આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૧૦
સરદાર વલ્લભભાઈ

મેં જાતે લખેલો નહોતો પણ ગાંધીજીએ મને લખાવ્યો હતો. વળી કૉંગ્રેસના પ્રમુખ તેમને પરાણે ગાંધીજીની પાસે લઈ ગયા હતા એવું પણ તેમણે પોતાના બચાવમાં લખ્યું હતું. આનો જવાબ ગાંધીજીએ નીચે પ્રમાણે એક નિવેદન પ્રસિદ્ધ કરીને આપ્યો :

"ડૉ. ખરેએ કરેલો પોતાને બચાવ મેં વાંચ્યો છે. એમાંના જેટલા ભાગની સાથે મારે સંબંધ છે તેટલાનો જ જવાબ આપવાની પ્રજા પ્રત્યે મારી ફરજ છે. ડૉ. ખરેએ કહેલી વાત ખોટી છે, એમ કહેવું પડે છે, એને સારુ મને દુ:ખ થાય છે.

"તેઓ સેવાગ્રામ સ્વેચ્છાએ આવ્યા હતા. તેઓ મિત્ર તરીકે આવેલા. તેઓ આવ્યા ત્યારે તેમણે કશો વિરોધ પ્રદર્શિત કર્યો ન હતેા. એમનું વર્તન બરાબર ન હતું, એમ મેં કહ્યું તે પૂરેપૂરી દલીલ વિના એમને ગળે ઊતર્યું નહોતું. એમને જ્યારે મારી દલીલની યથાર્થતા સમનઈ ત્યારે એમણે પોતાની બધી બાજી મારા હાથમાં સોંપી દીધી. મેં એમને કહ્યું કે ‘ તમે મનનું સમતોલપણું ગુમાવ્યું છે એ તમે જ કબુલ કરો છો. એટલે જો તમારા મિત્રોને મળીને તેમની સલાહ લેવાની તમારી ઈચ્છા હોય તો જરૂર તમે સલાહ લો. આ ક્ષણે જ કાંઈ કરવું જોઈએ એવી જરાયે ઉતાવળ નથી.' એમણે જવાબ આપ્યો કે, 'હું જાતે જ નિર્ણચ કરવા સમર્થ છું. બીજા મિત્રોની સલાહ લેવાની કશી જરૂર નથી.' પછી મેં કહ્યું કે, 'તમે જે વાત કબૂલ કરી છે, તે તમે જાતે જ લખી કાઢો તો સારું.' એમણે કહ્યું, ‘હું લેખક નથી. એટલે તમે જ મારા નિવેદનનો ખરડો લખી આપો.' મેં કહ્યું, ‘પણ મારે તમારી ભાષા તો જોઈએ જ. તમે જે કબૂલ કર્યું છે તે એમાં પૂરતું આવી જતું નથી એમ મને લાગશે તો હું એમાં સુધારા કે ઉમેરા કરીશ.'

"કેટલીક આનાકાની પછી તેમણે કલમ અને કાગળ લીધાં ને ખરડો લખી કાઢ્યો. પછી મેં તે વાંચી જોયો અને તેમાં સુધારા ને ઉમેરા કર્યા. એમણે એ બે ત્રણ વાર વાંચ્યા ને કહ્યું', ' વિશ્વાસભંગની કબૂલાત તો મારાથી કદી નહીં થઈ શકે, ગમેતેમ પણ હું અત્યારે તો કાંઈ નિવેદન નહીં કરું. પણ તમારી સલાહ માનીને મારા મિત્રોની સલાહ લઈશ.' તેમનો જવાબ પહોંચાડવા માટે બીજે દિવસે બપોરના ત્રણ વાગ્યાની મુદત ઠરાવવામાં આવી હતી. આ લખું છું તે વખતે સુભાષબાબુ, મૌલાના સાહેબ અને સરદાર પટેલ અહીં બેઠેલા છે. તેમને મેં પૂછી જોયું છે અને તેઓ કહે છે કે એ દિવસના પ્રસંગોનું મેં કરેલું વર્ણન તદ્દન બરાબર છે.”

વર્તમાનપત્રોમાં આવેલા આ ખુલાસાઓ પછી ડૉ. ખરેએ પોતાનો ઝેરી પ્રચાર વધારે વેગથી ચલાવ્યો. મધ્ય પ્રાંતનાં, મહારાષ્ટ્રનાં, અને મુંબઈનાં કેટલાંક છાપાંઓએ તેમને ખૂબ મદદ કરી. તેમાં કેટલીક વાતો તો તદ્દન ઉપજાવી કાઢેલી અને કૉગ્રેસ સામે સારી પેઠે ઉકેરણીથી ભરેલી હતી. સરદારની સામે કાદવ ઉડાડવાનું પણ તેમાં બાકી રાખ્યું નહોતું, એટલે છેવટે