આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
સબરસ સંગ્રામ


“મને તો એમ જ લાગે છે કે સત્તાનો તીક્ષ્ણ પંજો પૂરેપૂરો ખુલ્લો કરવાનું આપને આમંત્રણ ન આપું તો હું કાયર ગણાઉં. જે લોકો અત્યારે સંકટો સહન કરી રહ્યા છે, અને જેમની માલમિલકત ફના થઈ રહી છે, તેમને એમ ન જ લાગવું જોઈએ કે, આ લડત કે જેને પરિણામે સરકારનું ખરું પોત પ્રકાશ્યું છે તે ઉપાડવામાં જેનો મુખ્ય હાથ હતો તેવા મેં ચાલુ પરિસ્થિતિમાં સત્યાગ્રહનો કાર્ચક્રમ જેટલો અમલમાં મૂકી શકાય તેટલો અમલમાં મૂકવા માટે કશું કરવું બાકી રાખ્યું છે.”

આ કાગળ ગયો એટલે ગાંધીજીને પકડવામાં આવ્યા. છતાં ધરાસણા ઉપર ૧પમી મેથી હલ્લા તો શરૂ થયા જ, અને ત્રણ અઠવાડિયાં એટલે વરસાદ આવ્યો ત્યાં સુધી ચાલુ રહ્યા. તે દરમ્યાન ત્રણ હજાર ઉપરાંત સત્યાગ્રહીઓનાં માથાં ફૂટ્યાં અને બે ભાઈઓના પ્રાણ ગયા. ધરાસણામાં કેવો હત્યાકાંડ થયો તે માટે નજરે જોનારાઓએ કરેલાં બે વર્ણન અહીં આપીશું.

મુંબઈની સ્મોલ કૉઝીઝ કૉર્ટના નિવૃત્ત જજ મિ. હુસેન, વિખ્યાત વૃત્તવિવેચક શ્રી કે. નટરાજન અને સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના શ્રી દેવધરે ધરાસણાનો એક હલ્લો જાતે જોયા પછી નીચેનું નિવેદન બહાર પાડ્યું હતું :

“મીઠાના અગર આગળની વાડ પાસેથી સત્યાગ્રહીઓને મારી હઠાવ્યા પછી યુરોપિયન ઘોડેસવારો હાથમાં લાઠી સાથે મારતે ઘોડે દોડ્યા. રસ્તામાં જે લોકો મળે તેને તેઓ લાઠી ફટકારતા પછી ગામની ગલીઓમાં પણ તેમણે ઘોડા દોડાવ્યા. લોકો આમતેમ ભાગીને ઘરમાં ભરાઈ જવા લાગ્યા. જે માણસ બહાર રહેતો તેને તેઓ લાઠી મારતા.”

‘ન્યૂ ફ્રી મૅન’ નામના પત્રના ખબરપત્રી લખે છે :

“બાવીસ દેશમાં અઢાર વર્ષ થયાં મેં ખબરપત્રીનું કામ કર્યું છે. તેમાં મેં ઘણા લોકોનાં તોફાન, બળવા અને રસ્તા ઉપરની લડાઈઓ જોઈ છે. પણ ધરાસણામાં મેં જેવાં હૃદયવિદારક દૃશ્યો જોયાં તેવાં ક્યાંય જોયાં નથી. કેટલીક વાર તો એ દૃશ્યો જોતાં મને એટલી વેદના થતી કે હું ઘણીવાર ત્યાંથી ખસી જતો. ત્યાં મેં સ્વયંસેવકોની જે શિસ્ત જોઈ તે અદ્‌ભુત હતી. મને તેઓ ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતથી પૂરેપૂરા તરબોળ થયેલા જણાયા.”

દરમ્યાન દારૂના પીઠાં ઉપર અને પરદેશી કાપડની દુકાનો ઉપર બહેનોનું પિકેટિંગ બહુ અસરકારક નીવડ્યું હતું. એ કામ ગાંધીજીએ ભારે વિચારપૂર્વક બહેનોને સોંપ્યું હતું. તેમાં અખૂટ ધીરજ, અપાર ખંત અને ભારે ખામોશીની જરૂર હતી, જે બહેનો જ સારી રીતે બતાવી શકે. ઝીણી ઝીણી અગવડો અને કનડગતો વેઠીને અખંડ ચોકી કરતાં શાંત બેસી રહેવામાં પુરુષ કદાચ કંટાળી જાય. પણ બહેનોએ કંટાળ્યા વિના એ કામ કર્યું અને સફળ