આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૭
હરિપુરા કૉંગ્રેસ — ૨

ધીમી લાગતી હતી. અથવા જોઈએ એવી લડાયક લાગતી નહોતી લાગતી. કેટલાક ઉતાવળિયા અને અધીરા કૉંગ્રેસીઓ પણ આ કિસાન ચળવળમાં ભળવા લાગ્યા હતા અને તેને લીધે કૉંગ્રેસની નીતિ અને સિદ્ધાંતોથી વિરોધી વાતાવરણ ઊભું કરવામાં તેઓ કારણભૂત બનતા હતા. એટલે કૉંગ્રેસે નીચે પ્રમાણે ઠરાવ કરીને કિસાન સભાઓ વિષેની પોતાની નીતિ સ્પષ્ટ કરી :

“પોતાનાં મંડળો સ્થાપીને, સંગઠિત થવાનો ખેડૂતો અથવા કિસાનોનો હક્ક કૉંગ્રેસ પૂરેપૂરો સ્વીકારે છે. તેની સાથે એટલું યાદ રાખવું જરૂરી છે કે કૉંગ્રેસ પોતે જ મુખ્યત્વે ખેડૂતોની સંસ્થા છે. જેમ જેમ આમવર્ગ સાથે તેનો સંપર્ક વધતો જાય છે તેમ તેમ કિસાનો મોટી સંખ્યામાં તેના સભ્યો થતા જાય છે અને તેની નીતિ ઉપર અસર પાડતા જાય છે. કૉંગ્રેસે ખેડૂત જનતાના હિતને અર્થે જ કામ કરવું જોઈએ. હકીકતમાં તેણે એ પ્રમાણે કામ કર્યું છે. તેમના હક્કો માટે લડતો પણ ચલાવી છે. કૉંગ્રેસ સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે જે કામ કરે છે તે આપણા આમવર્ગની શોષણમાંથી મુક્તિના પાયા ઉપર જ રચાયેલું છે. એટલે આ સ્વાતંત્ર્ય સિદ્ધ કરવા માટે અને કિસાનોને બળવાન બનાવવા માટે કૉંગ્રેસને બળવાન બનાવવી એ જ ખરો ઉપાય છે. તેથી કિસાનોને વધુ ને વધુ મોટી સંખ્યામાં કૉંગ્રેસના સભ્ય બનાવવાનો અને તેના વાવટા નીચે પોતાના હક્કો મેળવવા સંગઠિત થવાનો આગ્રહ કરવામાં આવે છે.

“આ પ્રમાણે ખેડૂત મંડળો રચવાનો કિસાનોનો હક પૂરેપૂરો સ્વીકારતા છતાં કૉંગ્રેસે એટલું તો જાહેર કરવું જોઈએ કે કૉંગ્રેસના પાયાના સિદ્ધાંતો સાથે અસંગત એવી કોઈ પણ પ્રવૃત્તિમાં કૉંગ્રેસ તેમને સાથ આપશે નહીં, તથા કૉંગ્રેસના જે સભ્યો કિસાનસભાના સભ્યો બનીને કૉંગ્રેસના સિદ્ધાંતો અને નીતિથી વિરોધી વાતાવરણ ઊભું કરવામાં સહાયભૂત થતા હશે તેમની એ પ્રવૃત્તિઓને કૉંગ્રેસ ચલાવી લેશે નહીં. કૉંગ્રેસ બધી પ્રાંતિક સમિતિઓને આદેશ આપે છે કે આ વસ્તુ ઉપર બરાબર ધ્યાન રાખવું અને જ્યાં જરૂર જણાય ત્યાં એવી કૉંગ્રેસ વિરોધી પ્રવૃત્તિની સામે જરૂરી પગલાં લેવાં.”

હરિપુરા કૉંગ્રેસમાં ભારે સનસનાટી ફેલાવનાર અને વાતાવરણમાં તેજી લાવનાર ઠરાવ તો યુક્ત પ્રાંત અને બિહારના પ્રધાનમંડળે રાજકીય કેદીઓની મુક્તિના પ્રશ્ન ઉપર આપેલાં રાજીનામાંને લગતો હતો. ચૂંટણીઓ વખતે કૉંગ્રેસે બહાર પાડેલા જાહેરનામામાં દેશને એવું સ્પષ્ટ વચન આપવામાં આવ્યું હતું કે જો કૉંગ્રેસ અધિકાર ઉપર આવશે તો તમામ રાજકીય કેદીઓને મુક્તિ આપી દેશે. આ જાહેરનામા પ્રમાણે પ્રધાનોએ રાજકીય કેદીઓને છોડવાનો પ્રયત્ન પણ કરવા માંડ્યો. એ પ્રયત્નને રાજકીય કેદીઓનાં કેટલાંક વચનોથી પુષ્ટિ મળી.

હિંસાના ગુના માટે લાંબી લાંબી સજા ભોગવતા ઘણા રાજકીય કેદીઓએ પોતાના વિચારો પ્રગટ કર્યા હતા કે અમારો વિશ્વાસ હિંસા ઉપરથી