આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૨
સરદાર વલ્લભભાઈ

 વિઠ્ઠલનગરમાં રાતદિવસ રહેનાર માણસની સંખ્યા પચાસથી પંચોતેર હજારની ગણાય. ઘણા માણસો તો બધું જોઈને સાંજ પડ્યે જતા રહે એવું બનતું. કૉંગ્રેસના છેલ્લા અઠવાડિયામાં દિવસની વસ્તી લગભગ બે લાખની રહેતી. આ બધા માટે સ્વચ્છતાની ભારે વ્યવસ્થા હોય તો જ નગરની સુખાકારી જળવાઈ રહે. એ કામ શ્રી જુગતરામ દવેએ માથે લીધું હતું. એમણે લગભગ બે હજાર સ્વયંસેવકોને સ્વચ્છતા રાખવાની તાલીમ આપીને તૈયાર કર્યા હતા. તેમાં મોટા ભાગના સ્વયંસેવકો ગુજરાતની શાળાઓ તથા કૉલેજોના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો હતા. લાંબી ચરો (ખાઈઓ) ખોદી તેના ઉપર પાટિયાં મૂકી તથા ઓઠા માટે પાલાં ગોઠવી જાજરૂ તથા મુતરડીઓની વ્યવસ્થા કરી હતી. એ સાફ રહે એટલા માટે વાપર્યા પછી તેના ઉપર માટી નાખી દેવાની સૂચનાઓ દરેક જગ્યાએ ટાંગવામાં આવી હતી. છતાં એ સૂચનાઓનો પૂરા અમલ થતો નહીં એટલે સ્વયંસેવકોએ કલાકે કલાકે જાજરૂઓ અને મુતરડીઓ તપાસી તેમાં માટી નાખવાની રહેતી. તે ઉપરાંત તમામ રસ્તા તથા જુદા જુદા ચોકમાંથી ઝાડુ મારવાનું રહેતું. પંડિત જવાહરલાલજીએ આ સફાઈ સ્વયંસેવકો આગળ બોલતાં જણાવેલું કે સરદાર વલ્લભભાઈએ આ શાનદાર નગર અહીં બનાવ્યું છે પણ તેની ખરી શાન તમારા અથાગ પરિશ્રમને લીધે જ સચવાઈ છે.

કૉંગ્રેસના અધિવેશનમાં ટિકિટ લઈને આવનારા માણસોની સંખ્યા દરરોજ પંચોતેર હજારની થતી. લાઉડસ્પીકરની વ્યવસ્થા એવી રાખી હતી કે અધિવેશનમાં થતાં ભાષણો કૉંગ્રેસના મંડપની બહારના માણસો પણ સાંભળી શકે. જે વિશાળ ચોકની વચમાં બહુ ઊંચા સ્તંભ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકતો હતો તે ઝંડાચોકમાં બેસીને લાખો માણસો વગર ટિકિટે કૉંગ્રેસમાં ચાલતાં ભાષણો સાંભળી શકતા.

મનુષ્યપ્રયત્નથી કરેલી આ બધી વ્યવસ્થાના રંગમાં કુદરતે થોડોક ભંગ પાડ્યો. ફેબ્રુઆરી મહિનો હોવા છતાં કૉંગ્રેસના અધિવેશનના બે દિવસ ભારે ઠંડીનું મોજું આવ્યું. એક દિવસ અને રાત ધૂળની આંધી પણ સખત ચાલી અને થોડો વરસાદ પડ્યો. તેને લીધે ઘણાં ઝૂંપડાં ઉપરનાં પાલાં ઊડી ગયાં તથા પ્રદર્શનની બધી વસ્તુઓ સાચવવાનું બહુ મુશ્કેલ થઈ પડ્યું. પણ વસ્તુઓને નુકસાન થયું તેના કરતાં માણસોને નુકસાન થયું તેથી કૉંગ્રેસની બધી વ્યવસ્થા કરનારાઓના અને ખાસ કરીને સરદારના દિલને ભારે ચોટ લાગી. આ તોફાન થયું તે પહેલાં એક સ્વયંસેવક નદીમાં નાહતાં ડૂબી ગયો હતો. તેનો અગ્નિદાહ કરતી વખતે સાબરમતી આશ્રમના સંગીતશાસ્ત્રી પંડિતજી ખરેએ ‘મંગળ મંદિર ખોલો’નું ગીત બહુ કરુણ સ્વરે ગાયું હતું. પંડિતજીને