આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૪
સરદાર વલ્લભભાઈ


સરદારના નિવેદન પછી શ્રી નરીમાને ઉપરાઉપરી જે નિવેદન કાઢ્યાં તથા વર્તમાનપત્રોમાં બીજો પ્રચાર ચાલ્યો તે જોઈને સ્વતંત્ર રીતે જોતાં ૧૬મી જુલાઈએ પંડિત જવાહરલાલજીએ શ્રી નરીમાનને લખ્યું કે,

“હું જોઉં છું કે તમે ફરી પાછી ઝનૂની ચર્ચા ઉપાડી છે. તમારા પક્ષનાં વર્તમાનપત્રો તો જાણે બધાનું લોહી પીવા તૈયાર થયાં છે. મને તો આવી નકામી બાબતમાં જરાયે રસ નથી. પરંતુ વર્ધામાં જે બન્યું તે બાબત તમારા નિવેદનમાં જે મજકૂર તમોએ જણાવ્યો છે તે હકીકતથી વેગળો છે. તમે લખો છો કે તપાસની માગણી તમે બિલકુલ છોડી દીધી છે. મારા ઉપર આવી છાપ પડી નથી. વળી મારી સાથે ચાલેલો પત્રવ્યવહાર મારા કહેવાથી બહાર ન પાડવાનો તમે વિચાર રાખ્યો છે એવું તમે કહો છો. મેં તો તમને તારથી જણાવ્યું હતું કે તમે બધો પત્રવ્યવહાર છપાવી શકો છો. ફરીથી પાછો કહું છું કે તમે પત્રવ્યવહાર છપાવો એમાં મને લવલેશ વાંધો નથી.

“ કારોબારી સમિતિ સિવાયના બીજા નિષ્પક્ષ તટસ્થ પંચની માગણી તમે કરો છે એ વિશે મારા વિચારો તમે જાણો છો. હું માનું છું કે કોઈ પણ કોંગ્રેસીને માટે આવી માગણી કરવી એ ખાટું અને ગેરવાજબી છે. આવી નજીવી અંગત બાબત વિષે મુંબઈનાં છાપાંમાં પાનાં ને પાનાં ભરીને લખાણ આવ્યા કરે એ જ મારી સમજમાં તો ઊતરતું નથી. દેશ આગળ અતિશય મહત્ત્વના પ્રશ્નો જે વખતે પડેલા છે તે વખતે છાપાંઓ આવા વિષય પાછળ મંડે તેથી મારી વિવેકબુદ્ધિ અને તારતમ્યબુદ્ધિને આઘાત પહોંચે છે. શું કામ તમે આ બાબતની પાછળ પડ્યા છો તે હું તો હુજી સમજી શકતો નથી. પણ તેની સાથે મારે કશી લેવાદેવા નથી. મને એમ લાગે છે ખરું કે મુંબઈનાં છાપાંઓમાં ફરી ફરીને આ નજીવી બાબતની ચોળાચોળ થાય છે અને તમે પણ એક તરફથી વારંવાર આક્ષેપો મૂકો છે અને બીજી તરફથી પાછા કહો છો કે મારી કશી માગણી નથી, આ બધું જોતાં એક વાર આ બાબતની તપાસ થઈ જાય અને વસ્તુનો છેવટનો નિકાલ આવે એ ઠીક થશે. એ વસ્તુ હું પૂરેપૂરી સ્પષ્ટ કરવા ઇચ્છું છું કે તપાસની વાત તમે છોડી દો એવી હું તમને જરાય વિનંતી કરતો નથી. કમનસીબે કારોબારી સમિતિ ઉપર તમારો વિશ્વાસ રહ્યો નથી. તો પછી હું તો તમને કહું કે પ્રિવિ કાઉન્સિલમાં જાઓ અથવા લીગ ઍફ નેશન્સ પાસે જાઓ, અથવા તો જેના ઉપર તમારો વિશ્વાસ હોય એવા કોઈ પણ લવાદી પંચ પાસે જાઓ.”

પંડિત જવાહરલાલજીના આવા કડક કાગળ પછી શ્રી નરીમાને તેમને તો છોડ્યા, પણ ગાંધીજીને લાંબા લાંબા કાગળો તેઓ લખતા જ રહ્યા. એટલે તા. ર૭મી જુલાઈએ ગાંધીજીએ શ્રી નરીમાનને સાફ સાફ લખ્યું કે,

“તમારા જે આક્ષેપો હોય તે તમે ચોક્કસ ઘડી કાઢો. છાપાંઓમાં ચાલતા પ્રચાર બાબત મને લાગે છે કે તમે એ વસ્તુને નાપસંદ કરતા નથી. મારા અભિપ્રાય પ્રમાણે તો એ એક પ્રકારની બળજબરી જ છે. કોઈ પણ નેતા પોતાનું પ્રધાનમંડળ રચે એમાં પોતાના સાથી તરીકે અમુકને લેવા માટે શું તે બંધાયેલો જ છે? લોકો ગમે તે કહે પણ હું તમને કહું છું કે જે રીતે પ્રચાર ચાલી રહ્યો