આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૦
સરદાર વલ્લભભાઈ

રાજ્યમાં જ્યાં તેમનું વતન હતું ત્યાં પ્રવેશ કરવાની તેણે જમનાલાલજીને મના કરી. જમનાલાલજીએ એ હુકમનો ભંગ કર્યો અને રાજ્યે તેમને જેલમાં બેસાડ્યા. ઓરિસાના ધેનકલાલ, તલચેર અને રણુપુર રાજ્યોમાં રાજ્યના અમાનુષી જુલમો સામે પ્રજાએ માથું ઊંચક્યું. તલચેરની ૭૫,૦૦૦ની વસ્તીમાંથી ર૬,૦૦૦ માણસોએ હિજરત કરી રાજ્યનો ત્યાગ કર્યો. ઓરિસા બહુ નાનો અને ટૂંકી આવકવાળો પ્રાંત છે. તેના ઉપર આ હિજરતીઓને આશ્રય આપવાનો બોજો આવી પડ્યો. વળી રણપુર રાજ્યની હદમાં એ રાજ્યોના ગોરા પાલિટિકલ એજંટનું ખૂન થયું. બસ, એક ગોરાનું લોહી રેડાય એટલે તો બ્રિટિશ સલ્તનત જાણે ત્યાં તૂટી પડે. એટલે આ રાજ્યની પ્રજા ઉપર બેસુમાર સિતમ વર્ત્યો. દક્ષિણમાં હૈદરાબાદ, મૈસુર અને ત્રાવણકોર રાજ્યોમાં સ્ટેટ કૉંગ્રેસો સ્થપાઈ અને તેમણે જવાબદાર રાજ્યતંત્રો માટે જોરદાર લડત આપી. ગુજરાત અને કાઠિયાવાડમાં નાનાંમોટાં ઘણાં રાજ્યોમાં પ્રજામંડળો સ્થપાયાં અને તેમણે રાજ્યોનો મજબૂત વિરોધ કરવા માંડ્યો. દખણમાં ઔંધના રાજ્યે પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર આપવાની પહેલ કરી, રાજ્યમાં ઘણા સુધારા કર્યા અને રાજકુટુંબે પ્રજાની ઉન્નતિનાં કામોમાં આગળપડતો ભાગ લેવા માંડ્યો.

દેશી રાજ્યોમાં આવેલી આ જાગૃતિને કારણે અને ત્યાંની પ્રજાએ બતાવેલા અપૂર્વ ઉત્સાહ અને વીરતાને કારણે સરદાર તથા ગાંધીજીને દેશી રાજ્યોની પ્રજાઓ વિષેનો પોતાનો અભિપ્રાય બદલવો પડ્યો અને તેમના પ્રત્યેની કૉંગ્રેસની નીતિમાં ફેરફાર કરવાની તેમણે સલાહ આપી. કૉંગ્રેસે હવે તટસ્થ ન રહેતાં દેશી રાજાઓ સામેની લડતોમાં ત્યાંની પ્રજાને સાથ આપવો જોઈએ એમ તેમણે કહ્યું. તે વખતે જે જે પ્રાંતમાં કૉંગ્રેસનાં પ્રધાનમંડળ હતાં તેઓ પણ પોતાના પ્રાંતમાંનાં દેશી રાજ્યોમાં ચાલતા જુલમને શાંતિથી જોયા કરી શકે નહીં એવો તેમણે અભિપ્રાય આપ્યો. ભલે કાયદાની દૃષ્ટિએ દેશી રાજ્યની હદ અલગ ગણાતી હોય, પણ કુદરતી અને ભૌગોલિક રીતે તો દેશી રાજ્યો પ્રાંતો સાથે જોડાયેલાં જ હતાં. વળી દેશી રાજ્યોના રાજકારણમાં કૉંગ્રેસે ન પડવાનો ઠરાવ કર્યો હતો એ કાંઈ તેને માટે સિદ્ધાંતની વસ્તુ નહોતી. દેશી રાજ્યોની પરિસ્થિતિનો અને પોતાની તાકાતનો વિચાર કરીને તેણે પોતાને માટે એ નીતિ ઠરાવી હતી. સિદ્ધાંત સદાકાળને માટે અટળ હોય પણ નીતિમાં સંજોગ અનુસાર ફેરફાર થઈ શકે અને ડાહ્યા માણસે એવા ફેરફાર કરવા જ જોઈએ.

ગાંધીજીએ તા. ૨૫-૧-’૩૯ના રોજ ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના પ્રતિનિધિને તેના સવાલના જવાબમાં આ વસ્તુ નીચે પ્રમાણે સમજાવી હતી :