ્રતિનિધિઓને સલાહ આપી. છતાં જવાહરલાલજી સાથે પોતાનો વિચારભેદ હતો એ વસ્તુને તેમણે જરા પણ ઢાંકપિછોડો કર્યો નહીં. પોતાનું નામ ખેંચી લેતું જે નિવેદન તેમણે બહાર પાડ્યું તે બહુ વખતસરનું અને એટલું જ નિખાલસ છે :

“દર વર્ષે જે માનવતું પદ આપવાનું કૉંગ્રેસના પ્રતિનિધિઓના હાથમાં છે, તેમાં હું જોઉં છું કે મારું નામ પણ છે. ૫ં. જવાહરલાલજીએ તો પોતાના વિચારો જાહેર કરતું એક નિવેદન પણ બહાર પાડ્યું છે. એ હું ખૂબ કાળજીપૂર્વક વાંચી ગયો છું. મિત્રો સાથે સલાહમસલત કરીને હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે મારે મારું નામ ખેંચી લેવું જોઈએ.
“અમારામાંના ઘણાને એમ લાગે છે કે કૉંગ્રેસના અથવા તો રાષ્ટ્રના ઇતિહાસમાં આજનો પ્રસંગ બહુ બારીક છે. તે વખતે કૉંગ્રેસના પ્રમુખની ચૂંટણી