આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
સરદાર વલ્લભભાઈ


એ ત્રાસમાંથી બચવા માટે આખા ગામનાં ગામ પાસેની ગાયકવાડી હદમાં હિજરત કરી ગયાં હતાં, અને ખેતરમાં ઘાસપૂળાના અથવા પાલાના માંડવા બાંધી તેમાં રહેતાં હતાં. આમ જ્યારે ભઠ્ઠી ખૂબ જ તપેલી હતી ત્યારે નવેમ્બરની શરૂઆતમાં સરદાર ફરી પાછા બહાર આવ્યા. આ જ અરસામાં મહાદેવભાઈ પણ એમની છ માસની સજા પૂરી કરીને બહાર આવ્યા હતા. સરદારે બહાર નીકળીને લોકોને તેજ કરનારાં ભાષણ કરવા માંડ્યાં. એટલે ‘હિન્દી રાષ્ટ્રીય કૉંગ્રેસ નામના મંડળની’ ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે તેઓ સંબંધ ધરાવે છે એમ કહી સરદાર તથા મહાદેવભાઈ ઉપર સરકારે વાચાબંધીના હુકમો કાઢ્યા. જોકે તેમણે તો બહાર આવ્યા પછી તરત મુંબઈમાં માંડવીનો ખાદીભંડાર ખુલ્લો મૂકતાં લોકોને કહી દીધું હતું કે,

“મારા દિલની વાણી તમને ક્યાં અજાણી છે? એ વાણીના ઉપર જગતમાં કોઈ તાળું મારી શકે એમ નથી. હું જેલમાં બેઠો હોઈશ ત્યાંથી પણ એ તમને પહોંચશે અને તમારા હૃદયમાં ઊતરશે.”

બારડોલીના, જલાલપુરના, બોરસદના એમ કેટલાક તાલુકાઓના ખેડૂતો હિજરત કરી ગયા હતા તેમને પણ આ સભામાંથી જ તેમણે સંદેશ આપી દીધો :

“કેટલાક મને સલાહ આપવા આવે છે કે ગુજરાતના ખેડૂતને શા માટે પાયમાલ કરો છો ? ગુજરાતનો ખેડૂત એટલો પાંગળો હોય તો મને ખરેખર દુ:ખ થાય, પણ તે પાંગળો નથી. ગુજરાતનો ખેડૂત આ લડતમાં વટાઈ જશે તો તેણે દેશની મુક્તિના યજ્ઞમાં સારામાં સારો ફાળો આપ્યો એમ હું માનીશ. બે ચાર તાલુકાઓ આજે લડે છે તેમને નકશામાંથી કાઢી નાખવા હોય તો ભલે કાઢી નાખે. હું તેમને માટે મગરૂર થઈશ. આપણે તો આ ચાલુ નક્શો ભૂંસી નાખીને તેમાં નવા રંગ પૂરવા છે. એ નવા નકશામાં ખરાં ઇજજતનાં સ્થાનો આ તાલુકાનાં ચિતરાશે. ખેડૂતોની જમીનો જશે એવી બીક દેખાડવામાં આવે છે. ખેડૂતોની જમીન જશે તો શું સરકારને કોઈએ તાંબાના પતરે આ દેશનું રાજ્ય લખી આપ્યું છે?”

ગુજરાતની માફક કર્ણાટકમાં સીરસી, સિદ્ધાપુર તથા અંકોલા તાલુકાઓમાં ખેડૂતોએ નાકરની લડત ઉપાડી હતી. ગુજરાતના ખેડૂતોની એક સભા આગળ તેમને ઉદ્દેશીને સરદારે કહ્યું :

“કર્ણાટકના બહાદુર ખેડૂતો તમારી સાથે ભોગ આપવામાં, જમીન અને મિલકત ગુમાવવામાં તથા હાડમારીઓ વેઠવામાં હરીફાઈ કરી રહ્યા છે. તેમને ત્યાં જપ્તીઓ થઈ છે, જમીન ખાલસા થઈ છે અને કેટલાયે માણસો જેલમાં ગયા છે. સ્ત્રીઓ અને પુરુષો દુ:ખો અને કષ્ટોની કશી પરવા કરતાં નથી. તેઓ છેક પાયમાલ થઈ ગયાં છે. તેમની પાસે કશાં સાધન રહ્યાં નથી. તેમની બહાદુરીની અને ભોગની આ વાતો સાંભળીને મારું હૃદય તેમની પ્રશંસા કરે છે, તેમનાં