આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૨
સરદાર વલ્લભભાઈ


“કૉંગ્રેસનો એ અભિપ્રાય છે કે હરિપુરાના અધિવેશનમાં દેશી રાજ્યો વિષે પસાર થયેલા ઠરાવમાં જે અપેક્ષા રાખવામાં આવી હતી તે ફળીભૂત થઈ છે. દેશી રાજ્યની પ્રજાઓને પોતાનું સંગઠન કરવાનું તેમ જ સ્વતંત્રતાની લડત ચલાવવાનું ઉત્તેજન આપીને એ ઠરાવે પોતાનું વાજબીપણું પુરવાર કર્યું છે. હરિપુરાની નીતિ, એ પ્રજાના હિતનો વિચાર કરીને તથા તેમનામાં સ્વાશ્રય અને શક્તિ વધે એ હેતુથી ઘડવામાં આવી હતી. સંજોગો ઓળખીને અને એ સંજોગોમાં જે મર્યાદાઓ સ્વાભાવિક રીતે રહેલી હતી તેનો સ્વીકાર કરીને એ નીતિ ઘડાઈ હતી. એ નીતિ એક સિદ્ધાંતરૂપ અથવા ધર્મરૂપ છે એ ખ્યાલ હતો જ નહીં. દેશી રાજ્યોની પ્રજાને માર્ગદર્શન આપવાનો તથા પોતાની પ્રતિષ્ઠાનો લાભ આપવાનો કૉંગ્રેસને હક્ક છે એટલું જ નહીં પણ એ તેનો ધર્મ છે. પણ સ્વેચ્છાએ તેણે પોતાની ઉપર અમુક મર્યાદાઓ મૂકી હતી. હવે દેશી રાજ્યની પ્રજામાં જે ભારે જાગૃતિ આવી છે તે જોતાં એ મર્યાદાઓ પૂરેપૂરી દૂર કરવાનો વખત આવી લાગ્યો છે. એને પરિણામે કૉંગ્રેસ દેશી રાજ્યની પ્રજા સાથે સતત વધતું જતું તાદાત્મ્ય સાધે એ જરૂરનું છે.
“કૉંગ્રેસ ફરી વાર જાહેર કરે છે કે પૂર્ણ સ્વરાજ્યનું તેનું ધ્યેય સમસ્ત હિંદુસ્તાનને માટે છે એટલે કે દેશી રાજ્યોનો તેમાં સમાવેશ થઈ જાય છે. એ રાજ્યો હિંદુસ્તાનનાં અવિભાજ્ય અને અળગાં ન પાડી શકાય એવાં અંગો છે અને હિંદુસ્તાનના બાકીના ભાગ જેટલી જ રાજકીય, સામાજિક અને આર્થિક સ્વતંત્રતા એમને પણ મળવી જોઈએ.”

જુદાં જુદાં દેશી રાજ્યોમાં સને ૧૯૩૮–૩૯નાં વર્ષોમાં ચાલેલી પ્રજાકીય લડતનો ઇતિહાસ બહુ રસપ્રદ છે. સરદાર એ બધી લડતોમાં બહુ રસ લેતા અને તેની ઝીણામાં ઝીણી વિગતોથી માહિતગાર રહેતા. પણ આ પુસ્તકમાં આપણે તો જે લડતોમાં તેમણે પ્રત્યક્ષ કે પરોક્ષ ભાગ લીધો છે તેની જ વિગતો આપીશું. શરૂઆત મૈસુરથી કરીશું.

મૈસૂરનું દેશી રાજ્ય આપણા દેશનાં મોટાં રાજ્યમાંનું એક હતું. એ રાજ્યમાં કેળવણીનું પ્રમાણ ઘણું સારું હતું. અને ત્યાંના લોકો પણ ઉત્સાહી હતા. ત્યાંની સ્ટેટ કૉંગ્રેસનું આખું બંધારણ રાષ્ટ્રીય કૉંગ્રેસના જેવું જ તેમણે રાખ્યું હતું. સને ૧૯૩૮ના જાન્યુઆરીની ૨૬ મી તારીખે આખા રાજ્યમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવાનો સ્ટેટ કૉંગ્રેસે ઠરાવ કર્યો. સ્થળે સ્થળે રાષ્ટ્રીય કૉંગ્રેસના વાવટા ફરકાવી ધ્વજવંદનનો કાર્યક્રમ તેમણે ૨ાખ્યો. રાજ્યે આની સામે દમનનાં પગલાં લેવા માંડ્યાં. એને અંગે સ્ટેટ કૉંગ્રેસને રાજ્ય સાથે નાના નાના ઝઘડા થવા માંડ્યા. તેમાંથી એપ્રિલ માસમાં ત્યાં એક એવો કરુણ હત્યાકાંડ બની ગયો, જેણે આખા હિંદુસ્તાનનું ધ્યાન ખેંચ્યું. બૅંગલોરથી લગભગ પચાસ માઈલ દૂર વિદુરાશ્વત્થમ નામનું એક નાનું ગામડું છે. ત્યાં એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં મોટી જાત્રા ભરાય છે અને