આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩૦
સરદાર વલ્લભભાઈ


પ્રજા હિસ્સો લઈ શકે તે માટે તેમણે રાજકોટમાં એક પ્રજાપ્રતિનિધિ સભા સ્થાપી હતી. અને તેની સલાહ પ્રમાણે તેઓ રાજ્યકારભાર ચલાવતા. પણ તેમના પુત્ર દીવા પાછળ અંધારું નીવડ્યા. તેમને રાજકોટની રાજકુમાર કૉલેજમાં કેળવણી મળી હતી. સરદાર કહેતા કે, “ એ કોલેજમાં તો માણસનું જાનવર બનાવવામાં આવે છે. જેને અનેક જાતના દારૂઓનાં નામ આવડે અને પીતાં આવડે તે ત્યાં હોશિયાર ગણાય. ત્યાં તો રૈયતથી અલગ કેમ રહેવું તે શીખવવામાં આવે છે.” ત્યાં કેળવણી લીધા પછી તેઓ વિલાયત ગયા. એ વિષે સરદારે કહ્યું છે કે, “ અહી જાનવર જેવા બનાવ્યા પછી ઈંગ્લંડ લઈ જવામાં આવે છે. મેં તો જોયું છે કે ત્યાંથી આવેલા રાજ કેટલાય ગમાર થઈને આવે છે. આવું જ રાજકોટના રાજાનું બનેલું. તેઓ વેશ્યાઓના નાચગાનમાં અને દારૂમાં હમેશાં ચકચૂર રહેતા. તેમના દીવાન દરબાર વીરાવાળા કરીને હતા, તેમની આંખે જ તેઓ બધું જોતા અને તે પિવડાવે એટલું જ પાણી પીતા. બાપ મૂકી ગયેલા તે મૂડી અને રાજ્યની ઊપજમાંથી જમા થયેલી રકમ તેમણે ભોગવિલાસમાં ઉડાવી નાખી. જોતજોતામાં તિજોરીનું તળિયું દેખાયું.

આપણે આગળ જોઈશું કે રાજકોટની લડતમાં ગાંધીજીને પણ ભાગ લેવો પડ્યો હતો. એટલું જ નહીં પણ રાજાનું વચન પળાવવા ખાતર તેમને ઉપવાસ આદરવા પડેલા. એને લીધે નાનું અમથું રાજકોટ કેવળ હિંદુસ્તાનમાં જ નહીં પણ આખી દુનિયામાં ગવાયું.

રાજ્ય નાનું અને ઉપર કહ્યું તેમ ખર્ચ આંધળું એટલે દીવાને આવક વધારવાના અવળા માર્ગો લેવા માંડ્યા. શહેરમાં દીવાસળી, ખાંડ, બરફ, સિનેમાઘરોના ઈજારા આપવા માંડ્યા. દાણા માર્કેટ જેવાં મકાનો વેચવા કાઢ્યાં. શહેરનું પાવર હાઉસ ગીરો મૂકવાની વાત ચાલી. 'કાર્નિવલ' નામની મોજશોખ અને રમતગમતની એક સંસ્થાને રાજકોટમાં નોતરી. એને જુગાર ખેલવાનો ઈજારો આપીને તેમાંથી પૈસા પેદા કરવાબો રસ્તો ઊભો કર્યો. ખેડૂતોની ખેતી જાતજાતના કરવેરાને લીધે પાયમાલ થઈ ગઈ. શહેરના વેપારરાજગાર ભારે જકાતોને લીધે ખોરવાઈ ગયા. ભોગવિલાસની પાછળ લખલૂટ ખર્ચ થયું. આમ આખા રાજ્યમાં અંધેર વ્યાપી ગયું. તેવામાં એક નાનું છમકલું બન્યું તેમાંથી આ જગવિખ્યાત લડતના મંડાણ મંડાયાં. રાજ્યની માલિકીની એક કાપડની મિલ રાજકોટમાં હતી. તેમાં મજૂરો પાસે ચૌદ કલાક કામ લેવાતું. એ હાલત ન સાંખી શકાતાં મજૂરોએ પોતાનું સંગઠન કર્યું. દરબાર વીરાવાળાએ હુકમ આપ્યો કે મજૂરોને સીધા કરો, તોફાનીઓને હદપાર કરો, ઢીલાપોચાને દાટી આપો અને બાકીનાને સમજાવો.