આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૩
નરીમાન પ્રકરણ — ૨

ઑક્ટોબરમાં કૉંગ્રેસનું અધિવેશન મુંબઈમાં ભરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પણ પાર્લમેન્ટરી બોર્ડના પ્રમુખ ડૉ. અનસારીને તે વખતે પોતાની તબિયતના કારણે યુરોપ જવું પડ્યું. બોર્ડના ઉપપ્રમુખ પંડિત માલવિયાએ બ્રિટિશ વડા પ્રધાનના કોમી ચુકાદાના પ્રશ્ન અંગે કૉંગ્રેસ મહાસમિતિ સાથે મતભેદ થવાથી બોર્ડમાંથી રાજીનામું આપ્યું. બોર્ડના બીજા એક અગ્રગણ્ય સભ્ય શ્રી અણે પંડિતજીના પક્ષમાં ભળ્યા. એટલે કૉંગ્રેસના પ્રમુખ તરીકે આ ચૂંટણીઓનો બધો ભાર સરદાર ઉપર આવી પડ્યો. તેમાં તેમને શ્રી ભૂલાભાઈ દેસાઈ, શ્રીમતી સરોજિની નાયડુ વગેરેની સારી મદદ હતી. પણ ચૂંટણીઓમાં નિષ્ફળતા મળે તો આખા દેશને માટે એ ઘટના આફતરૂપ થઈ પડે એમ હોવાથી, એ બધા ઉપર ભારે જવાબદારી હતી અને તેથી એમને ખૂબ તકેદારી રાખવાની હતી.

છૂટીને બહાર આવતાં જ શ્રી નરીમાને સરદારને કહ્યું કે મુંબઈ શહેરમાં વડી ધારાસભાની બે બેઠકો હોવા છતાં હું એકલો જ ઊભા રહેવાનો છું. આપણે બંને બેઠકો માટે હરીફાઈ કરીએ તો ફતેહ મળવાનો સંભવ નથી. બીજા પક્ષના ઉમેદવાર સર કાવસજી જહાંગીર છે. એટલે મુંબઈમાં કશી રસાકસી થશે નહીં.

સરદારે તરત મતદારોની યાદી તપાસી લીધી. તે ઉપરથી તેમને લાગ્યું કે જો બરાબર મહેનત કરવામાં આવે તો બંને બેઠક કબજે કરવામાં કંઈ હરકત આવે એમ નહોતું. એટલે શ્રી ભૂલાભાઈ, શ્રીમતી નાયડુ વગેરે સાથે મસલત કરી તેમણે ડૉ. દેશમુખને ઊભા થવાનું કહ્યું. તેમણે હા પાડી. મુંબઈની પાર્લમેન્ટરી બોર્ડ તા. ૧૬ મી જુલાઈએ શ્રી નરીમાન તથા ડૉ. દેશમુખનાં નામ કૉંગ્રેસ તરફના ઉમેદવાર તરીકે સ્વીકાર્યાં અને અખિલ ભારતીય પાર્લમેન્ટરી બોર્ડે તા. ૨૯મી જુલાઈએ તેમનાં નામ મંજૂર રાખ્યાં. આમ શહેરની બંને બેઠકો માટે કૉંગ્રેસના બે ઉમેદવારો ઊભા રાખવાનું નક્કી થયું કે તરત જ શ્રી નરીમાનનો આ ચૂંટણીમાંથી રસ ઊડી ગયો એમ સરદારને અને બીજાઓને લાગવા માંડ્યું. પોતાનું નામ ખેંચી લેવામાં તેમણે બહાનાં શોધવા માંડ્યાં. ઑક્ટોબરની ૧૧મી તારીખે બપોરના ત્રણ વાગ્યા પહેલાં ઉમેદવારીપત્રે નોંધાવી દેવાનાં હતાં. તા. ૪થી ઑક્ટોબરે શ્રી નરીમાનને એમનું ઉમેદવારીપત્ર નોંધાવી દેવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે હું ઊભો રહેવા માગતો નથી. કારણ આ ચૂંટણીમાં સખત હરીફાઈ થવાની અને તેને લીધે ભારે ખર્ચ પણ થાય તે ઉપાડવાની મારી શક્તિ નથી. સરદારના કહેવાથી ડૉ. દેશમુખે ચૂંટણીનું આખું ખર્ચ ઉપાડી લેવાનું માથે લીધું એટલે શ્રી નરીમાનનું એ બહાનું તો ચાલ્યું નહીં. તા. ૬ઠ્ઠી ઑક્ટોબરે બંનેનાં