આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪
સરદાર વલ્લભભાઈ

સ્વીકાર કરવો એ ઇચ્છવા જોગ થઈ પડે. તે વખતે જવાહરલાલજી અને મારી વચ્ચે અથવા તો કૉંગ્રેસીઓમાં સખત મતભેદ ઊભા થાય ખરા. ધારો કે બહુમતીના નિર્ણયથી કૉંગ્રેસની નીતિ એવી નક્કી થાય જે જવાહરલાલજીને પસંદ ન હોય, તોપણ આપણે સૌ જાણીએ છીએ કે જવાહરલાલજી કૉંગ્રેસને એટલા બધા વફાદાર છે કે તેઓ બહુમતીના નિર્ણયની અવજ્ઞા નહીં કરે.
“હોદ્દાસ્વીકારને અને ધારાસભાપ્રવેશને હું વરેલો છું, એવું કંઈ નથી. હું તો એટલું જ કહેવા માગું છું કે એ સમય પણ આવે જ્યારે આપણે હોદ્દા સ્વીકારવા પડે. પણ સ્વમાનના ભોગે અથવા આપણા ધ્યેયની સાથે માંડવાળ કરીને એવું કશું કરવાનું હું કબૂલ કરું એમ નથી. ખરેખર હું તો ધારાસભાના કાર્યક્રમને ગૌણ સ્થાન આપું છું. આપણું ખરું કામ તો ધારાસભાની બહાર પડેલું છે.
“એટલા માટે રચનાત્મક કામ કરવા સારુ અને આપણાં બળો સંગઠિત કરવા સારુ આપણી સઘળી શક્તિ અને સાધનો આપણે સંઘરી રાખવાની જરૂર છે. કૉંગ્રેસના પ્રમુખ પાસે કાંઈ સરમુખત્યારની સત્તાઓ નથી હોતી. એ તો એક સુવ્યવસ્થિત તંત્રના સભાપતિ છે. તેમણે આપણી સભાઓના કામકાજનું નિયમન કરવાનું હોય છે અને કૉંગ્રેસ વખતોવખત જે નિર્ણયો કરે તેનો અમલ કરવાનું હોય છે. એક વ્યક્તિને – ભલે તે વ્યક્તિ ગમે તેવી હોય - પોતાનો પ્રમુખ ચૂંટીને કૉંગ્રેસ પોતાની વિશાળ સત્તાનો ત્યાગ કરતી નથી.
“એટલે સઘળા પ્રતિનિધિઓને વિનંતી કરું છું કે તેઓ સર્વાનુમતે જવાહરલાલજીને પ્રમુખ ચૂંટી કાઢે. આપણા રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવાને અને જે વખતે દેશમાં વિવિધ બળો કામ કરી રહ્યાં છે તે વખતે એ બળોનું નિયમન કરવાને માટે અને દેશનું નાવ સાચે માર્ગે હંકારવાને માટે એ જ ઉત્તમ પુરુષ છે.”

જવાહરલાલજીએ પોતાના સમાજવાદી વિચારો વિષે પહેલું નિવેદન કર્યું તે ઉપરથી છાપાંઓ એવી ચર્ચા ચલાવી રહ્યાં હતાં કે, કૉંગ્રેસ જવાહરલાલજીને પ્રમુખ નીમે એનો અર્થ એ થાય કે એ સમાજવાદનો સ્વીકાર કરે છે અને હોદ્દાસ્વીકારની વિરુદ્ધ છે. જવાહરલાલજીના બે મિત્રોએ એમને તાર કરીને જણાવ્યું કે તમારા નિવેદનનો અર્થ અમે તો એટલો જ સમજીએ છીએ કે, સમાજવાદ વિષેના તમારા અભિપ્રાયો તમે ફરી જાહેર કર્યા છે પણ તેની સાથે તમે એ પણ જાહેર કર્યું છે કે, રાજકીય સ્વાતંત્ર્ય એ સૌથી વિશેષ મહત્ત્વનો મુદ્દો છે અને તે માટે સૌએ સંયુક્ત પ્રયાસો કરવા જોઈએ. એટલે તમારી ચૂંટણીથી કૉંગ્રેસ સમાજવાદનો સ્વીકાર કરે છે અથવા તો હોદ્દાસ્વીકારની વિરુદ્ધ મત આપે છે એવો અર્થ થતો નથી. આ વિષે કંઈ ગેરસમજ થતી હોય તો તે તમારે દૂર કરવી જોઈએ. જવાહરલાલજીએ પણ દેશમાં ફરીને આઠ મહિના જે અનુભવ મેળવ્યો હતો