આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬
સરદાર વલ્લભભાઈ
કૉંગ્રેસની અંદર આ બધાં બળોનું પ્રતિનિધિત્ત્વ છે અને દૃષ્ટિબિંદુમાં સહેજસાજ ફરક હોય તથા વિચારોમાં વિવિધતા હોય છતાં સામાન્ય ધ્યેયને માટે એ બધા સાથે મળીને કામ કરી રહ્યા છે.”

ફૈઝપુર કૉંગ્રેસની ખાસ વિશેષતા તો એ હતી કે, કૉંગ્રેસના ઈતિહાસમાં પહેલી જ વાર કૉંગ્રેસ ગામડામાં ભરાઈ. કૉંગ્રેસના અધિવેશનમાં એટલા બધા લોકો હાજરી આપે છે કે, અધિવેશન માટે બહુ ભારે વ્યવસ્થા કરવી પડે છે. શહેરમાં પણ એ વ્યવસ્થા કરવી છેક સહેલી હોતી નથી તો ગામડાંમાં તો વધારે મુશ્કેલી પડે. પણ ગાંધીજીનો આગ્રહ હતો કે ગામડાંમાં ગામડાંની ઢબે આવી ગોઠવણ કરતાં આપણે શીખીશું, તેમાં જ ગામડાંના લોકોને ઉત્તમ તાલીમ આપી શકીશું. રહેવાની, જમવાની, સફાઈકામની એ બધી વ્યવસ્થા તો ગામડાની ઢબે થઈ શકી. પણ પાણી અને દીવાબત્તી માટે મોટાં મોટાં યંત્રોનો ઉપયોગ કરવો પડ્યો.

શાંતિનિકેતનના પ્રખ્યાત કલાકાર શ્રી નંદલાલ વસુએ કૉંગ્રેસનગર, મંડપ, પ્રદર્શન વગેરેને બહુ સુંદર શણગાર્યા. ગામડાંમાં કૉંગ્રેસનું અધિવેશન ભરવાની સૂચના ગાંધીજીની હતી એટલે અધિવેશન માટેની ઝીણામાં ઝીણી વિગત વિષે તેઓ કાળજી રાખતા. તેમનો આગ્રહ હતો કે, શણગાર સજાવટ એ બધું ગામડાંમાં સહેજે મળી આવતી વસ્તુઓથી જ થવું જોઈએ. આ આગ્રહ શ્રી નંદબાબુએ બહુ સુંદર રીતે ઝીલી લીધો અને તમામ સજાવટમાં સાદાઈની સાથે સૌંદર્ય ને કળા પૂર્યાં.

લખનૌનું અધિવેશન એપ્રિલ માસમાં થયું હતું તે વખતે એવો ઠરાવ થયો હતો કે કૉંગ્રેસના અધિવેશન પહેલાં ડિસેમ્બરમાં થતાં હતાં તે જ પ્રમાણે ભવિષ્યમાં કરવાનું રાખવું. કદાચ એપ્રિલ માસના લખનૌના તાપ ઉપરથી આ નિર્ણય કરવાનું સૂઝ્યું હશે પણ ફૈઝપુરમાં ડિસેમ્બર માસની કડકડતી ટાઢમાં જે ગામડાંના લોકો આવ્યા તેમને વાંસનાં પાલાંના ઝુંપડાનો આશ્રય પણ આપી શકાયો નહીં અને હજારોની સંખ્યામાં લોકોને આખી રાત ભોંય ઉપર ઉઘાડામાં પડ્યા રહેવું પડ્યું. એટલે મહાસમિતિએ વળી પાછો ઠરાવ કર્યો કે કૉંગ્રેસનું અધિવેશન વસંત ઋતુમાં એટલે કે માર્ચ મહિનામાં કરવું.