આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૭
નરીમાન પ્રકરણ — ૧
કરવાની તમને તક આપવામાં આવશે. તપાસની કારવાઈ મારા પૂરતી તો જાહેર નહીં થાય પણ તમારે જાહેર કરવી હોય તો મારા તરફથી કશો વાંધો નહીં હોય. કારોબારી સમિતિ અને તમારા મિત્રો શું ધારશે એની ચિંતા ન કરો. તેમને આ વિષે ખબર પડવા દેવાની પણ કશી જરૂર નથી. પણ મારી સૂચનાઓમાંથી કશું જ તમને માન્ય ન હોય તો હું તમને એટલું તો જણાવું કે અત્યાર સુધીમાં જે માહિતી મને મળી છે તે તમારી વિરુદ્ધ જાય છે. આ પ્રકરણમાં પડવાની મારી જરાયે ઇચ્છા નહોતી, પણ તમે મને તેમાં નાખ્યો છે. એટલે તમારે તપાસ જોઈતી જ હોય તો તમારું તહોમતનામું ધરીને મોકલો અને તમે જે પુરાવા રજૂ કરવા માગતા હો તેની તપસીલ પણ આપો.”

આ કાગળ શ્રી નરીમાનને મળતાં જ તેમણે ગાંધીજીને તાર કર્યો કે,

“તમારા મન ઉપર પડેલી એકતરફી છાપ તમે બહાર પાડો તેની સામે મારો સખત વાંધો છે. બીજા પક્ષને પોતાનો ખુલાસો આપવાની તક તમારે આપવી જોઈએ. કાગળ લખું છું.”

કાગળમાં તો શ્રી નરીમાને ગાંધીજીને પણ છોડ્યા નહીં. તેમણે લખ્યું :

“તમારા છેલ્લા કેટલાક કાગળોમાં તમારા મન ઉપર પડેલી છાપ બહાર પાડવાની તમે ધમકી આપી રહ્યા છો. મારા વર્તન વિષે જે છાપ તમને પડી હોય તે તમે લોકો સમક્ષ મૂકો એ પહેલાં એ છાપ શી છે તે જાણવાનો મને અધિકાર નથી? મહાત્મા જેવી મહાન વ્યક્તિ, જે સત્ય અને અહિંસાના પીર ગણાય છે, તે એક માણસને ગુનેગાર ઠરાવે તે પહેલાં એ માણસને ખુલાસો આપવાના અને બચાવ કરવાના પ્રાથમિક હકનો પણ ઇન્કાર કરે એ વસ્તુ મારા સમજવામાં પણ આવતી નથી. તમારે મને જાહેર જીવનમાંથી હડસેલી મૂકવો હોય તો મને સાફ સાફ એમ જણાવી દો, જેથી કરીને હું ઉપેક્ષાના ગર્તમાં નિવૃત્ત થઈ જાઉં અને તમે જે માણસને મારા કરતાં સારો ગણતા હો તેને માટે જગ્યા કરી આપું. પણ આ ત્રાસ હું સહન કરી શકતો નથી. હું તમને છેવટની અપીલ કરું છું કે મારી સામે તમારા દિલમાં એવું તે શું ઝેર રેડવામાં આવ્યું છે જેથી મારી સામે તમે આવા પથ્થર જેવા કઠણ બન્યા છો, તે તો મને જણાવો? મારી પૂરેપૂરી ખાતરી છે કે દરેક મુદ્દા ઉપર હું તમને સંતોષ આપી શકીશ અને મને તક આપવામાં આવશે તો એ ઝેરને તમારા દિલમાંથી હું કાઢી શકીશ. મારી આટલી આર્જવભરી વિનંતી છતાં મારે વિષેની તમારી છાપ તમે બહાર પાડશો જ તો તે વિશેનો મારો ખુલાસો જાહેરમાં આપવાને માટે હું મને મુક્ત ગણીશ. એનું અનિવાર્ય પરિણામ એ આવશે કે આ ચર્ચા વધારે મોટા ભડકા સાથે, ફરી ભભૂકી ઊઠશે.”

આ કાગળ મળ્યા પહેલાં ગાંધીજીએ તા. ૨જી એ શ્રી નરીમાનને કાગળ લખીને સૂચવેલું કે,

“‘૩૪ની ચૂંટણી અને ‘૩૭માં નેતાની ચુંટણી એ મુદ્દા ઉપર હું અને શ્રી બહાદુરજી લવાદી કરવા તૈયાર છીએ. તે તમને માન્ય છે કે નહીં તે તારથી જણાવો.”