આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૩
નરીમાન પ્રકરણ — ૧
સ્વીકારી લીધી છે. તેમ છતાં તમારો આક્ષેપ જો એવો હોય કે સરદાર જૂઠું બેલે છે તો તમારી વાત સાબિત કરવાની જવાબદારી તમારા ઉપર આવી પડે છે. યાદ રાખો કે આ બાબતમાં તમે ફરિયાદી અથવા તો વાદી છે. એટલે તમારી ફરિયાદ અથવા તો દાવા અરજી તમે કાળજીપૂર્વક ઘડી કાઢો અને એક અથવા વધારે પંચ જે રાખવાં હોય તેનાં નામ મને આપો.
“દરમ્યાન છાપાઓમાં નહીં દોડી જવાની મારી તમને આગ્રહપૂર્વક સલાહ છે. બંને પક્ષને માન્ય એવા મુદ્દાઓ ઉપર, બંને પક્ષને માન્ય એવા પંચને ચુકાદો આપવા દો. ત્યાર પછી છાપાઓમાં એક ટૂંકુ નિવેદન આપી શકાશે.”

શ્રી નરીમાનને તપાસ જોઈતી હતી ખરી પણ કારોબારી સમિતિની ઉપરવટ થઈને પોતે તપાસ માગે છે એવો દેખાવ થાય એ તેઓ ઈચ્છતા ન હતા. એટલે તેમણે મહાસમિતિના મંત્રી આચાર્ય કૃપાલાનીજીને તા. ૧૬મી જુલાઈએ કાગળ લખીને પુછાવ્યું કે મારા વર્ધા છોડ્યા પછી સ્વતંત્ર તપાસની જે સૂચના કરવામાં આવી છે તેને કારોબારી સમિતિની મંજૂરી અથવા પસંદગી છે કે કેમ તે મને જણાવો. તા. ૧૯મી જુલાઈએ આચાર્ય કૃપાલાનીજીએ શ્રી નરીમાનને જે જવાબ આપ્યો તેમાં કૉંગ્રેસના પ્રમુખ પંડિત જવાહરલાલજી સાથે શ્રી નરીમાને ચલાવેલા લાંબા પત્રવ્યવહારનો બધો સાર આવી જાય છે. તેમણે જણાવ્યું કે,

“કારોબારી સમિતિએ તમને કશી સુચના કરી નથી. પણ સરદાર વલ્લભભાઈએ કારોબારી સમિતિ પૂરી થયા પછી જે નિવેદન બહાર પાડ્યું છે તેની જો તમે વાત કરતા હો તો એની સાથે કારોબારી સમિતિને કાંઈ નિસબત નથી. એટલે એ વિષે હું તમને કાંઈ કહી શકું નહીં. કારોબારીની સ્થિતિ મારી સમજ પ્રમાણે આ છે : તમે પ્રમુખને ઘણા કાગળો લખીને સરદાર વલ્લભભાઈ અને બીજાઓ ઉપર અનેક જાતના આક્ષેપો કર્યા છે. સાથે સાથે એમ પણ કહેતા રહ્યા છો કે આ બાબત ફરી ખોલવા તમે ઇચ્છતા નથી. તેની સાથે ઉમેરો છો કે જો ખોલવામાં આવે તો તમારી માગણી સ્વતંત્ર પંચ મારફત તપાસ કરાવવાની છે. તમારા કાગળોમાંથી તમારે શું જોઈએ છે અથવા તમારી ચોક્કસ ફરિયાદો શી છે તે સ્પષ્ટ થતું નથી. એટલે વર્ધામાં પ્રમુખે તમને વિનંતી કરી કે ચોક્કસ અને સ્પષ્ટ ભાષામાં તમારા આક્ષેપો તમે ઘડી કાઢો, જેથી કારોબારી સમિતિ એના ઉપર વિચાર કરી શકે. જરૂર લાગશે તો મુંબઈ ગયા પછી આક્ષેપો ઘડી મોકલવાનું તમે કહ્યું, એટલે કારોબારી સમિતિ પાસે અત્યારે વિચાર કરવા જેવી કોઈ પણ બાબત નથી. જ્યાં સુધી તકરારનો મુદ્દો શો છે તે નક્કી ન થાય ત્યાં સુધી પંચની નિમણૂક શી રીતે થઈ શકે ? વળી તમે એટલું તો જાણતા જ હોવા જોઈએ કે કૉંગ્રેસની કારોબારી સમિતિના ઠરાવ ઉપર ફરી તપાસ કરવા સ્વતંત્ર પંચની માગણી કરવી એ કૉંગ્રેસની તવારીખમાં એક તદ્દન નવી જ વસ્તુ છે. આવી જાતનો એક પણ દાખલો બન્યાનું મારી જાણમાં નથી. કૉંગ્રેસીઓ માટે તો કારોબારી સમિતિ એ છેવટની સત્તા છે. પોતાની અંગત તકરારો હોય તો તે વિષે ન્યાય મેળવવા લોકો અદાલત પાસે અથવો લવાદી પંચ પાસે જાય છે.”