આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૨
સરદાર વલ્લભભાઈ


“શ્રી નરીમાનની વિરુદ્ધ ધારાસભ્યો ઉપર અસર પહોંચાડવાની મેં ચળવળ કરી એમ બતાવવા માટે શ્રી શંકરરાવ દેવ તથા શ્રી ગંગાધરરાવ દેશપાંડે ઉપર મેં કરેલા તારોનો ઉપયોગ થઈ રહ્યો છે. એટલું સારું છે કે એ બંને ગૃહસ્થોએ એ તારોનો સંબંધ શ્રી નરીમાન સાથે હોવાનો ઇનકાર બહાર પાડ્યો છે. શ્રી નરીમાન તેમ જ લોકો જાણે છે કે જ્યારે જ્યારે મને લાગ્યું હોય કે અમુક કામ માટે શ્રી નરીમાન યોગ્ય છે ત્યારે તેવાં જવાબદારીનાં કામ મેં શ્રી નરીમાનને સોપેલાં છે. તેમની સામે અથવા તો બીજા કોઈની સામે મારે અંગત દ્વેષભાવ હોઈ શકે નહીં. શ્રી નરીમાન નેતા ન ચૂંટાયા એની પાછળ કોમી ખ્યાલ હતો એવું જે સૂચન કરવામાં આવ્યું છે તે તો તદ્દન જૂઠું અને ઝેરી ભાવવાળું છે. મને આનંદ થાય છે કે શ્રી નરીમાન પોતે કબૂલ કરે છે કે આ બાબતમાં કોઈ પણ જાતનો કોમી ભાવ નહોતો.
“ગાંધીજીએ મારી વતી શ્રી નરીમાનને કહ્યું છે કે મારી સામેની ફરિયાદોની તપાસ નિષ્પક્ષ પંચ સમક્ષ કરવામાં આવે. ગાંધીજીની એ સુચનાને હું વધાવી લઉં છું.”

સરદારે આ નિવેદન બહાર પાડ્યું એટલે શ્રી નરીમાને વળી પાછાં છાપાંમાં નિવેદનો વરસાવવા માંડ્યાં. એટલે તા. ૧૪મી જુલાઈએ ગાંધીજીએ શ્રી નરીમાનને નીચે પ્રમાણે કાગળ લખ્યો :

“તમારું છેલ્લું નિવેદન મેં હમણાં જ જોયું. તેથી મને આશ્ચર્ય થાય છે અને દુઃખ પણ થાય છે. તપાસ પડતી મૂકવાની સલાહ કોણે તમને આપી તે હું જાણતો નથી. કારોબારી સમિતિ તપાસ કરે એ તમારે જ જોઈતું નહોતું કારણ તમારા પોતાના જ શબ્દોમાં કહીએ તો તમને લાગતું હતું કે તેના પોતાના જ સભ્યો તેમાં સંડોવાયેલા હોઈ તેની તપાસ તે નિષ્પક્ષપણે કરી શકે નહીં. એટલે મેં તમને કહ્યું કે મને સરદાર તરફથી ખાતરી મળી છે કે કારોબારી સમિતિને વચમાં આણ્યા સિવાય તમને નિષ્પક્ષ તપાસ મળી શકશે. કારણ તમારી ફરિયાદ કારોબારી સમિતિ સામે નથી પણ તેના અમુક સભ્યો સામે છે. જો એ સભ્યો તપાસની હા પાડતા હોય તો કારોબારીને કશો વાંધો હોઈ શકે નહીં. હવે તમે તો તમારાં નિવેદનોમાં બે જુદી જ વાતો લાવ્યા છો. એમાં રહેલી અસંગતતા તમે જોઈ શકતા નથી ?
“વળી સરદારના નિવેદનથી તમે ગુસ્સે થયા હોય એમ લાગે છે. હકીકત તો એ છે કે મારા ખૂબ આગ્રહને લીધે તેમણે એ નિવેદન બહાર પાડ્યું છે. મને જ લાગ્યું કે લોકો પ્રત્યે તેમ જ તમારા પ્રત્યે તેમની ફરજ હતી કે તેમણે નિવેદન બહાર પાડવું. એ નિવેદનને લીધે, આગ્રહપૂર્વક કહેલી અમુક વસ્તુઓથી તેઓ બંધાઈ જાય છે. તેની સામે તમારો વાંધો હોય અને તમારી પાસે પુરાવો હોય તો તમારું કામ બહુ સરળ થઈ જાય છે. સરદારને તમે ફરવા લઈ ગયા એ બાબતમાં મારા ઉપર તો તમે એવી છાપ પાડી છે કે તમે એમની મદદની માગણી કરેલી. મને મળેલી માહિતી ખરી હોય તો તમે બીજાઓ પાસે પણ મદદની માગણી કરેલી. અને એમ કરો તેમાં શું ખોટું છે? સરદારના નિવેદનના જવાબમાં તમે જે પહેલું નિવેદન બહાર પાડ્યું છે તેમાં આ વસ્તુ તમે લગભગ