આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨૩
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૧

દરરોજ લગભગ વીસેક હજાર માણસ એકઠું થાય છે. સરકારને એમ લાગ્યું હશે કે એ જાત્રામાં સ્ટેટ કૉંગ્રેસવાળાઓ આવીને ભાષણો કરશે તથા રાષ્ટ્ર ધ્વજ સાથે સરઘસો કાઢશે એટલે પહેલેથી જ ત્યાંના જિલ્લા મૅજિસ્ટ્રેટે એ વિસ્તારમાં રાષ્ટ્રધ્વજ ચડાવવાની, સભાઓ કરવાની, તથા ભાષણો કરવાની બંધી કરનારો હુકમ કાઢ્યો હતો. એ હુકમને પડકાર આપવા માટે તા. રપમી એપ્રિલના રોજ સ્ટેટ કૉંગ્રેસના કેટલાક માણસો પાસેના ગામમાંથી મોટું સરઘસ કાઢીને વિદુરાશ્વત્થમ ગયા અને ત્યાં સભા કરી જેમાં દસથી પંદર હજાર માણસ હાજર હતાં. મૅજિસ્ટ્રેટ ત્યાં જઈ પહોંચ્યા. સભા ગેર - કાયદે હોવાનું જાહેર કરી જેમના હાથમાં રાષ્ટ્રધ્વજ હતો તેવા ચાર માણસની તેમણે ધરપકડ કરી, અને સભાને વીખરાઈ જવાનો હુકમ કર્યો. મૅજિસ્ટ્રેટની સંમતિથી જ સ્ટેટ કૉંગ્રેસના એક આગેવાને સભાને સુચના કરી કે આપણો હેતુ પાર પડ્યો છે. માટે તમે બધાં વીખરાઈ જાઓ. તે ઉપરથી જેઓ સરઘસમાં આવ્યા હતા તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. જેઓ જાત્રા માટે આવેલા હતા તેઓ તાપ ખૂબ હોવાથી અને બીજી કોઈ છાંયાવાળી જગ્યા નહીં હોવાથી એ સભાસ્થળ પાસેના આંબાવાડિયામાં બેસી ગયા. મૅજિસ્ટ્રેટે એ બધાં માણસોને પણ પાંચ મિનિટમાં ત્યાંથી વીખરાઈ જવાનો હુકમ કર્યો. લોકોએ ઘણું કહ્યું કે, અમે તો જાત્રા માટે આવેલા છીએ અને બીજે કોઈ જગ્યાએ છાંયો નથી તેથી અહીં બેઠાં છીએ. સાંજ પડ્યે અહીંથી જતાં રહીશું. પણ મૅજિસ્ટ્રેટને લાગ્યું કે આ લોકોને આમ બેસી રહેવા દેવાથી આપણા હુકમનો અમલ થયો ગણાશે નહીં. એટલે બધાંને એકદમ વીખરાઈ જવાનો આગ્રહ કર્યો. અને પાંચ જ મિનિટ રાહ જોઈ એમના ઉપર લાઠીચાર્જ કર્યો. મૈસૂર સરકાર તરફથી આ બાબતમાં બહાર પડેલા નિવેદન પ્રમાણે લોકો સામા થયા અને પોલીસને ઘેરી લઈ તેમના ઉપર પથરા મારવા માંડ્યા, જેને પરિણામે કેટલાક પોલીસને ઈજા થઈ એટલે પોલીસને આત્મરક્ષણ માટે ગોળીબાર કરવો પડ્યો. નજરે જોનાર માણસો તરફથી બીજે જ દિવસે છાપામાં બહાર પડેલાં નિવેદનો પ્રમાણે લાઠીચાર્જ પછી થોડી જ વારમાં પોલીસે ગોળીબાર કર્યો. મૈસુર સરકારના કહેવા પ્રમાણે એ ગોળીબારમાં દસ માણસો મરાયા અને ચાળીસ ઘાયલ થયા. જ્યારે પ્રજાપક્ષનાં નિવેદને પ્રમાણે ઓછામાં ઓછાં બત્રીસ માણસ મરાયાં અને અડતાળીસ ગંભીર રીતે ઘાયલ થયાં. ત્યાં આ આંબાવાડિયા સિવાય છાંયાવાળી જગ્યા બીજી કોઈ હતી જ નહીં, એટલે ગોળીબાર વખતે નાસભાગમાં ઘણા લોકો તો પાસેની નદીના પટની ગરમ રેતીમાં જઈ પડ્યા. મડદાં અને ઘાયલ થયેલા લોકો તથા એમનાં