આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭
સબરસ સંગ્રામ

અને અમે અમુક તારીખથી ઉપવાસ શરૂ કરવાના છીએ. My health is improving એટલે અમારી માગણી સ્વીકારાવાની આશા છે. I am patient about my health એટલે હાલ ધીરજ રાખવી. આવી ગમત જેલમાં ચાલતી હતી.

સરદારે ધાર્યું હતું તેમ તેઓ પોણા ચાર મહિના સાબરમતીમાં રહી તા. ર૬મી જૂને બહાર આવ્યા.


સબરસ સંગ્રામ

સરદાર રાસ ગામેથી પકડાયા હોવાથી ત્યાંના લોકો ઠીક ઠીક રોષે ભરાયા. તેઓ એમ પણ માનતા થયા હતા કે આપણે ગામેથી સરદારને પકડ્યા માટે લડતને અંગે આપણી જવાબદારી વિશેષ છે. લડત ચાલુ થયા પછી એ ગામના આગેવાન શ્રી આશાભાઈને પકડવામાં આવ્યા. એટલે તા. ૨૧-૪-’૩૦ ના રોજ રાસ ગામની પ્રજાએ એકત્ર થઈ નીચેનો ઠરાવ એકમતે કર્યો :

“સરકારે સરદાર શ્રી વલ્લભભાઈને અમારે ગામથી ગેરકાયદે પકડ્યા, દરબાર શ્રી ગોપાળદાસભાઈ અને તાલુકાના તેમ જ જિલ્લાના બીજા આગેવાનોને અમારા તાલુકામાં પકડ્યા, તથા અમારા ગામના આગેવાન ભાઈ શ્રી આશાભાઈ ઉપર જૂઠું તહોમત મૂકી કેદ કર્યા, તેમ જ આ બધા ઉપર ન્યાયનું નાટક ભજવી દ્વેષપૂર્વક આકરી સજાઓ કરી. તેથી જ્યાં સુધી સરકાર વગર શરતે એ સજાઓ રદ્દ કરીને એ બધાને જેલમાંથી છૂટા કરે નહીં ત્યાં સુધી અમારું આ રાસ ગામ સરકારને જમીન મહેસૂલ ભરશે નહીં.”

ઉપર પ્રમાણે ઠરાવો બોરસદ તાલુકાનાં બીજાં પણ કેટલાંક ગામાએ કર્યો તથા બારડોલી તાલુકાનાં ઘણાં ગામોએ જમીનમહેસૂલ નહીંં ભરવાનો નિરધાર કર્યો. ગાંધીજીએ આ વિષે ખાસ કરીને રાસ ગામને સલાહ આપતાં લખ્યું :

“મહેસૂલ ન ભરવાની વાત સરકાર સાંખે તેમ નથી. મહેસૂલ ન ભરવાનું પગલું ભરવાનો ક્રમ હજુ શરૂ નથી થયો. પણ જેને હિંમત હોય તે ભલે ન ભરે. કરાડીના પાંચા પટેલે એકલાએ તેમ કર્યું જ હતું ના ! પણ આમ કરનાર પોતે ભારે જોખમ ખેડે છે એ સમજી લે. ઘરબાર, ઢોરઢાંખર વેચાઈ જાય તો લોકોએ નવાઈ ન માનવી. બારડોલીની જેમ ખેડામાં નહીં થઈ શકે. બારડોલીની લડાઈ જુદા પ્રકારની અને સંકુચિત હતી. તે એક હક મેળવવાની હતી, આ હકૂમત છીનવવાની છે. બેની વચ્ચે આસમાન જમીનનું અંતર છે.