આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૪
સરદાર વલ્લભભાઈ

એવી અથડામણો ઊભી કરી દેશી રજવાડાં પાસે પ્રજા ઉપર ઘાતકી જુલમો કરાવવા તૈયાર જ હતા. જેથી હિંદી લોકોનો વહીવટ કેટલો અન્યાયી અને જુલમી છે એ બતાવવાનું બહાનું તેમને મળે. ગાંધીજી એમ માનતા કે દેશી રાજ્યોની પ્રજામાં હજુ એટલી જાગૃતિ નથી આવી કે તેઓ રાજાઓની સાથે છેવટની લડતમાં ઊતરી શકે. વળી રાજાઓની સાથે આખરી લડતમાં ઊતરવાની જરૂર પણ તેમને લાગતી નહોતી. કારણ દેશી રાજ્યોની હસ્તી જ બ્રિટિશ હકૂમતના જોર પર નિર્ભર હતી. બ્રિટિશ હકૂમતની સાથે આપણે ફેંસલો કરી લઈશું એટલે દેશી રાજાઓનો ફેંસલો તો આપોઆપ થઈ જશે એમ તેઓ કહેતા. કારણ દેશી રાજાઓમાં પોતાનું એવું કશું બળ નહોતું.

દેશી રાજ્યોના પ્રશ્નોમાં સરદારે જે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તે વિષે અલગ પ્રકરણોમાં લખવા ધાર્યું છે. એટલે તેની વધારે વિગતોમાં ન ઊતરતાં, હરિપુરા કૉંગ્રેસ આગળ જે એક પ્રશ્ન આવ્યો હતો તેનો જ અહીં વિચાર કરીશું. મુદ્દો એ હતો કે દેશી રાજ્યોની હદમાં પણ કૉંગ્રેસની સમિતિઓ સ્થાપવી કે કેમ ? બ્રિટિશ ગણાતા પ્રાંતોને લાગુ પડતું કૉંગ્રેસનું બંધારણ દેશી રાજ્યોની રાજદ્વારી સંસ્થાઓને પણ લાગુ પાડવું કે કેમ ? હરિપુરાના અધિવેશનું પહેલાં થોડા જ વખત અગાઉ નવસારીમાં દેશી રાજ્યોમાંની રાજકીય સંસ્થાઓના પ્રતિનિધિઓનું એક સંમેલન ભરાયું હતું. તેમાં કૉંગ્રેસના બંધારણમાં તેમણે એક ફેરફાર સૂચવ્યો હતો કે ‘હિંદુસ્તાન’નો અર્થ ‘દેશી રાજ્યોની પ્રજા સુધ્ધાંત હિંદુસ્તાનના લોકો’ એવો કરવો. તેમણે એમ પણ સૂચવ્યું હતું કે કૉંગ્રેસની મહાસમિતિએ એક તપાસ સમિતિ નીમવી કે જે દેશી રાજ્યોની પ્રજાના હક્કો વિષે, તેમના બંધારણીય વિકાસ વિષે, ત્યાંના ખેડૂતોની સ્થિતિ વિષે તથા રાજ્યોના વેપારી ઈજારા વિષે તપાસ કરે. કૉંગ્રેસ કારોબારીને આ સચનાઓ કવખતની લાગી. તેણે ઠરાવ કર્યો કે દેશી રાજ્યોમાંની રાજકીય સંસ્થાઓએ કૉંગ્રેસને નામે કામ કરવાનો સમય હજી આવી લાગ્યો નથી. સમય પાકશે ત્યારે જરૂર કૉંગ્રેસ તેમની રાજકીય સંસ્થાઓની જવાબદારી પણ લેશે. પણ આજે તો તેમણે સ્વતંત્ર રીતે કામ કરવું એ જ ઠીક છે. ગાંધીજી તો એટલે સુધી કહેતા હતા કે દેશી રાજ્યોની અંદર અત્યારે રાજકીય ચળવળો ઉપાડવાને બદલે ત્યાંના કાર્યકર્તાઓએ રચનાત્મક કાર્યો કરી પ્રજાને સંગઠિત કરવાની અને જાગ્રત કરવાની પહેલી જરૂર છે. દેશી રાજ્યોના કાર્યકર્તાઓની દલીલ એ હતી કે કૉંગ્રેસના છત્ર નીચે અમારું કામ નહીં ચાલે તો અમારી સંસ્થાઓ પ્રગતિવિરોધી અને સંકુચિત માનસવાળા લોકોના હાથમાં જઈ પડશે. છેવટે તડજોડ કરીને હરિપુરા કૉંગ્રેસમાં દેશી રાજ્યો વિષે નીચે પ્રમાણે ઠરાવ થયો :