આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૭
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૧

ન આવે ત્યાં સુધી ત્યાં રાજદ્વારી ચળવળ ઉપાડવાથી ત્યાંની પ્રજા વધારે મુશ્કેલીમાં મુકાશે. દેશી રાજાઓમાં પોતાની શક્તિ તો કશી નથી, તેઓ જે કંઈ જોર બતાવવાનો દેખાવ કરે છે તેનો બધો આધાર બ્રિટિશ સંગીન (બૅયોનેટ) ઉપર છે. દેશી રાજ્યની પ્રજા પોતાના રાજાઓની સામે લડત ઉપાડશે તો એ પ્રજાને કચડી નાખવામાં બ્રિટિશ સરકાર પૂરેપૂરી મદદ કરશે અને જોર જુલમ કર્યાની બદનામીનો બધો ટોપલો દેશી રાજાઓને માથે ઓઢાડશે. તેથી ઊલટું આપણે બ્રિટિશ સરકારની સામે લડત ચલાવીને તેની સત્તા તોડી પાડીશું તો એ સત્તાનો આધાર ખસી જતાં, દેશી રાજાઓની સત્તા આપોઆપ તૂટી પડશે. આ તેમની વિચારસરણી હતી. તેથી ૧૯ર૯ની નાગપુર કૉંગ્રેસમાં જ્યારે ગાંધીજીએ કૉંગ્રેસનું બંધારણ ઘડ્યું ત્યારે દેશી રાજ્યોની હદમાં કૉંગ્રેસ સમિતિઓ રચવાને બદલે પડોશના બ્રિટિશ મુલકની કૉંગ્રેસ સમિતિઓમાં દેશી રાજ્યની પ્રજાએ દાખલ થવું એવી ગોઠવણ રાખવામાં આવી. દેશી રાજ્યમાં કૉંગ્રેસ કમિટીઓ સ્થાપવાનું ગાંધીજીને સલાહભરેલું લાગતું ન હતું, કારણ કોઈ રજવાડું પોતાને ત્યાં કૉંગ્રેસ કમિટી સ્થાપવા ન દે અથવા સ્થપાઈ હોય તેનો વિરોધ કરે તો કૉંગ્રેસે પોતાની આબરૂની ખાતર એની સામે થવું પડે. અને કૉંગ્રેસને રજવાડાં સાથે આવા ઝઘડામાં ઉતારવાનું તેમને યોગ્ય લાગતું નહોતું. પણ બ્રિટિશ સરકારના તાબાનો મુલક અને દેશી રજવાડાના તાબાનો મુલક એકબીજા સાથે એટલો ગૂંથાયેલો હતો, અને બંને હદમાં રહેતી પ્રજા તો એક જ હતી, કે એ બેની વચ્ચે ભેદ પાડવો બહુ મુશ્કેલ હતો. રાજ્યતંત્ર ભલે જુદાં પણ પ્રજા વચ્ચે તો કશો જ ભેદ ન હતો. ૧૯૩૪ પછી દેશી રાજ્યની પ્રજામાં વિશેષ જાગૃતિ આવી ત્યારે એ લોકોએ કૉંગ્રેસ પાસે એવી માગણી કરવા માંડી કે, હવે કૉંગ્રેસે પોતાની નીતિ બદલવી જોઈએ અને બ્રિટિશ હિંદની માફક રજવાડાંઓમાં પણ સ્વતંત્રતાની લડત ચલાવવી જોઈએ. દેશી રાજ્યની પ્રજાની આ માગણી સ્વીકારવાનું કૉંગ્રેસને પોતાના ગજા ઉપરવટને લાગતું હતું. જોકે, દેશી રાજ્યની પ્રજાને મદદ કરવા પોતાથી થાય એટલું કરવા તે બરાબર તૈયાર હતી. તેને પરિણામે હરિપુરા કૉંગ્રેસમાં દેશી રાજ્યો પ્રત્યે કૉંગ્રેસની નીતિનો જે ઠરાવ થયો તે આપણે જોઈ ગયા છીએ.

વળી સને ૧૯૩પનો હિંદના રાજ્યબંધારણનો કાયદો બ્રિટિશ પાર્લમેન્ટે પસાર કર્યો તેમાં પ્રાંતોને ધણી બાબતમાં આંતરિક સ્વરાજ આપ્યું હતું પણ મધ્યવર્તી તંત્ર, બ્રિટિશ પ્રાંતો તથા દેશી રાજ્યોના સમૂહતંત્રના સ્વરૂપનું રચવાનું હતું. એ બંધારણ અનુસાર દિલ્હીની જે વડી ધારાસભા બનવાની હતી તેમાં બે ભાગ બ્રિટિશ હિંદના પ્રતિનિધિઓનો અને એક ભાગ દેશી