આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૭
હરિપુરા કૉંગ્રેસ — ૧

રહેનારા લોકો પાસે જ બનાવડાવી શકાય તેમ હતું. છતાં સરદારને એકલી પોતાની પસંદગીથી સંતોષ ન થયો. મે મહિનામાં ગાંધીજીને આરામ માટે વલસાડ પાસે દરિયા કિનારા પરના તીથલ સ્થળે સરદાર લઈ આવ્યા. તે વખતે શાન્તિનિકેતનથી શ્રી નંદલાલ બોઝને પણ ત્યાં બોલાવવામાં આવ્યા. કારણ આખી કૉંગ્રેસને કળામય રીતે શણગારવાનું કામ નંદબાબુને સોંપવાનું હતું. સરદારે ગાંધીજી તથા નંદબાબુ પાસે જગ્યા પાસ કરાવી ત્યારે તેમને સંતોષ થયો. નંદબાબુએ કહ્યું કે આ સ્થળ એટલું રમણીય અને કુદરતી રીતે જ કળામય છે કે મારું કામ બહુ સહેલું થઈ જશે. ગાંધીજી પણ આ સ્થળ જોઈ ને બહુ ખુશ થયા. લગભગ પાંચસો એકરના વિશાળ પટમાં કૉંગ્રેસનો પડાવ નાખવાનું નક્કી થયું. જમીનના માલિકો જેમાં લગભગ અડધા મુસલમાનો હતા તેમણે પોતાની બધી જમીન કૉંગ્રેસને મફત વાપરવા માટે આપી.

ગાંધીજીનો બીજો આગ્રહ એ હતો કે, “આપણે ગામડામાં કૉંગ્રેસ ભરીએ છીએ એટલે તેમાં બહુ ખર્ચ ન થવું જોઈએ, પાંચ હજાર રૂપિયાથી વધારે ખર્ચ થાય એ મને ગમે નહીં,” સરદારને તો ગામડામાં પણ ખૂબ સાધનસગવડો ઊભી કરવી હતી. પાંચ હજાર તો શું, પાંચ લાખ રૂપિયા ખર્ચ થાય તો તે માટે પણ તેઓ તૈયાર હતા. પણ ગાંધીજીની વાતનો સીધો વિરોધ શી રીતે કરાય ? એટલે એમણે કહ્યું કે તમારા આશ્રમમાં શ્રી રામદાસ ગુલાંટી ઈજનેર છે, તેમને મને સોંપી દો. તમામ જાતનાં બાંધકામની જવાબદારી તેમના ઉપર નાખીશ અને તેને મારી પાસે જેટલા પૈસા માગશે એટલા આપીશ. એમને જેટલા રૂપિયામાં કૉંગ્રેસ કરવી હોય એટલામાં કરે !

આ સ્થળથી નજીકમાં નજીક રેલવે સ્ટેશન ૧૧ માઈલ દૂર હતું. તે ઉપરાંત ત્રીસેક માઈલના અંતરમાં બીજાં ત્રણ રેલવે સ્ટેશન હતાં. એ બધાં સ્ટેશનોએથી કૉંગ્રેસ સુધીના રસ્તા જિલ્લા લોકલ બોર્ડને તથા સરકારને કહી સમરાવવાની વ્યવસ્થા કરવામાં આવી. મઢીથી કૉંગ્રેસનગરના અને નગરની અંદરના મુખ્ય રસ્તો ડામરનો કરાવ્યો. જેથી ધૂળનો ઉપદ્રવ ન થાય. તે ઉપરાંત આસપાસનાં ગામડાંઓમાંથી આવવાના ગાડારસ્તા પણ ઠીકઠાક કરાવ્યા અને ત્યાં સ્થળે સ્થળે હરિપુરા કૉંગ્રેસનો રસ્તો બતાવનારાં પાટિયાં મુકાવી દીધાં. કૉંગ્રેસના સ્થળની નજીક કોઈ મોટું શહેર કે બજાર ન હતું, એટલે જોઈતી વસ્તુઓ બહુ આગળથી એકઠી કરવા માંડી.

શ્રી રામદાસ ગુલાંટીએ લગભગ ચાર માસ પહેલાં ત્યાં આવીને મુકામ નાખ્યો. તેમણે તમામ જમીનની સરવે કરી તથા ઊંચીનીચી જગ્યાઓનું લેવલ લઈ આખા કૉંગ્રેસનગરનો નકશો તૈયાર કર્યો. સ્થાનિક કાર્યકર્તાઓ