આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૧૦
સરદાર વલ્લભભાઈ

 છતાં ગામડાંમાં પ્રજામંડળનું કામ વધતું જ ચાલ્યું. એટલે પ્રજામંડળ ઉપર ગામડાંમાં વ્યવસ્થિત હુમલો કરવાની યોજના રાજ્યની મૌખિક સુચના અને મદદથી કરવામાં આવી.

તા. ૫-૨-'૩૯ના રોજ આખા કાઠિયાવાડમાં રાજકોટ દિન ઊજવવામાં આવ્યો. તે દિવસે સાંજે લીમડી રાજ્યના પાણશીણા ગામમાં ગામલોકોની સભા થઈ તે રાતે દસ વાગ્યે વેરાઈ ગઈ. ત્યાર પછી રાત્રે અગિયાર વાગ્યે લાઠીઓ, ધારિયાં, ગામઠી બંદૂકો, તલવારો, કુહાડીઓ વગેરેથી સજ્જ થયેલા લગભગ એંશી માણસો બંદુકોના બાર કરતા ગામ ઉપર તૂટી પડ્યા. અર્ધા માણસોએ ગામનાં બધાં નાકાં રોક્યાં અને વીસ વીસની બે ટુકડીઓ ગામમાં ફરી વળી. પ્રજામંડળના કાર્યકર્તાઓ અને તેમની સાથે સહાનુભૂતિ ધરાવનારા બારેક જણનાં ઘર શોધી કાઢી તેનાં બારણાં તોડી લૂંટ ચલાવી. ગામમાં પ્રજામંડળની કચેરી હતી અને ત્યાં કેટલાક સ્વયંસેવકો સૂતા હતા તેને બહારથી સાંકળ મારી દીધી જેથી અંદર સૂતેલા કોઈ બહાર નીકળી ન શકે. ગામના મુખ્ય વેપારી અને પ્રજામંડળના આગેવાન કાર્યકર્તાને ઘેર પહોંચી તેમને અને તેમનાં પત્નીને ઘાતકી રીતે માર માર્યો. એ બહેનને તો ગુહ્ય ભાગો ઉપર પણ ઈજા પહોંચાડી. પ્રજામંડળના બીજા એક કાર્યકર્તા ઉપર તલવારથી હુમલો કર્યો. આમ બે કલાક સુધી મારપીટ કરી અને લૂંટ ચલાવી. આશરે ત્રીસ માણસોને ગંભીર ઈજા થઈ અને પ્રજામંડળનું કામ કરનારાઓનાં બાર ઘરમાંથી લગભગ સાઠ હજાર રૂપિયાની મતા ઉઠાવી ગયાં. પાણશીણા ગામમાં પોલીસનું થાણું હતું અને ગામમાં પગી પસાયતાઓની સંખ્યા પણ મોટી હતી. પણ તેમાંથી કોઈ આ ધાડ દરમ્યાન બહાર આવ્યું નહી.

પાણશીણામાં કેર વર્તાવી આ ધાડું ત્યાંથી બે ગાઉ ઉપર આવેલા રળોલ ગામે પહોંચ્યું. પ્રજામંડળ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા ત્રણ સોની તથા એક વણિકને ગંભીર માર માર્યો, કુલ દસ માણસોને ઘાયલ કર્યા અને ચાર ઘરો લૂંટીને તેમાંથી દસ હજારની મિલકત ઉપાડી ગયા.

બીજે દહાડે આ અત્યાચારોના સમાચાર લીમડી પહોંચ્યા કે તરત જ પ્રજામંડળે ઘાયલોની સારવાર કરવા માટે ટુકડીઓ તે તે ગામે મોકલી. અત્યાચારનો ભોગ થઈ પડેલાઓને માટે ન્યાય મેળવવા સારુ એક મોટું સરધસ ઠાકોર સાહેબના મહેલ ઉપર ગયું. ઠાકોર સાહેબે સરઘસના પ્રતિનિધિઓને સાંજે પાંચ વાગ્યે મુલાકાત આપી અને જણાવ્યું કે આ અત્યાચારની પોતાને કશી જ ખબર નથી. દીવાને કહ્યું કે જેમને ઈજા પહોંચી હોય અથવા નુકસાન થયું હોય તેએાએ ફરિયાદ નોંધાવવી જોઈએ. પોતાના દીકરા અને રાજયના