આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪૨
સરદાર વલ્લભભાઈ

ઉત્સાહ ફેલાયો અને કૅંડલને પહોંચી વળવા તેઓ કટિબદ્ધ થયા. ગામડાંઓમાં પણ સભાઓ અને સરઘસ નીકળવા માંડ્ચાં તથા રાજ્યના બહિષ્કારના પોકાર થવા માંડ્યા. કૅંડલની નીતિ એવી હતી કે શહેરને પહોંચી વળાશે પણ લડતની હવા ગામડાંમાં ન ફેલાવી જોઈએ. તેણે સૂચનાઓ આપી દીધી કે આવી સભાઓ અને સરઘસો લાઠીમારથી વિખેરી દેવાં અને પરિષદના કોઈ સ્વયંસેવકો ગામડે આવે તો તેમને મારી ઝૂડીને કાઢી મૂકવા. ફોજદારે મોટર લઈ ગામડે ગામડે ફરવા માંડ્યું અને રાજકોટથી આવતી સુચનાઓનો અમલ બરાબર કરવાની ગામના પસાયતાઓ અને પોલીસને તાકીદ આપવા માંડી. આ અરસામાં એક નિર્દોષ ખેડૂતનું ખૂન થયું. ખૂનીનો પત્તો લાગ્યો નહીં. પ્રજાને શંકા ગઈ કે રાજ્યના નોકરિયાતનો હાથ છે. રાજકોટના આગેવાનો તથા સ્વયંસેવકોએ આ શહીદ થયેલા ખેડૂતનું રાજકોટથી તે તેના ગામ સુધી ભારે મોટું સરઘસ કાઢ્યું. આ ખૂનના સમાચાર જાણી ગામડાં કકળી ઊઠ્યાં અને રાજય ઉપર ફિટકાર વરસાવવા લાગ્યાં. ગામડાંમાં પણ જુદા જુદા મહાલના ખેડૂતોનાં સંમેલન થવા માંડ્યાં અને ચળવળ વધુ ને વધુ જોર પકડવા માંડી. છેવટે તા. ૯મી નવેમ્બરે શ્રી ઢેબરભાઈને ફરીથી પકડવામાં આવ્યા. જે દિવસે તેઓ પકડાયા તે દિવસે આખા રાજકોટની પ્રજામાં એટલો ઉત્સાહ વ્યાપ્યો કે લોકો ટોળે વળી રાજ્ય સામે પોકાર કરવા લાગ્યા. દરરોજ જ્યાં સભા થતી ત્યાં સભા થઈ. સભાના આગેવાનને પકડે અને લોકોને વિખેરી નાખવામાં આવે. તે માટે અગિયાર વખત લાઠીચાર્જ કરવા પડ્યા. એમ કહીએ તો ચાલે કે તે આખો દિવસ રાજકોટમાં લાઠીચાર્જ ચાલે. તા. ૧૧મી નવેમ્બરે કાઠિયાવાડ પ્રજામંડળના આશ્રય નીચે મુંબઈમાં એક જાહેરસભા થઈ. તેમાં ભાષણ આપતાં સરદારે જણાવ્યું કે,

"ગઈ કાલે સવારે રાજકોટના સમાચાર વાંચ્યા અને હું નાચી ઊઠ્ચો. ગઈ કાલ સવારથી હું તો રસના ઘૂંટડા પીતો થઈ ગયો છે. રાજકોટમાં જે કાંઈ બન્યું તે ઉપરથી મને લાગ્યું કે ખરેખરી લડતનાં પગરણ હવે મંડાયાં ખરાં. સત્તા પચાવવાનું પૂરેપૂરું મૂલ્ય નથી આપ્યું ત્યાં સુધી કદી સત્તા મળી જાય તોપણ તે ગુમાવાઈ જાય. રાજકોટની પ્રજા આજે થોડુક લઈને રાજી થઈ જાય, તો રાજકોટના ખેડૂતોએ જે આશાઓ બાંધી છે તે કઈ રીતે પૂરી થવાની હતી ?

“ જેલમાં મોતની સજા પામેલા કેદીઓને ફાંસી દેવાને માટે કેદીઓમાંથી જ કેટલાકને ફાંસિયાઓ તરીકે પસંદ કરવામાં આવે છે. ફાંસી આપવા માટે તેમને પાંચેક રૂપિયા મળે છે, અને થોડાક દિવસની સજા માફ થાય છે. બરાબર આવા જ કોઈ માણસો રાજકોટ રાજયે રાખ્યા લાગે છે. બાર કલાકમાં તેમણે