આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૮
પ્રધાનપદાંનો સ્વીકાર

નવા બંધારણ પ્રમાણે પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણીઓ ૧૯૩૭ના ફેબ્રુઆરીમાં થવાની હતી. એટલે ફેઝપુર કૉંગ્રેસના અધિવેશન વખતે પણ ચૂંટણીની ધમાલ તો ચાલુ જ હતી અને એ કારણે કેટલાક કાર્યકર્તાઓ તો ફેઝપુર જઈ શક્યા પણ નહોતા. અધિવેશન પૂરું થયા પછી કૉંગ્રેસના બધા જ કાર્યકર્તાઓ ચૂંટણીઓના કામમાં ગૂંથાઈ ગયા. સરદાર ફૈઝપુર કૉંગ્રેસ પહેલાં પણ આખા હિંદુસ્તાનમાં ફરી વળ્યા હતા અને કૉંગ્રેસ પછી પાછા તરત ફરવા નીકળી પડ્યા. બધાં મળીને સાડા ત્રણ કરોડ સ્ત્રીપુરુષોને મતાધિકાર મળ્યો હતો. આપણા દેશની વસ્તીનો જોકે આ દશમો ભાગ જ ગણાય. છતાં સાડા ત્રણ કરોડ મતદારોને કૉંગ્રેસનો સંદેશો પહોંચાડવો અને તેમને મતાધિકાર વિષે સમજાવવા એ નાનુંસૂનું લોકકેળવણીનું કામ ન ગણાય. લોકો કૉંગ્રેસને પડખે છે કે સરકારને પડખે, એ પણ દુનિયા આગળ બતાવી આપવાનું હતું. તે માટે કૉંગ્રેસી કાર્યકર્તાઓમાં કડક શિસ્ત, એકધારા અંકુશ તથા ઉપરથી કાઢવામાં આવતી સૂચનાઓનું આનંદ અને વફાદારીપૂર્વક પાલન જરૂરનાં હતાં. પાર્લમેન્ટરી બોર્ડના પ્રમુખ તરીકે સરદારે આ બાબતમાં અદ્‌ભુત કૌશલ્ય બતાવ્યું અને દરેક પ્રાંતમાં લોકોનો પ્રેમ અને સાથ મેળવ્યાં.

કુલ અગિયાર પ્રાંતોમાંથી મુંબઈ, મદ્રાસ, બિહાર, મધ્ય પ્રાંતો (મધ્ય પ્રદેશ), સંયુક્ત પ્રાંતો (ઉત્તર પ્રદેશ) તથા ઓરિસા એ છ પ્રાંતોમાં કૉંગ્રેસ ચોખ્ખી બહુમતીમાં આવી. સરહદ પ્રાંત અને આસામમાં કૉંગ્રેસની બહુમતી ન હતી, જોકે સૌથી મોટો પક્ષ કૉંગ્રેસનો હતો. બંગાળ, પંજાબ અને સિંધમાં કૉંગ્રેસ લધુમતીમાં આવી. આમ છ પ્રાંતોમાં કૉંગ્રેસનો ચોખ્ખો વિજય થયો એટલે કૉંગ્રેસીઓએ પ્રધાનપદાં લેવાં કે નહીં એ સવાલ તેની આગળ આવીને ઊભો રહ્યો. એ માટે તા. ૧૭મી માર્ચે દિલ્હીમાં મહાસમિતિની બેઠક બોલાવવામાં આવી અને તા. ૧૯ અને ૨૦ ના રોજ મહાસમિતિના સભ્યો ઉપરાંત કૉંગ્રેસના ધારાસભામાં ચૂંટાયેલા સભ્યોનું એક સંમેલન રાખવામાં આવ્યું. મહાસમિતિની બેઠક ભરાય તે અગાઉ સરદારે રાષ્ટ્રજોગો નીચેનો સદેશો બહાર પાડ્યો :

“આપણી કૉંગ્રેસ તરફથી ચૂંટણીઓની વ્યવસ્થા કરવાનું અને ચૂંટણીઓમાં આપણને વિજય મળે તે જોવાનું કામ મને સોંપવામાં આવ્યું હતું. પંડિત
૨૧૭