આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૧
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૩


આ દશામાં પ્રજામંડળના કેટલાક સભ્યોને લાગ્યું કે આપણી પરિષદના પ્રમુખ તરીકે સરદારને બોલાવીશું તો પ્રજામાં કંઈક ચેતન આવશે. આપણી પરિષદના ઠરાવો ઉપર ‘ફાઈલ કરો’ એવો શેરો કરતાં અમલદાર વર્ગ વિચાર કરશે અને રાજ્ય પ્રજામંડળની અવગણના નહીં કરી શકે.

સરદાર પ્રજામંડળની મુશ્કેલીઓ જાણતા હતા. એટલે પરિષદને ભીડને પ્રસંગે સાથ આપવાના વિચારથી પરિષદની વિનંતી તેઓ નકારી શક્યા નહીં. પ્રમુખની જવાબદારી તેમણે સ્વીકારી પણ તેની સાથે પરિષદને કહ્યું કે,

“આમ જો રાજ્ય આગળ તેમ જ પ્રજા આગળ કાર્યવાહકોનું માનભંગ થતું હોય અને પ્રજામંડળની બાવીસ વરસની લાંબી કારકિર્દી પછી આજે પ્રજાનું કોઈ પણ દુઃખ કે ફરિયાદ દૂર કરવાની તેની શક્તિ જ ન રહી હોય, તો એ મંડળે પોતાના ભવિષ્યના માર્ગ અને કાર્યક્રમ વિષે વિચાર કરી લેવો ઘટે છે. પ્રજામંડળની પાછળ અનેક કાર્યવાહકોની બાવીસ વરસની સેવાઓનું ભંડાળ પડેલું છે. એ મૂડીને વેડફી નાખવી એ મહાપાપ છે. રાજ્યે એનું અસ્તિત્વ મિટાવવાનો કે એનો તેજોવધ કરી નિર્માલ્ય અને શબવત કરી મૂકવાનો ઇરાદો કર્યો હોય એમ લાગતું હોય, તો મંડળના એકેએક સભાસદની ફરજ છે કે એણે નીડરપણે પણ સભ્યતાથી પોતાના પ્રાણની આહુતિ રાજ્યને ચરણે ધરવા વિના વિલંબે અને વિના સંકોચે તૈયાર થવું જોઈએ, પછી ભલેને એ મૂઠ્ઠીભર માણસો હોય. એવા મરણિયાઓના વિશુદ્ધ બલિદાનથી પ્રજામંડળનો હણાયેલો આત્મા પાછો સતેજ થશે અને રાજ્યના તિરસ્કારને બદલે તેના માનને પાત્ર બનશે. પ્રજાનો સરી જતો વિશ્વાસ પણ સ્થિર થશે.”

પ્રજામંડળે પોતાની પરિષદના પ્રમુખ તરીકે સરદારને પસંદ કર્યા ત્યારથી ‘વિવિધ વૃત્ત’ અને ‘જાગૃતિ’ નામનાં મરાઠી સાપ્તાહિક પત્રોએ સરદારની સામે બખાળા કાઢવા માંડ્યા. સરદાર આવીને શું કરી નાખવાના છે ? પ્રજામંડળ તે શું ધાડ મારશે ? પ્રજામંડળના ઢોંગ કેટલા દિવસ નભશે ? પ્રજામંડળ નાહક સરકારનો સહકાર ગુમાવે છે. રાજ્યપ્રેમ સાચવી રાખવામાં પ્રજાનો ઉદ્ધાર છે. પ્રજામંડળ રાજ્ય સાથે અથડામણમાં આવે તેથી રાજ્યની નોકરીમાં થોડા ગુજરાતીઓ છે તેમને પણ ખમવું પડશે. વળી મહારાષ્ટ્રીઓની લાગણી ઉશ્કેરવા તેમણે કહ્યું કે નાગપુરના ડૉ. ખરેને સરદારે તો ભારે અન્યાય કર્યો છે. એના સમર્થનમાં મુંબઈના શ્રી નરીમાનનો દાખલ ટાંક્યો. સરદાર તો અતિશય આપખુદ અને લોકશાહી વિરોધી માણસ છે, એવો પણ આક્ષેપ મૂક્યો. રાજ્યના અને રાજ્યના ટેકેદારોના આવા વિરોધી વાતાવરણમાં સરદારે પ્રજામંડળનું સુકાન હાથમાં લીધું.

પ્રજામંડળે બરાબર ખેડૂતોને પડખે ઊભા રહેવું જોઈએ, એ વિષે પોતાના ભાષણમાં તેમણે કહ્યું :