આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૫૬
સરદાર વલ્લભભાઈ

મિ. ગિબ્સન : એક કલમમાં તમે હેવાલ સંપૂર્ણ રીતે અમલમાં મૂકવાનું કબૂલ્યું છે. તેથી તમે તમારી બાજી હારી બેઠા છો.

સુધારા સમિતિના પ્રમુખની નિમણુક સંબંધમાં મિ. ગિબ્સને ઠાકોરસાહેબને પૂછયું': સમિતિના પ્રમુખ કોણ થશે ?

ના. ઠાકોર: દરબાર વીરાવાળા.

મિ. ગિબ્સન : ના, એ તો આવી ન શકે.

ના. ઠાકોરસાહેબ : કેમ ? તેઓ એમની રજાનો સમય પૂરો થયા પછી આવશે.

મિ. ગિબ્સન : તેઓ તાલુકદાર છે. તેઓ નહીં આવી શકે. હું તેમને હવે ન આવવા દઉં.

ના. ઠાકોર : સર પેટ્રિકના ગયા પછી તેઓ આવી શકશે.

મિ. ગિબ્સન : એ જોયું જશે.

ઉપરની વાત થઈ તે પહેલાં ઠાકોર સાહેબે મિ. ગિબ્સનને કાગળ લખીને જણાવ્યું હતું કે,

"હવે પ્રજા સાથે સમાધાન થઈ ગયું છે. અને રાજ્યમાં પૂરેપૂરી શાંતિ સ્થપાઈ ગઈ છે. વળી દીવાન તરીકે સર પેટ્રિક કેંડલ ન જોઈએ એવી હજારો પ્રજાજનોની સહીથી અરજી મને મળી છે. એટલે આપ તેમને રાજીનામું આપીને જવાની સલાહ આપો તો ઠીક. મેંં સર પેટ્રિકને પણ એ પ્રમાણે કાગળ લખ્યો છે.”

આનું કશું પરિણામ ન આવ્યું એટલે તા. ૩૧મી ડિસેમ્બરે સર પેટ્રિકને ફરી કાગળ લખીને પુછાવ્યું કે તમે ક્યારે રાજીનામું આપો છો ? રેસિડેન્ટ મિ. ગિબસન સમજી ગયા કે સર પેટ્રિક કૅંડલને હવે વધુ વખત રાખવામાં માલ નથી. આ સમાધાની રદ કરાવવામાં દરબાર વીરાવાળા આપણને વધુ ઉપયોગી થઈ પડશે. એટલે તેમણે કૅંડલને જવાની સલાહ આપી.

તેઓ ૭મી જાન્યુઆરીએ રાજકોટ છોડી ગયા અને તરત જ દરબાર વીરાવાળાએ રાજકોટ આવી દીવાનપદું સંભાળી લીધું. સરદાર સાથે તેણે જયારે સમાધાન કરાવ્યું ત્યારે કદાચ તેનું પાલન કરવાની તેની ઈચ્છા હશે. પણ રેસિડેન્ટની રૂખ જોઈ એનો વિચાર ફરી ગયો અને સમાધાનનો ભંગ શી રીતે કરવો તેની જ યુક્તિઓ તેમણે રચવા માંડી. એવા કાવાદાવાના કામમાં તો એ એક્કા હતા.

સમાધાનની શરતો મુજબ સમિતિના સાત પ્રજાકીય સભ્યોનાં નામ સરદારે આપવાનાં હતાં. તે વિષે કાર્યકર્તાઓ જોડે મસલત કરી નામો