આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૨
સરદાર વલ્લભભાઈ



“વડોદરા રાજ્યના ખેડૂતોની વધતી જતી આર્થિક દુર્દશા અને તેના ઉપર લાદવામાં આવેલા અસહ્ય અને ઘાતકી જમીનમહેસૂલના બોજા વિષે પ્રજામંડળે લગભગ દરેક અધિવેશન પ્રસંગે ઠરાવો કર્યા છે. આ ઠરાવો કરવાનો શો અર્થ છે? ખેડૂતોના પેટના ખાડા પરિષદના ઠરાવોથી પુરાવાના નથી. એના પરના કરનો બોજો કે જમીન મહેસૂલનો ભાર એ ઠરાવોથી હળવો થવાનો નથી. … ગામડે ગામડે અને ખેડૂતની ઝૂંપડીએ ઝૂંપડીએ ફરી ખેડૂતોનાં સુખદુઃખમાં ભાગીદાર થવાનો અને આકરી મહેસૂલપદ્ધતિ સામે રાજ્યના કાનના પડદા તૂટી જાય એટલા જોરથી પોકાર ઉઠાવવાની લોકોને તાલીમ આપવાનો પ્રજામંડળનો હક છે. એ હક છીનવી લેવામાં આવે તો પ્રજામંડળના કાર્યવાહકોએ રાજ્યનો સવિનય સામનો કરવો જોઈએ. આ પ્રાથમિક હક છોડી દેવામાં હું પ્રજામંડળનો આપઘાત જોઈ રહ્યો છું.”

રાજાના મકરપુરાના મહેલની પાસે રાજ્યને ખર્ચે એક મોટું શિકારખાનું રાખવામાં આવતું હતું. એ શિકારખાનું વરસોથી ખેડૂતોને ભારે ત્રાસરૂપ થઈ પડ્યું હતું. એ વિષે સરદારે પોતાનો અવાજ ઉઠાવ્યો :

"વડોદરા રાજ્યમાં ખેડૂતની દાદફરિયાદ સંભળાતી નથી તેનું એક અદ્ભુત ઉદાહરણ તો વરણામાની આસપાસનાં સાડત્રીસ ગામના ખેડૂતો ઉપર આજે વરસોનાં વરસ થયાં જે અસહ્ય ત્રાસ વતી રહ્યો છે, એ છે. એમાંથી છૂટવાની દાદ મેળવવા તેમણે અસંખ્ય અરજીઓ કરી, સભાઓ ભરી, ડેપ્યુટેશનો મોકલ્યાં, અને પ્રજામંડળ તેમ જ ધારાસભા મારફતે સરકારના બહેરા કાનમાં શંખ વગાડવાના વારંવાર પ્રયત્ન કર્યા, છતાં કશું વળ્યું નથી. રાજકુટુંબ અને એના ગોરા મહેમાનોના શિકારશોખ પૂરા પાડવા ખાતર આ સાડત્રીસ ગામની વચમાં રાજ્યનું તેરસો એકરના વિસ્તારનું ધનિયાવી નામે ઓળખાતું એક વિશાળ શિકારખાનું છે. આ શિકારખાનામાં હરણો રાખવામાં આવે છે. તેમને ખાવાને માટે ચારો જોઈએ તેનું સરકારને કશું ખર્ચ કરવું પડતું નથી. આસપાસનાં સાડત્રીસ ગામની સીમનો પાક એ જ આ રાજ્યનાં હરણોનો ખોરાક છે. આ હરણો ગમે તેટલો બગાડ કરે, પણ એને જો મારે તો મારનારને રાજ્યનો ગુનેગાર ગણી સજા થાય છે. હરણ ખેડૂતને મારી શકે છે પણ ખેડૂત આત્મરક્ષણને ખાતર પણ એને મારી શકતો નથી. કારણ હરણ એ રાજ્યનું માનીતું પ્રાણી છે અને ખેડૂત રાજ્યના ભાર વહન કરવા સર્જેલું જાનવર છે. આ સાડત્રીસ ગામના ખેડૂતોના પૂર્વજો આજથી સાઠ વર્ષ ઉપર આ હરણોના ત્રાસથી બચવાને રાજ્ય પાસેથી દાદ મેળવવામાં નિષ્ફળ નીવડયા ત્યારે ગામ છોડી હિજરત કરી ગયા હતા. તેમને મનાવીને પાછા લાવવામાં આવ્યા હતા, અને રાજ્ય તરફથી કાંઈક રાહત આપવામાં આવી હતી. એ બહાદુર ખેડૂતોના વારસોમાંથી આજે સાહસ અને હિંમત ઓસરી ગયાં છે. આ હરણોની સંખ્યામાં મોટો વધારો થયે જ જાય છે. રાજ્યનું રક્ષણ હોવાથી તેમનામાં નિર્ભયતા આવી ગઈ છે. આમ આ રાજ્યમાં ગરીબ બિચારા ખેડૂતો રાજ્યના શિકારના પણ શિકાર થઈ પડ્યા છે. કેટલાંયે વરસોથી આ ખેડૂતો અરજીઓ કરે છે, મહારાજને મળવાના પ્રયત્નો કરે છે, દીવાન સાહેબ પાસે દોડી જાય છે, પ્રજામંડળના દરેક અધિવેશનમાં