આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨૬
સરદાર વલ્લભભાઈ


આ સમાધાનનું જાહેરનામું મૈસૂર સરકારે તા. ૧૭મી મેના રોજ પ્રસિદ્ધ કર્યું. તેના ઉપર કૉંગ્રેસની કારોબારી સમિતિએ નીચે પ્રમાણે ઠરાવ કર્યો :

“મૈસૂર રાજ્યમાં વિદુરાશ્વત્થમની નજીક નિઃશસ્ત્ર ટોળાં પર જે ગોળીબાર થયો તેને વિષેનાં પ્રજાકીય તેમ જ સરકારી બન્ને બયાન કારોબારી સમિતિએ વાંચ્યાં છે. રાજ્યના અધિકારીઓને ગોળીબાર કરવાની જરૂર લાગી એ હકીકત વિષે આ સમિતિ અફસોસ પ્રગટ કરે છે. અને ગોળીબાર થવાનાં કારણોની તપાસ કરવાને મૈસૂર સરકારે સમિતિ નીમી છે, એ જોતાં કારોબારી સમિતિ એ હત્યાકાંડ વિષે કશે અભિપ્રાય પ્રગટ કરતી નથી. પણ કારોબારી સમિતિ માને છે કે મહારાજા સાહેબે એમના રાજ્યમાં જવાબદાર રાજ્યતંત્ર સ્થાપવું જોઈએ, જેથી કાયદા અને સુવ્યવસ્થાની જવાબદારી ગોળીબાર કરવાની જરૂર જણાય ત્યારે તેની પણ, પ્રજાને જવાબદાર એવી સરકાર ઉઠાવે. મરી ગયેલા માણસોનાં કુટુંબો પ્રત્યે કારોબારી સમિતિ દિલસોજી પાઠવે છે અને જેમને ઈજા થઈ છે તેમના પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરે છે.

"સરદાર વલ્લભભાઈ પટેલે અને આચાર્ય કૃપાલાનીએ મૈસૂર રાજ્ય અને મૈસૂર સ્ટેટ કૉંગ્રેસની વચ્ચે કરાવેલા સમાધાનને કારોબારી સમિતિ બહાલ રાખે છે. સમાધાનનો અમલ કરવાને સારુ મૈસૂર સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું છે, તેની કારોબારી સમિતિ સંતોષપૂર્વક નોંધ લે છે અને મહારાજા તથા તેમના સલાહકારો જે ત્વરાથી સમાધાનનો અમલ કરી રહ્યા છે, તેને સારુ તેમને અભિનંદન આપે છે. કારોબારી સમિતિ આશા રાખે છે કે મૈસૂર સ્ટેટ કૉંગ્રેસ પણ સમાધાનનો કડકાઈથી અમલ કરશે.

"રાષ્ટ્રધ્વજ ફરકાવવાના સવાલની બાબતમાં કારોબારી સમિતિ આશા રાખે છે કે, મસુર સ્ટેટ કૉંગ્રેસ તરફથી રાજ્ચના ધ્વજનું અને રાજ્યના અધિકારી તરફથી રાષ્ટ્રધ્વજનું અપમાન થાય એવું કશું કામ ન કરવાની કાળજી રાખવામાં આવશે. રાષ્ટ્રધ્વજની આબરૂનો છેવટનો આધાર પરાણે એને માન આપવાની શક્તિ પર નહીં રહે, પણ કૉંગ્રેસીઓના શુદ્ધ આચરણ પર અને કૉંગ્રેસ દેશમાં જે સેવાકાર્ય કરે તેના પર રહેશે. વળી એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, રાષ્ટ્રધ્વજ એ અહિંસાનું અને કેવળ સત્ય અને અહિંસામય સાધન વડે સધાનારા કોમી ઐક્ચનું પ્રતીક છે. વળી એ પણ ધ્યાનમાં રખાવું જોઈએ કે કૉંગ્રેસીઓમાં એક એવો પક્ષ વધતો જાય છે, જે દેશી રાજાને મધ્યયુગના અવશેષરૂપ માની તેમનો સંપૂર્ણ નાશ કરવા ઇચ્છે છે. પણ કૉંગ્રેસની નીતિ અત્યાર સુધી દેશી રાજા પ્રત્યે મિત્રાચારીની રહી છે; અને હજી પણ રહેશે. એની પાછળ આશા એ રહેલી છે કે, તેઓ યુગધર્મને ઓળખશે, પોતાની હદમાં જવાબદાર રાજ્યતંત્ર સ્થાપશે અને પોતાની હકૂમતમાંની સ્વતંત્રતા બીજી રીતે વધારશે ને તેની રક્ષા કરશે.”

મૈસૂરનું આ પ્રકરણ ચાલતું હતું તે વખતે ઉત્તર ગુજરાતના એક નાના માણસા રાજ્યમાં ખેડૂતો અને રાજ્ય વચ્ચે એક બહુ તીવ્ર લડત ચાલી