આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪
સરદાર વલ્લભભાઈ

ઉમેદવારીપત્રો નોંધાવવા માટે ડૉ. દેશમુખે પોતાના મિત્ર શ્રી છોટાલાલ સૉલિસિટરને આપ્યાં. મતદારોની યાદીમાં ‘કે. એફ. નરીમાન, ૪૫, એસ્પ્લેનેડ રોડ,’ એ પ્રમાણે નોંધ હતી. જ્યારે ઉમેદવારીપત્રમાં નરીમાનનું સરનામું રેડીમની ટૅરેસીસ, એ પ્રમાણે લખેલું હતું, એટલે કલેક્ટરે સરનામું સુધારવા માટે ઉમેદવારીપત્ર પાછું આપ્યું. ડૉ. દેશમુખે શ્રી નરીમાનને ફોન કરીને જણાવ્યું કે મતદારોની યાદીમાં સરનામું જુદું છે, માટે કંઈ ભૂલ થતી હોય તો તેની તમે ખાતરી કરી લો. શ્રી નરીમાને જવાબ આપ્યો કે મેં તપાસ કરી લીધી છે અને મતદારોની યાદીમાં છપાયેલું સરનામું બરાબર છે માટે એ પ્રમાણે મારું ઉમેદવારીપત્ર નોંધાવી દો. તે ઉપરથી શ્રી છોટાલાલે ઉમેદવારીપત્રમાં મતદારોની યાદી પ્રમાણેનું સરનામું લખીને તે ઉપર શ્રી નરીમાનની સહી લઈ ઉમેદવારીપત્ર તા. ૮મી કે ૯મીએ નોંધાવી દીધું. પછી શ્રી નરીમાને બીજું બહાનું કાઢવા માંડ્યું, તેમણે તા. ૮મીએ સરદારને કાગળ લખ્યો કે જબલપુરના શ્રી મિશ્રની ધારાસભાના સભ્ય થવા માટેની ગેરલાયકાત દૂર કરવામાં આવતી ન હોવાથી આપણો વિરોધ દર્શાવવા બધા કૉંગ્રેસ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈએ. એ પ્રમાણેના વિચારો એમણે ‘બૉમ્બે ક્રૉનિકલ’માં મુલાકાત આપીને જાહેર પણ કરી દીધા. સરદારે શ્રી નરીમાનને પોતાને ત્યાં બોલાવીને ખખડાવ્યા કે તમે આવી રીતે વાતાવરણ બગાડો નહીં. શ્રી નરીમાને કહ્યું કે મધ્ય પ્રાંતમાંથી શ્રી ગોવિંદદાસ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાના છે. સરદારે શ્રી નરીમાનને જણાવ્યું કે પોતે શ્રી ગોવિંદદાસને ચેતવણી આપી છે કે જો તેઓ ઉમેદવારી પાછી ખેંચી લેશે તો તેમની સામે શિસ્તનાં પગલાં લેવામાં આવશે. જો તમે પણ આટલા મોડા ઉમેદવારી પાછી લેવાનું કરશો તો તમારી સામે પણ શિસ્તનાં પગલાં લેવામાં આવશે.

મુંબઈમાં ઘણા જવાબદાર માણસો તરફથી સરદારને ચેતવવામાં આવતા હતા કે તમે શ્રી નરીમાન ઉપર વિશ્વાસ રાખશો નહીં. એ સર કાવસજીની સામા કદી થવાના જ નથી. એટલે છેલ્લી ઘડીએ કોઈ ને કોઈ તરકીબ કાઢીને તેઓ પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લીધા વિના રહેશે નહી. તા. ૧૦મીએ સાંજે વર્ધા જવા માટે સવા પાંચની ગાડી પકડવા સરદાર બોરીબંદર સ્ટેશને પહોંચ્યા. ત્યાં શ્રી નરીમાન ગયા અને સરદારને જણાવ્યું કે મતદારોની યાદીમાં પોતાનું નામ નથી એટલે તેઓ ઉમેદવારીપત્ર પાછું ખેંચી લેવાના છે. સરદારને એકદમ આઘાત લાગ્યો અને પોતાને આપવામાં આવેલી ચેતવણીઓમાં તથ્ય હતું એમ જણાયું. તેમણે શ્રી નરીમાને પૂછ્યું કે ત્યારે તમે ઉમેદવારીપત્ર નોંધાવ્યું શી રીતે ? તેમણે જવાબ આપ્યો કે મતદારોની યાદીમાં “કે. એફ. નરીમાન” એ પ્રમાણે છે.