આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૯
હરિપુરા કૉંગ્રેસ — ૧


હાથછડના ચોખા, ઘંટીનો આટો તથા બેલઘાણીનું તેલ, એ માટે પણ ઘણા મહિના અગાઉથી તૈયારી કરવી પડી. દળવા ખાંડવાની વ્યવસ્થા તો કૉંગ્રેસના સ્થળ ઉપર જ રાખી હતી. ઘાણીની વ્યવસ્થા મઢી સ્ટેશન નજીક જમીન લઈને ત્યાં રાખી હતી. કૉંગ્રેસની નજીકના દિવસોમાં ત્યાં એક છાપખાનું ઊભું કરવામાં આવ્યું હતું. તેમાં તથા કોંગ્રેસ માટે વપરાયેલ બધો કાગળ હાથબનાવટનો જ હતો. શ્રી વાલજીભાઈએ હરિપુરા કૉંગ્રેસની માર્ગદર્શિકા માટે એક નાનું પુસ્તક લખ્યું, જેમાં ગુજરાતની જૂની ઐતિહાસિક માહિતી પણ આપવામાં આવી હતી. તે પુસ્તક કૉંગ્રેસના વિઠ્ઠલ મુદ્રણાલયમાં જ હાથકાગળ ઉપર છાપવામાં આવ્યું હતું.

બધાં ગ્રામ-ઉદ્યોગનાં કામોમાં, બાંધકામમાં, સડકો અને રસ્તા સમારવામાં, કામચલાઉ પુલ બાંધવામાં વગેરે જુદી જુદી જાતની પરચૂરણ મજૂરીમાં લગભગ એક લાખ રૂપિયા આસપાસના ખેડૂતો તથા મજૂરોમાં વહેંચાયા હતા.

પાણીને માટે તાપી નદીની મહેર હતી. ગાંધીજી તો કહેતા કે આપણે બધાંને નદીનું પાણી પાઈશું. પણ એ બાબતમાં સરદારની મ્યુનિસિપલ બુદ્ધિ ગાંધીજીની વાત કબૂલ રાખવા તૈયાર ન હતી. એમણે આગ્રહ રાખ્યો કે આપણે વૉટર વર્ક્સ બનાવી લોકોને વિશુદ્ધ કરેલું પાણી જ પૂરું પાડવું જોઈએ અને આખા નગરમાં ગટરની પણ એવી સુંદર વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી કોઈ જગ્યાએ પાણી ભરાઈ રહેવા પામે નહીં. અમદાવાદ મ્યુનિસિપાલિટીના આ વિષયના નિષ્ણાત સ્ટાફે આ બાબતમાં પૂરા દિલથી મદદ કરી. ચોખ્ખા પાણી માટે તેમ જ ગટરના પાણી માટે નળ નાખવા પાઈપ જોઈએ તે રાસવાળા શ્રી આશાભાઈના સાહસથી બધી ત્યાં જ બનાવવામાં આવી. આ બધી વ્યવસ્થા જોકે કામચલાઉ હતી પણ એટલી સુંદર રીતે કરવામાં આવી હતી કે કોઈ પણ મોટા શહેરના વૉટર વર્ક્સ અને ગટરની વ્યવસ્થા કરતાં ઊતરે એવી ન હતી.

બાંધકામનું કામ શ્રી રામદાસ ગુલાંટીને સોંપવામાં આવ્યું હતું અને તેમણે અગાઉથી આવીને ત્યાં મુકામ નાખ્યો હતો એ કહેવાઈ ગયું છે. વિઠ્ઠલનગરને એકાવન દરવાજા રાખવામાં આવ્યા હતા. તે બધા જ કળામય રીતે શણગારવામાં આવ્યા હતા. એમાંના સાત મુખ્ય દરવાજા તો ઊંચા પ્રકારના શુદ્ધ હિંદી સ્થાપત્યના નમૂના બન્યા. એની રચના કરવામાં તથા એ શણગારવામાં શ્રી નંદબાબુએ એમની કળાશક્તિની કમાલ કરી. એ બધા દરવાજા ઉપર શ્રી નંદબાબુએ જુદી જુદી વિશિષ્ટતાનાં સૂચક ચિત્રો સુંદર રીતે ગોઠવ્યાં. દાખલા તરીકે, સ્વાગત સમિતિના મુખ્ય કાર્યકર્તાઓ જ્યાં