આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૪
સરદાર વલ્લભભાઈ


છે. લોકોએ એવો વિશ્વાસ રાખવો કે કોઈ પણ જાતનો ભય રાખ્યા વિના અથવા તો ખોટી મહેરબાની બતાવ્યા વિના આ બાબતનો નિર્ણય કરવામાં આવશે. લોકોને અને વર્તમાનપત્રોને તેણે એવી પણ વિનંતી કરી કે આ પ્રશ્નને કોમી રૂપ આપવું એ યોગ્ય નથી. બહેનોની લાગણી પણ પ્રધાનના આ કૃત્ય બદલ દુભાઈ હતી. તેમને કારેબારી સમિતિએ આશ્વાસન આપ્યું કે તમારો ઉશ્કેરાટ વાજબી છે પણ કારોબારી સમિતિને સ્ત્રીઓની આબરૂ તમારા કરતાં ઓછી વહાલી નથી. છતાં આપણે પૂરી તપાસ કરાવીને નિર્ણય કરીએ એ જ વિશેષ યોગ્ય છે.

કૉંગ્રેસ કારોબારી સમિતિએ આખા કેસની બરાબર તપાસ કરી પોતાનો અભિપ્રાય આપવાનું કામ કલકત્તા હાઈ કોર્ટના નિવૃત્ત જજ સર મન્મથનાથ મુકરજીને સોંપ્યું.

જ. શરીફ પોતાના બૅરિસ્ટરને લઈ પોતાનો કેસ રજૂ કરવા સર મન્મથનાથ પાસે કલકત્તા ગયા. મુખ્ય પ્રધાન શ્રી ખરેએ પણ એક લાંબુ નિવેદન લખી મોકલ્યું. તેમાં જ. શરીફે દિલગીરી દર્શાવી છે માટે તેમને જતા કરવા જોઈએ એવી ભલામણ કરી.

સર મન્મથનાથે બધી તપાસ કરીને તા. ૭-૫-'૩૮ના રોજ પોતાનો અભિપ્રાય આપ્યો તેમાં જણાવ્યું કે બે મુખ્ય આરોપીઓ તરફથી દયાની અરજી પ્રથમ પણ કરવામાં આવેલી. પણ તે વખતે જિલ્લાના કલેક્ટર તથા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે સખત રિપોર્ટ કરેલો કે આ ગુનો એટલો ગંભીર છે અને ગુનેગારોએ એટલા બધા કાવાદાવા કર્યા છે અને છેવટે બળજબરી વાપરી છે કે તેઓ દયાને લાયક નથી. એટલે પ્રધાન કાંઈ કરી શકેલા નહીં. પછી બીજા ચાર આરોપીઓ જેમને આ ગુનામાં મદદ કરવા માટે બે બે વર્ષની સજા થયેલી, તેમની દયાની અરજી ઉપરથી તેમને એક એક વર્ષની સજા પૂરી થયે છોડી મૂકવાનો પ્રધાને હુકમ કર્યો. પેલા બે મુખ્ય ગુનેગારો જેમાંના એકને ત્રણ વર્ષની અને બીજાને ચાર વર્ષની કેદની તથા દંડની સજા થયેલી તેમણે ફરી દયાની અરજી કરી. તે વખતે જિલ્લા અધિકારીઓએ કશો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો નહીં. એમ કહેવાય છે કે પ્રધાનનો ઈરાદો આ કેદીઓને છોડી મૂકવાનો છે એમ તેમને જણાવવામાં આવેલું. પ્રધાને દયાની અરજી મંજૂર રાખી મુખ્ય કેદીને છોડી મૂકવાની ગવર્નરને ભલામણ કરવામાં નીચેનાં કારણ જણાવેલાં :

૧. છોકરી પહેલેથી જ ખરાબ ચાલની હતી અને રાજીખુશીથી સંમત થઈ હતી.