આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૪
સરદાર વલ્લભભાઈ

રાખેલી, છતાં દુર્ગંધ અને ગંદકી ઢાંકી શકાઈ નહોતી. કેદીઓને પણ હજામત કરાવી, નવડાવી-ધોવડાવી સાફ કપડાં પહેરાવ્યાં હતાં. તેમણે પોતાના ઉપર ગુજારવામાં આવેલા ત્રાસની કહાણી નીડરપણે કહી સંભળાવી. ફર્સ્ટ મેમ્બરને ઘણી ફરિયાદો કબૂલ કરવી પડી. જોકે સાથે સાથે તેઓ કહેતા જ રહ્યા કે અમે તો કશો ત્રાસ ગુજાર્યો નથી. કર્નલ ડેલીએ ટીકા કરી કે આ બધી ફરિયાદો છતાં કેદીઓ દેખાય છે તો સારા અને ઉત્સાહમાં. ગાંધીજીએ પાછળથી તેમને કહ્યું કે સત્યાગ્રહીઓને વીસ વીસ વર્ષથી જે તાલીમ આપવામાં આવી છે તે ફોગટ નથી ગઈ. ગમે તેટલાં કષ્ટો પડે તોપણ તેઓ સામાની આગળ રોતી સૂરત રાખીને ઊભા નહીં રહે. અને તેમની બધી જ વાતો બનાવટી હોવાનું તો તમે નહીં જ માનો. સરધારથી ગાંધીજી કસ્તૂરબાને મળવા ત્રંબા ગયા. બાએ પૂછ્યું કે તમારો કાર્યક્રમ શું છે ? ત્યારે ગાંધીજીએ જવાબ આપ્યો કે મારું કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી રાજકોટ છોડવાનો નથી.

ત્યાંથી ઠાકોરસાહેબને મળવા રાજકોટના દરબારગઢમાં ગયા. મુલાકાત દરમ્યાન બધો વખત દરબાર વીરાવાળા હાજર હતા. એ મુલાકાતથી ખૂબ અસંતુષ્ટ થઈને ગાંધીજી પાછા ફર્યા. રાજકોટનો ખરો રાજા ઠાકોરસાહેબ છે કે દરબાર વીરાવાળા ? એ તેમના ઉદ્‌ગાર હતા. તે વખતે જ ત્રિપુરીમાં કૉંગ્રેસની બેઠક ભરાવાની હતી. ગાંધીજીએ એવી આશા રાખેલી કે એકબે દિવસમાં ઠાકોરસાહેબને સમજાવી દઈશ અને હું ત્રિપુરી જઈ શકીશ. પણ આ મુલાકાત પછી એમની એ આશા પડી ભાંગી.

બીજે દિવસે જુદા જુદા ગામના લગભગ દોઢસો ખેડૂતો ગાંધીજીને મળવા આવ્યા. તેમણે સૈનિકોને મોટર લૉરીઓમાં ભરી જંગલમાં મૂકી આવવાની, ત્યાં ખૂબ માર મારવાની, પગમાં જોડા અથવા તો ચંપલ હોય તો કઢાવી નાખી કાંટા ઉપર ચલાવવાની, કેટલાકનાં કપડાં કાઢી નાખી નાગા કરી છોડી મૂકવાની, એ બધી કહાણી ફર્સ્ટ મેમ્બરની રૂબરૂમાં કહી સંભળાવી. બપોરે રેસિડેન્ટ મિ. ગિબ્સનને મળ્યા. સાંજની પ્રાર્થના પછી દરબાર વીરાવાળા મોટરમાં ગાંધીજીને ફરવા લઈ ગયા. દોઢેક કલાક વાતચીત ચાલી. ખૂબ નિરાશ થઈ ગાંધીજી પાછા ફર્યા. રાતે મોડે સુધી તેમને ઊંઘ ન આવી. અર્ધ ઉપર રાત ભારે માનસિક વેદનામાં ગાળી. સવારે ઊઠીને ઠાકોર સાહેબને કાગળ લખવા બેઠા. પોતાની માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો બીજા દિવસથી એટલે તા. ૩જીએ બપોરે બાર વાગ્યાથી ઉપવાસ શરૂ થશે એવું તેમાં જણાવ્યું. એ કાગળ તે દિવસે બાર વાગ્યા પહેલાં ઠાકોરસાહેબને પહોંચાડવામાં આવ્યો. આ રહ્યો એ કાગળ: