આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૦૩
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૩

પોકાર કરે છે. પણ એ બધું બહેરા આગળ શંખ ફૂંકવા જેવું છે. આ ધનિચાવીના શિકારખાનાનો કરુણ ઇતિહાસ જ્યારે હું સાંભળું છું, ત્યારે પેલા ઉત્તરસંડા ગામના એક ગૃહસ્થ જે આ રાજ્યના માજી અમલદાર હતા અને જેમણે ન્યાયમંદિરમાં ધોળે દિવસે મશાલ સળગાવી વડોદરાના ન્યાયમંદિરમાં એને ન્યાય કયાંથી મળે એમ છે, એની શોધ કરી હતી એનું સ્મરણ થાય છે. આ શિકારખાનું ત્યાંથી ઉઠાવી લેવાની રાજ્યને ફરજ પાડવા અને ખેડૂતોને અસહ્ય ત્રાસમાંથી ઉગારવાને મજબૂત અને વ્યવસ્થિત પગલાં ભરવાં જોઈએ.”

પછી રાજયમાં ચાલતી લાંચરુશવતની બદી, ટૂંકી આવક ઉપર પણ આવકવેરો નાખવામાં રહેલો અન્યાય, રાજ્યમાં ઊભાં કરેલાં પંચાયત અને સુધરાઈઓનાં ખોખાં, વગેરે વિષે વાત કરી ત્યાંની ધારાસભા વિષે બોલ્યા :

“ 'આ રાજ્યમાં કેટલાંક કામો જેવાં કે કાયદા વગેરે ધડવામાં અનુભવી લોકોની સલાહ લેવી હિતાવહ થશે એમ ધારી તેમની એક ધારાસભા સ્થાપી જોવી,' આવી પ્રસ્તાવનાથી આ ધારાસભાઓના અખતરો ત્રીસ વરસ ઉ૫૨ રાજ્યે શરૂ કર્યો. પણ આવી ધારાસભાઓમાં નાલાયકાતની જ તાલીમ મળતી હોવાથી તેનું કશું પરિણામ આવ્યું નથી. તે વખતે તો આ સંસ્થા સ્થાપવાથી ચારે તરફ રાજ્યની વાહવાહ બોલાવા લાગી અને ભોળી પ્રજા ફૂલીને ફાળકો બની ગઈ. પ્રજામંડળે આ ધારાસભાનો એક વખત બહિષ્કાર પોકાર્યો એમાં ખુશામતિયા લોકો ગરી ગયા. એટલે વળી પ્રજામંડળે એ જગ્યાએ પોતાના જ માણસો મોકલવાનો ફરી પાછો પ્રયત્ન કર્યો. બેઉં વખતે મંડળને ઠીક સફળતા મળી. પણ એ બધું પાણી વલોવવા જેવું જ સમજી લેવું. આ સંસ્થાઓનો ત્યાગ કરવામાં જ પ્રજાનું ભલું છે. એમાં જવાથી રાજ્યને નકામી પ્રતિષ્ઠા મળે છે.”

ધારાસભા વિષે ઉપર પ્રમાણે સલાહ આપી, મુંબઈ ઇલાકામાં શરૂ થયેલા દારૂબંધીના કાર્યક્રમમાં વડોદરા રાજ્યની આબકારીની નીતિથી કેવો અંતરાય આવે છે તે જણાવ્યું :

“ બ્રિટિશ ગુજરાતમાં જ્યાં જ્યાં શરાબબંધીનો કાર્યક્રમ શરૂ થયો છે ત્યાં ત્યાં બધે જ નજીકમાં આ રાજ્યની હદ આવેલી છે. અંગ્રેજી હદમાં દારૂ પીનાર, જેને એ વ્યસનની લત લાગેલી છે, તેઓ પાસેની આ રાજ્યની હદની દારૂતાડીની દુકાનો પર દોડી જાય છે, છતાં રાજ્ય તરફથી આ દુકાનો દૂર લઈ જવાની કશી જ તજવીજ હજુ સુધી થઈ નથી. તેથી બ્રિટિશ ગુજરાતની આ પ્રવૃત્તિમાં ભારે અંતરાય આવી પડે છે. ”

એક વાર પ્રગતિશીલ ગણાતું આ રાજ્ય આજે કેવી દુર્દશામાં આવી પડ્યું છે તેનું વર્ણન નીચેના ફકરામાં કર્યું છે :

“ આ રાજ્ય પ્રથમ પંક્તિમાંનાં દેશી રાજ્યોમાંનું એક મુખ્ય રાજ્ય છે. પ્રગતિશાળી રાજ્ય હોવાનો એણે હમેશાં દાવો કરેલો છે. શ્રીમંત મહારાજ સાહેબે જ્યારે કૈઈ દેશી રાજ્ય હિંમત નહોતું કરતું તે વખતે દુરંદેશીથી અનેક સુધારા દાખલ કરવાની શરૂઆત કરી. ફરજિયાત કેળવણીની પહેલ કરી. સમાજસુધારાનાં કામનો આરંભ કર્યો અને અસ્પૃશ્યતા નાશ કરવાના ભગીરથ પ્રયત્નો