આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૦૮
સરદાર વલ્લભભાઈ

જાતજાતના લાગા પણ ખેડૂતો પાસેથી રાજ્ય ઉધરાવતું. કસબાવેરો, સાંતીવેરો, ઢોર વેરા, લગ્નવેરો, તોલામણી, આવી આવી જાતના ઘણા વેરામાંથી રાજયને ઠીક આવક થતી. એમાંની પચાસ ટકા રાજકુટુંબ પોતાના ખર્ચ માટે વાપરતું અને બાકીની અમલદારો તથા નોકરોના પગારમાં જતી. કર આપનારાઓને સગવડના રૂપમાં બહુ ઓછું મળતું. કેળવણી, સ્વચ્છતા તથા દાક્તરી મદદમાં રૂપિયે એક આનો માંડ ખર્ચાતો હશે. ગામડામાં તો એ સગવડો પણ નહોતી. ઘણાં ગામડાંમાં તો પાણીની પણ ભારે હાડમારી હતી.

રાજકુટુંબ બહુ સુશિક્ષિત ગણાતું. રાજા વૃદ્ધ થયેલ હોવાથી યુવરાજ જ રાજાને સ્થાને હતા. રાજાના બીજા કંવર રાજયના દીવાન હતા. આ બંને વિલાયત જઈ આવેલા હતા. દીવાન ફતેહસિંહ તો બૅરિસ્ટર થયેલા હતા. આ એ જ ફતેહસિં હતા જેમને થોડો વખત ઉપર સૌરાષ્ટ્ર સરકારે બહારવટિયા ભૂપતને આશ્રય આપવાના તથા મદદ કરવાના આરોપસર પકડ્યા હતા.

યુવરાજની વાત કરવાની રીત બહુ મીઠી હતી. પણ તેમના ચારિત્ર્ય વિષે લીમડીની પ્રજાને ભારે અસંતોષ હતો. આ વિષે યુવરાજને બે શબ્દ કહેવા મુંબઈમાં રહેતા લીમડીના કેટલાક વેપારી આગેવાનો એક વાર યુવરાજ મુંબઈ ગયેલા ત્યારે તેમને મળ્યા. યુવરાજે તેમની આગળ બહુ સારી સારી વાતો કરી અને કહ્યું કે જે પ્રજા સંમત થાય અને પ્રજામંડળ સ્થાપે તો રાજ્યતંત્રમાં તેમને હું કેટલીક જવાબદારીઓ જરૂર સોંપું. એ વેપારી આગેવાનોને લીમડી આવવાનું પણ આમંત્રણ આપ્યું. તેઓ જ્યારે લીમડી ગયા ત્યારે યુવરાજે ફેરવી તોળ્યું. તેમણે જણાવ્યું કે, તમે પ્રજામંડળ સ્થાપો પણ પ્રજામંડળે લીમડી શહેરમાં જ કામ કરવું. ગામડાના સુધારા માટે મારી પોતાની કેટલીક યોજનાઓ છે અને તેનો હું જાતે જ અમલ કરવા માગું છું. એમાં બીજા કોઈ વચ્ચે પડે એ હું ઈચ્છતો નથી. તેમણે વિશેષમાં જણાવ્યું કે હું લોકશાહીને નકામી વસ્તુ ગણું છું. ખસૂસ કરીને ગામડાંની પ્રજાનું ભલું તેથી થઈ શકતું નથી. એટલે ગ્રામસુધારની મારી યોજના હું બહાર પાડું ત્યાં સુધી તો તમારે ગામડાંમાં કોઈ પણ જાતની રાજકીય પ્રવૃત્તિ ચલાવવી જ નહીં. પણ આ કેવળ વખત ગાળવાની બાજી હતી. કારણ બીજી તરફથી અમલદારોને તેણે સૂચના આપી કે તમારે ગામડાંમાં જઈ લોકોને સમજાવવા કે કોઈએ પ્રજામંડળમાં જોડાવું નહીં, અને કોઈ જોડાવાનું કરે તો એને સારી પેઠે કનડવા.

હિંદુસ્તાનભરમાં દેશી રાજ્યની પ્રજામાં જે જાગૃતિ આવી હતી તેની અસર લીમડીના લોકો ઉપર પણ થઈ હતી. એટલે લીમડીના કાર્યકર્તાઓએ