આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૦
સરદાર વલ્લભભાઈ

રહેતા અને જ્યાં સ્વાગત સમિતિની ઑફિસો હતી એ વિભાગના દરવાજા ઉપર રણમાં ખૂબ મુસાફરી કરીને થાકીને બેસી પડેલા ઊંટનું ચિત્ર મૂક્યુંં હતું. સ્વયંસેવકોની છાવણીના દરવાજા ઉપર બહુ ભાર લાદેલા અને થાકેલા ગધેડાને કુંભાર પરાણે ચલાવતો હોય એવું ચિત્ર મૂક્યું હતું. મહાસમિતિના તથા કૉંગ્રેસની મસલત સમિતિના મંડપના એક દરવાજા ઉપર કુસ્તી કરતા બે મલ્લનું ચિત્ર મૂક્યું હતું. અને બીજા દરવાજા ઉપર भवान् ઉપરથી यूयम् અને તેના ઉપરથી त्वम् અને તેથી પણ આગળ જાય છે એવા શાસ્ત્રાર્થ કરતા પંડિતો ચીતર્યા હતા. મુખ્ય રસોડાના એક દરવાજા ઉપર તાજા રસાળ ફળ જોઈ લાલચુ આંખોવાળો બાળક, એક દરવાજા ઉપર મોદક ઉપર તૂટી પડવાને તૈયાર દૂંદાળા ભૂદેવ, ત્યારે એક દરવાજા ઉપર માછલી ઉપર તરાપ મારતી બિલાડી એવાં ચિત્રો હતાં. શ્રી નંદબાબુએ પોતે લગભગ બસો ચિત્રો દોર્યાં હતાં. એ બધાં ચિત્રો એકઠાં કરીએ તો તેનાથી સુંદર કળામંડપ શણગારી શકાય. ગુજરાતના કળાકાર શ્રી રવિશંકર રાવળ તથા શ્રી કનુ દેસાઈએ પણ વિઠ્ઠલનગરને આકર્ષક બનાવવામાં પોતાનો ફાળો સારો આપ્યો હતો. તેમનાં ચિત્રો પણ ત્યાંના પ્રદર્શનમાં એક મોટા આકર્ષણરૂપ થઈ પડ્યાં હતાં. સુરતના કળાપ્રેમી સજ્જન શ્રી રાજેન્દ્ર સુરકંઠાની મદદથી તેમણે ગુજરાતની પ્રાચીન કળાના ઉત્તમ નમૂના એકઠા કરીને એક વિશાળ મંડપમાં અતિશય કળામય રીતે ગોઠવીને મૂક્યા હતા. આખા નગરમાં જગ્યાએ જગ્યાએ નાના નાના બગીચા તત્કાલ પૂરતા બનાવ્યા હતા. આ બધું થોડા જ વખત માટે ઊભું કરીને વિખેરી નાખવાનું હોઈ જંગલની વચ્ચે જાણે એક ગંધર્વનગરી રચી હોય તેના જેવું હતું ! વીજળીની વ્યવસ્થા કિલિક નિક્સનની કંપનીની મદદથી કરવામાં આવી હતી. રાત્રે જ્યારે બધી બત્તીઓ કરવામાં આવતી અને બધા દરવાજા, મંડપ વગેરે તેનાથી શોભી રહેતા, ત્યારે જોવા આવનારાના શબ્દોમાં કહીએ તો આખી નગરી ઝળાંઝળાં થઈ ઊઠતી !

ગાંધીજી તથા પ્રમુખ સુભાષચંદ્ર બોઝ માટેની કુટીરો તથા કારોબારીની બેઠક માટે એક નાનો મંડ૫ નદીની બાજુની ઢોળાવવાળી ભેખડમાંથી કાપી કાઢેલી જગ્યામાં બનાવવામાં આવ્યાં હતાં. ત્યાંથી નદીના પ્રવાહનું અને નદીના સામા કિનારાની વૃક્ષરાજીનું દૃશ્ય બહુ મનોહર લાગતું. આ ઉપરાંત ઇસ્પિતાલ, છાપખાનું, બૅંક, પોસ્ટ, તાર તથા ટેલિફાન, આગ બુઝાવવાની વ્યવસ્થા વગેરે શહેરને માટે આવશ્યક ગણાતાં તમામ સાધનો ત્યાં ઊભાં કરવામાં આવ્યાં હતાં. વિઠ્ઠલનગર આખું નદીને કાંઠે કાંઠે જ બાંધેલું હોઈ પાઘડીપને પથરાયેલું હતું. આખા નગરની લંબાઈ દોઢ માઈલ ઉપર હશે. એટલે