આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૦૭
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૩

હાજર હતા. વળી સ્વયંસેવકોનો બંદોબસ્ત પણ પૂરતો રાખવામાં આવ્યો હતો. જોકે સભા પૂરી થયા પછી સભામાંથી ઘેર જતા લોકોની સારી પેઠે કનડગત કરવામાં આવી. તે દિવસે કોઈ અજાણ્યા માણસે એક મહારાષ્ટ્રી વિદ્યાર્થીનું ખંજર મારીને ખૂન કર્યું. આ ખૂન કરનાર કોઈ ગુજરાતી હોવો જોઈએ એવો પ્રચાર કરી આ યુવાનની જે સ્મશાનયાત્રા નીકળી તેમાં ભાગ લેનારાઓએ જે ગુજરાતી લત્તામાંથી તેઓ પસાર થયા તે તે લત્તામાં ગુજરાતીઓ ઉપર હુમલા કર્યા. તા. ૨૨મીએ પણ તોફાનો ચાલુ રહ્યાં. ત્રણ દિવસ શહેરમાં ચાલેલા આ તોફાનો સંબંધમાં કાયદેસર તપાસ ચલાવવા તા. ૬-૪-'૩૯ના રોજ રાજ્ય તરફથી એક કમિટી નીમવામાં આવી. એ કમિટીનું તપાસનું કામ ઠીક ઠીક આગળ ચાલ્યું. એટલામાં કેટલાક આગેવાન મહારાષ્ટ્રીઓએ આ તોફાન માટે પોતાની દિલગીરી દર્શાવી અને સરકારને અરજી કરી કે આ તપાસનું કામ ચાલુ રાખવાથી કોમી તંગદિલી રહ્યાં કરે છે માટે તપાસનું કામ બંધ રાખવું જોઈએ. આ વિનંતીમાં કેટલીક આગેવાન ગણાતા પણ નરમ વિચારના ગુજરાતીઓએ પણ સહી કરી. આ અરજી મળતાં રાજય તરફથી એક સરકારી યાદી બહાર પાડીને ૧૯-૭–’૩૯ના રોજ તપાસનું કામ બંધ રાખવામાં આવ્યું. અને જાહેર કરવામાં આવ્યું કે, સરકાર પાસે જેટલો પુરાવો નોંધાયો છે તે ઉપર કાળજીપૂર્વક વિચાર કરીને જાહેર હિતને માટે જે પગલાં લેવાં સરકારને આવશ્યક જણાશે તે એ લેશે. આમ આ વસ્તુ ભીની સંકેલાઈ.

ઉપર આપણે નવા સુધારાની વાત કરી છે તે પ્રમાણે ૧૯૪૦ ના મે-જૂનમાં ધારાસભાની ચૂંટણી થઈ. તેમાં સરદારે પ્રજામંડળને સારી દોરવણી આપી તથા મદદ કરી અને પ્રજામંડળના પસંદ કરેલા ઉમેદવારો ઠીક ઠીક બહુમતીમાં ચૂંટાઈ આવ્યા. પણ થોડી જ વારમાં વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને તેને અંગે બ્રિટિશ સલ્તનતની હિંદુસ્તાન પ્રત્યેની નીતિને લગતા બહુ મોટા પ્રશ્નો ઊભા થયા. એટલે દેશી રાજયોનો પ્રશ્ન કાંઈક ખાળંબે પડ્યો.

લીમડી

કાઠિયાવાડમાં લીમડી એ નાનું દેશી રાજ્ય હતું. તેની કુલ વસ્તી એકતાળીસ હજાર માણસની હતી, તેમાં તેર હજાર લીમડી શહેરમાં જ રહે છે, રાજ્યને તાબે બધાં મળીને ચાલીસ ગામ હતાં. તેમાંનાં બારની આવક યુવરાજની ખાનગી મિલકત ગણાતી. રાજ્યની કુલ વાર્ષિક આવક પંદરેક લાખ રૂપિયાની હતી. તે મુખ્યત્વે જમીન ઉપરના વેરામાંથી જ આવતી, જેટલું અનાજ પાકે એનો ત્રીજો અથવા ચોથો ભાગ રાજ્ય લેતું, ત્યાં સારી જાતનો કપાસ પાકતો, એનો ત્રીજો ભાગ લેતું. આ ઉપરાંત