આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૫૩
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨

“એવી સમજૂતી થઈ છે કે આજની તારીખના દરબારી જાહેરનામાની કલમ ૨ માં સમિતિના સાત પ્રજા સભ્યોનો જે ઉલ્લેખ છે, તેમનાં નામની ભલામણ સરદાર વલ્લભભાઈ પટેલે કરવાની છે અને અમારે તેની નિમણુક કરવાની છે.

ધર્મેન્દ્રસિંહ
 

તા. ર૬મીએ સવારે આખા રાજકોટ શહેરમાં અને આસપાસનાં ગામડાંમાં સમાધાનના સમાચાર પવનવેગે પહોંચી ગયા. બપોરે બે વાગ્યા સુધીમાં બધા સત્યાગ્રહી કેદીઓ પણ છૂટી ગયા. ત્રણેક વાગ્યે સત્યાગ્રહી કેદીઓનું વિજય સરઘસ નીકળ્યું. સભાસ્થાને સરધસ પહોંચ્યું ત્યારે ત્યાં માનવ મેદનીનો પાર નહોતો. આસપાસનાં ઘણાં શહેરોમાંથી પણ સમાધાનીની ખબર સાંભળી લોકો મોટરબસ અને રેલવે ટ્રેનો દ્વારા આવી પહોંચ્યા હતા. સરદારે ભાષણમાં પોતાનું હૈયું ઠાલવ્યું :

"આજનો પ્રસંગ રાજકોટના અને કાઠિયાવાડના ઇતિહાસમાં અપૂર્વ છે. આપણે તેની જવાબદારી અને મહત્ત્વ બરાબર સમજી લેવાં જોઈએ. રાજકોટમાં આજે એવી કઈ વસ્તુ પેદા થઈ છે કે આટલા લોકો, બહેનો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ, હર્ષઘેલા થાય છે ? એ વસ્તુ સ્વતંત્રતા છે. ઘણાં વર્ષ સુધી કાઠિયાવાડ ગુલામ રહેલ છે. આજે એને સ્વતંત્રતાની ઝાંખી થઈ છે.

“ ઘણા વખતથી મારા ઉપરનું કરજ ચૂકવવા ઇચ્છતો હતો. રાજકોટ – કાઠિયાવાડે એવા એક પુરુષની હિંદને ભેટ આપેલી છે, જેણે આખા દેશની સિકલ ફેરવી નાખી છે, જેણે સેંકડો વર્ષથી સૂતેલા દેશને સત્ય અને બલિદાનના પાઠ ભણાવી જાગ્રત કર્યો છે. એ પુરુષનો હું એક અદનો સિપાઈ છું. મારા ઉપર એનું ઋણ ચડેલું છે. આજે એ ઋણનો કંઈક બદલે વાળ્યાનો મને થોડાક સંતોષ થાય છે.

"પ્રજાએ જે જાગૃતિ, અપૂર્વ સંગઠન, અહિંસા, ત્યાગ અને કોમ કોમ વચ્ચેની એકતા બતાવી છે એ નમૂનો હિંદુસ્તાનમાં અનેક યુદ્ધોને ભુલાવે તેવો છે. તેથી હું મગરૂબ થાઉં છું અને તમને સૌને અભિનંદન આપું છું.

“ આજે રાજા સાથે સમાધાન થયું છે. આવા રાજા-પ્રજાના ઝઘડામાં રાજા-પ્રજા બંનેને નુકસાન થાય છે. આજે પ્રજાનો વિજય થયા છે, સાથે સાથે રાજાનો પણ થયો છે. જ્યારે રાજાના દિલમાં પ્રજા પ્રત્યે લાગણી પેદા થાય છે ત્યારે એનો વિજય થયો ગણાય છે. તેથી હું રાજા-પ્રજા બંનેને અભિનંદન આપું છું.”

આ સમાધાનની વાત દેશમાં ફેલાઈ ત્યારે દેશના ખૂણે ખૂણેથી સરદારને અભિનંદનના તારે મળ્યા. આખા દેશમાં હર્ષ વ્યાપી ગયો અને સરદારની બાહોશી તથા બહાદુરીનાં સો વખાણ કરવા લાગ્યા. પણ સમાધાન કરીને ખરેખરી નિરાંતની નિદ્રા તો તે દિવસે રાજકોટના ઠાકોરસાહેબે લીધી હશે.