આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨
સરદાર વલ્લભભાઈ


જુલાઈની ૧૩મી તારીખે બંગાળના ગવર્નર સર જોન ઍન્ડરસને એક પોલીસ પરેડ આગળ ભાષણ કરતાં સરકારી નોકરોની સ્થિતિ વિષે જે ખુલાસો કર્યો તેથી પણ વાતાવરણ ઘણું સાફ થઈ ગયું. કારણ અમુક દરજ્જાના સરકારી નોકરોને બરતરફ કરવાની પ્રધાનોને સત્તા નહોતી, એટલે તેઓ બેજવાબદાર રીતે વર્તી શકે એવી શંકા રહેતી હતી. બંગાળના ગવર્નરે તેમની જવાબદારી વિષે નીચેના શબ્દોમાં ચોખવટ કરી :

“હું તમારા મન ઉપર એ વસ્તુ ઠસાવવા માગું છું કે નવા બંધારણમાં સરકારી નોકરીની વફાદારીમાં સંઘર્ષ ઊભો થાય એ અભિપ્રેત નથી. કારણ, ભલે તમારી નિમણૂકો તાજ તરફથી કરવામાં આવતી હોય અને તમે તાજને સીધા જવાબદાર ગણાતા હો પણ, તાજની તમામ સત્તાઓ કાયદાને આધીન રહીને વર્તનારા તેના બંધારણીય સલાહકારો (એટલે કે પ્રધાન)ના હાથમાં રહેલી છે. તમે જાણો છો કે સરકારી નોકરોની બાબતમાં ગવર્નરને ખાસ જવાબદારી સોંપવામાં આવેલી છે. પણ તેની આ જવાબદારીથી કાયદો અને વ્યવસ્થા સંભાળનારા પ્રધાનની જવાબદારીનો નિષેધ થતો નથી. એટલે તાજના નોકરો જે જે પ્રધાનના ખાતામાં હોય તેમણે પોતાના હિત તથા રક્ષણ માટે એ પ્રધાનની દોરવણી ઉપર જ આધાર રાખવાનો છે. તમારી વાત ગવર્નરના અંગત ધ્યાન ઉપર લાવવી હોય ત્યારે પણ પ્રધાનની મારફત જ તેમ કરી શકાય. તાજ, તાજના સલાહકાર (પ્રધાનો) અને તાજના નોકરો વચ્ચે પરસ્પર વિશ્વાસ આ જાતના પાયા ઉપર જ રહી શકે. કોઈ પણ વ્યવસ્થિત અને પ્રાગતિક રાજ્યતંત્ર માટે આ શરત અનિવાર્ય જરૂરી છે.”

કારોબારીનો ઠરાવ થઈ ગયા પછી ૧૯૩૭ના જુલાઈમાં છ પ્રાંતોમાં કૉંગ્રેસનાં પ્રધાનમંડળો રચવામાં આવ્યાં. સરહદ પ્રાંતમાં અને આસામમાં થોડા વખત પછી કૉંગ્રેસનાં પ્રધાનમંડળો રચાયાં એટલે બ્રિટિશ હિંદના અગિયાર પ્રાંતોમાંથી કુલ આઠ પ્રાંતોમાં કૉંગ્રેસની સત્તા ચાલુ થઈ.

આને અંગે બે તાત્ત્વિક મુદ્દા ઊભા થયા. બંધારણના કાયદા પ્રમાણે તમામ ધારાસભ્યોએ તથા પ્રધાનોએ બ્રિટિશ શહેનશાહ પ્રત્યે વફાદારીના સોગંદ લેવા જોઈએ. કૉંગ્રેસનું ધ્યેય પૂર્ણ સ્વરાજનું હોઈ કૉંગ્રેસીઓ આવા સોગંદ લઈ શકે કે કેમ એ એક પ્રશ્ન ઊભો થયો. બીજો પ્રશ્ન એ ઊભો થયો કે કૉંગ્રેસીઓએ તો બંધારણને તોડવાનો નિશ્ચય કરેલો છે. જ્યારે પ્રધાનપદનો સ્વીકાર કરવાથી કૉંગ્રેસીઓ બંધારણનો અમલ કરવામાં ભાગ લે છે, એ કૉંગ્રેસના ઠરાવ સાથે સુસંગત છે કે કેમ ?

પ્રથમ આપણે સોગંદનો પ્રશ્ન લઈએ. એ વિષે ગાંધીજીના ‘હરિજન’ પત્રમાં ઠીક ઠીક ચર્ચા તે વખતે ચાલી હતી. વફાદારીના સોગંદ વિષે ગાંધી સેવા સંઘના સંમેલનમાં ગાંધીજીએ કહ્યું કે, આવા સોગંદ લેવાની બાબતમાં જેને અંતઃકરણનો બાધ હોય તેઓ ધારાસભામાં જાય જ નહીં.