આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૫
પાર્લમેન્ટરી કમિટીના ચૅરમૅન


૨. આ કેસને લીધે આરોપીને મોટી નોકરી ગુમાવવી પડી હોઈ તે આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે. સમાજમાં પણ તેની પ્રતિષ્ઠા હલકી થઈ છે એ એને માટે પૂરતી સજા છે.
૩. આ કેસ ચાલતો હતો તે દરમ્યાન જ ગુનેગારની સ્ત્રી આધાત પહોંચવાથી મરી ગઈ છે, અને તેનાં નાનાં છોકરાઓની સંભાળ લેનાર અત્યારે કોઈ ન હોઈ તેઓ રઝળતાં થઈ ગયાં છે.

પહેલા મુદ્દા વિષે સર મન્મથનાથે જણાવ્યું કે છોકરીને વિષે પ્રધાને જે લખ્યું છે, તેમાંનું કશું પુરાવામાં રજૂ થયેલું નથી. ઊલટું પુરાવામાં તો એવું છે કે તલવારથી મારી નાખવાની તેને બીક બતાવીને તેના ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. દયાની અરજી ઉપર વિચાર કરનારને પુરાવાની બહાર જઈ તે ઉપરથી કશા અભિપ્રાય બાંધવાનો અધિકાર નથી. પેલા ચાર આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા તેમાં પણ દયા અસ્થાને બતાવવામાં આવી છે. વળી આ ગુનો અકસ્માત લાલચમાં પડી જઈને કરવામાં આવેલ નથી પણ તેની પાછળ રીતસરની યોજના હતી અને ભારે પ્રપંચજાળ રચીને છોકરીને ફસાવવામાં આવી હતી. એટલે મારો સ્પષ્ટ અભિપ્રાય છે કે પ્રધાને દયાની અરજી મંજૂર રાખવામાં ગંભીર ભૂલ કરી છે. અને તેને લીધે ન્યાયનો જરૂર વિનિપાત થયો છે. આરોપી આર્થિક રીતે પાયમાલ થયો છે, અને તેનું કુટુંબ સંકટમાં આવી પડયું છે એ વાત સજા કરતી વખતે કોર્ટે ધ્યાનમાં લીધી જ છે. ઊલટું આવા ભણેલાગણેલા માણસે આવું કરપીણુ કૃત્ય કર્યું તે માટે તેને જરાયે દયાપાત્ર ગણવો જોઈતો નહોતો.

આ રિપોર્ટ મળ્યા પછી પ્રધાન જ. શરીફને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી.

આ પ્રકરણ પતી જાય તે પહેલાં જ મધ્ય પ્રાંતના પ્રધાનમંડળમાં અંદર અંદર ભારે ખટપટો ઊભી થઈ હતી. મધ્ય પ્રાંતમાં મુખ્ય ત્રણ વિભાગ છે. મહાકોશલ અથવા હિંદી મધ્ય પ્રાંત, નાગપુર અથવા મરાઠી મધ્ય પ્રાંત અને વરાડ. પ્રધાનમંડળમાં મહાકોશલના ત્રણ પ્રધાનો હતા તેમને મુખ્ય પ્રધાન ડૉ. ખરે જેઓ નાગપુરના હતા તેમની સાથે ભારે મતભેદ થયા કરતા, જેને પરિણામે તેમણે રાજીનામું આપેલું. આ ઉપરાંત પ્રધાનો ઉપર લાંચ લેવાના તથા મામામાસીનું કરવાના આરોપ પણ હતા. એને લીધે આખા પ્રાંતમાં તથા ધારાસભાના સભ્યોમાં કૂથલીનું અને મલિનતાનું વાતાવરણ ફેલાયું હતું. સરદાર પાસે આ ફરિયાદો ઘણા વખતથી આવ્યાં કરતી હતી. એટલે તેમણે મધ્ય પ્રાંતની સરકાર તે વખતે ત્યાંની શીતળ ટેકરી પંચમઢીમાં હતી ત્યાં તા. ૨૪-૫-'૩૮ના રોજ ધારાસભા પક્ષની બેઠક બોલાવી. તેમાં પાર્લમેન્ટરી