આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૫
હરિપુરા કૉંગ્રેસ — ૨

નેતાઓએ, ખાસ કરીને ગાંધીજીએ પોતાની વૃત્તિ બતાવી આપી છે કે કૉંગ્રેસના પ્રધાનો સત્તા ઉપર રહે, એમ તેઓ ઇચ્છે છે.”

આ ઉપરાંત હારિપુરા કૉંગ્રેસમાં બીજા પણ કેટલાક મહત્ત્વના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. ઝાંઝીબારમાં હિંદી વેપારીઓના હક્ક ઉપર કેટલાક અંતરાય મૂકવામાં આવ્યા હતા તે પ્રત્યે વિરોધ તરીકે તથા આપણા દેશબંધુઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવવા માટે ત્યાંથી આપણા દેશમાં આયાત થતાં લવિંગનો ૧૯૩૭ના સપ્ટેમ્બર માસથી બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને તે માટે એક બહિષ્કાર સમિતિ નીમવામાં આવી હતી. તેના પ્રમુખ સરદાર હતા. મે માસમાં સમાધાન થયું ત્યાં સુધી એટલે કે લગભગ નવ માસ સુધી લવિંગનો બહુ જ કડક બહિષ્કાર ચાલ્યો. બહિષ્કાર કરનારા વેપારીઓનો મોટો ભાગ મુસલમાનોનો હતો. આ કૉંગ્રેસમાં એ વિષે નીચે પ્રમાણે ઠરાવ પસાર કરવામાં આવ્યો :

“ કૉંગ્રેસે હિંદી પ્રજાને સુચના કરેલી કે હિંદી પ્રજાએ હમણાં લવિંગનો વેપાર બંધ કરવો. હિંદી પ્રજાએ અને ઝાંઝીબારમાં હિંદી વેપારીઓએ કરેલા લવિંગના વેપારનો બહિષ્કાર સંપૂર્ણ અને સંતોષકારક નીવડ્ચો છે, તેની આ કૉંગ્રેસ કદર કરે છે. ઝાંઝીબારના હિંદીઓએ અને હિંદુસ્તાનના લવિંગના વેપારીઓએ જે રીતે આ બહિષ્કાર ટકાવી રાખ્યો છે તેને સારુ આ કૉંગ્રેસ તેમને મુબારકબાદી આપે છે.

“કૉંગ્રેસને અફસોસ છે કે ઝાંઝીબારની અંદરના તેમ જ બહારના વેપાર માટેના હિંદીઓના હકના સવાલનો હજી સંતોષકારક નિકાલ આવ્યો નથી. એ નિકાલ ન આવે ત્યાં સુધી લવિંગના વેપારનો બહિષ્કાર ચાલુ રાખવાની જરૂર તરફ કૉંગ્રેસ વેપારીઓનું ધ્યાન ખેંચે છે અને વિશ્વાસ રાખે છે કે આ પગલાંને લીધે ઝાંઝીબારની સરકારને થોડા જ વખતમાં તેના વાંધાભરેલા હુકમો રદ કરીને ઝાંઝીબારમાં વસતા હિંદી વેપારીઓને ન્યાય આપવાની ફરજ પડશે.”

|આ ઠરાવની અસર એ થઈ કે હિંદ સરકાર તરફથી એક અમલદારને હિંદી કોમને મદદ કરવા તથા લવિંગના પ્રશ્નનું સમાધાન કરવા ઝાંઝીબાર મોકલવામાં આવ્યા. તેમના પ્રયાસથી, પણ મુખ્યત્વે તો મુંબઈમાં લવિંગનો સખત બહિષ્કાર ચાલુ રહ્યો હતો તેથી, મે માસની શરૂઆતમાં આ પ્રશ્નનું સમાધાન થઈ ગયું. લવિંગ બહિષ્કાર સમિતિના પ્રમુખ તરીકે સરદારે કારાબારી સમિતિ આગળ પોતાનું નિવેદન રજૂ કર્યું. તે ઉપરથી, મુંબઈમાં મળેલી કારોબારી સમિતિએ મે મહિનામાં નીચે પ્રમાણે ઠરાવ કર્યો :

“ કારોબારી સમિતિએ લવિંગ બહિષ્કાર સમિતિનું નિવેદન વાંચ્યું છે. ઝાંઝીબારની હિંદી કોમ અને ઝાંઝીબારની સરકાર વચ્ચે લવિંગના વેપારની બાબતમાં જે કરાર થયા છે, તેના પર સમિતિએ વિચાર કર્યો છે. આ કરાર