આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૨
સરદાર વલ્લભભાઈ

હરાજ થયેલી મિલકતો તેના ખરીદનારાઓ પાસેથી સરકારી ખર્ચે વેચાતી લઈ મૂળ માલિકને પાછી સોંપી દેવી. પણ જ્યારે એ હરાજ થઈ ત્યારે હરાજી કરનારા અમલદારોએ ખરીદનારાઓને બાંયધરી આપી હતી કે એ જમીનો યાવચંદ્રદિવાકરો તમને મળશે. કોઈ પણ સંજોગોમાં તમારી પાસેથી પાછી લેવામાં આવશે નહીં. આમ છતાં લડત દરમ્યાન પણ કૉંગ્રેસ પ્રત્યે લોકોની એટલી સહાનુભૂતિ હતી કે કોઈ ખરીદનારા મળતા નહીં. નિયમ એવો છે કે આવી રીતે હરાજી થતી હોય ત્યારે કોઈ સરકારી નોકર, કે અમલદાર હરાજીમાંથી મિલકત ખરીદ કરી શકે નહીં. આ હરાજીઓ વખતે એ નિયમ નેવે મૂકીને સરકારી નોકરોને હરાજીમાંથી મિલકત ખરીદવાની છૂટ આપવામાં આવી હતી. આ હરાજીઓ કહેવાતી હતી તો જાહેર, પણ હકીકતમાં તે ફારસરૂપ હતી. સરકારી નોકરો અને તેમના મળતિયા બીજા માણસો અંદર અંદર જ મિલકત લઈ લેતા. ધારાસભામાં મિલકતો પાછી ખરીદવાનો ઠરાવ તો થયો પણ ગુજરાતમાં ઉત્તર વિભાગના કમિશનર મિ. ગૅરેટે જેમણે લડત દરમ્યાન હરાજીઓ કરેલી અને જેમણે પોતે ખરીદનારાઓને ખાતરી આપેલી એટલું જ નહી પણ ગવર્નરની પણ ખાતરી મેળવી આપેલી, તેઓ આ વખતે પણ કમિશનર હોઈ તેમની મારફત આ મિલકતો પાછી મેળવવાનું કામ કરવાનું હતું. એટલે તેમણે કામ પાટે ચડવા જ દીધું નહીં. દાખલા તરીકે સરદાર ગાર્ડા નામના એક ગૃહસ્થે બારડોલી અને જલાલપુર તાલુકાની ૪૦૦ એકર જમીન માત્ર પાંચ હજાર રૂપિયામાં ખરીદેલી, તેણે એ જમીનના સાડા ત્રણ લાખ રૂપિયા માગ્યા. સરદાર ગાર્ડાના કહેવા પ્રમાણે મિ. ગૅરેટે તેમને રૂપિયા અઢી લાખ આપવાનું કહેલું પણ કૉંગ્રેસ સરકારે એ રકમ કબૂલ ન રાખી અને બહુ બહુ તો રૂપયા બાર હજાર આપી શકાય એમ કહ્યું. આમ મિ. ગૅરેટ સોદો થવા દેવામાં ગચ્ચાં નાખતા. છતાં ખેડા જિલ્લામાં થોડી જમીન મિ. ગૅરેટની ઉશ્કેરણી છતાં ખરીદનારાઓએ પોતે આપેલી મૂળ કિંમતે ખેડૂતોને પાછી આપી દીધી. પણ ઘણીખરી જમીન તો બાકી જ રહી હતી. એટલે એક વરસ રાહ જોયા પછી ૧૯૩૮ના ઑક્ટોબરમાં સરકારે એ મિલકતો પાછી લેવા કાયદો પસાર કર્યો. તેમાં એવું ઠરાવવામાં આવ્યું કે હાઈકોર્ટના જજના દરજ્જાના અમલદારને લવાદ નીમી તેની પાસે મિલકતની કિંમત નક્કી કરાવી એ કિંમત સરકારે ખરીદનારને આપી દેવી અને મિલકત તેના મૂળ માલિકને પાછી સોંપી દેવી. મિલકતની કિંમત ઠરાવવા માટેનું ધોરણ પણ કાયદામાં નક્કી કરવામાં આવ્યું. ખરીદનારે જે કિંમત આપી હોય તે ઉપરાંત તેણે જે જમીનમહેસૂલ ભર્યું હોય અને જમીન સુધારવામાં કંઈ